________________
પ્રેમ-તપશ્ચર્યા પેલાએ કહ્યું કે, “મેં તમને પહેલેથી જ ચેતવ્યા હતા ખરા કે, એને ગાંડપણનું વળું આવી જાય છે. પણ તમે લોકો તો એ ડાહ્યો થઈને વાત સંભળાવતો હતો ત્યારે વચ્ચે ન બોલવાને બદલે તેને લડવા આવી જવાનું કહેવા લાગ્યા, પછી શું થાય?”
આમ વાતચીતમાંથી બંને મારામારી ઉપર આવી ગયા. ડૉન કિવકસોટે તે બંનેને સમજાવીને છૂટા પાડ્યા. પણ ડૉન કિવકસોટને હવે પેલાની વાત પૂરી સાંભળવી હોવાથી, સાન્કોને તેમણે પોતાની પાછળ પાછળ વધુ નિર્જન ભાગ તરફ આવવા હુકમ કર્યો અને પોતે રોઝિૉન્ટીને તે તરફ લીધો.
સાન્કોનું મન બહુ ખાટું થઈ ગયું હતું: રાણી મૅડેસીમાં તે વળી તેમની કોણ સગી થતી હતી જે, તેને કારણે પેલા ગાંડા સાથે તકરારમાં ઊતરી માર ખાધો; અને પાછા હજુ તેની અધૂરી રહેલી વાત પૂરી સાંભળવા માટે વાંદરાની પેઠે ઠેકડા ભરતા, એ ગાંડાને શોધવા વનવગડામાં આથડવા નીકળવાનું !
' ડૉન કિવકસોટે તેને તતડાવીને જવાબ આપ્યો, “નાઈટપણાની બાબતોમાં તું કશું સમજે નહિ, અને તારે તારું ડીમચા જેવું માથું તે વાતમાં મારવું નહિ. હું જે કંઈ કરી રહ્યો છું, તે અમારા પ્રેમ-શૌર્યના ધર્મોને અનુસરીને છે, અને એ બાબતોની જાણકારી વર્તમાન, ભૂત કે ભવિષ્યના સૌ નાઈટો કરતાં મને વધુ છે, એ યાદ રાખજે.”
તો પણ માલિક, એ ગાંડાની શોધમાં આવા નિર્જન દુર્ગમ વગડામાં આપણે રખડવું શા માટે? ઉપરાંત તે ગાંડો માણસ કઈ બાજુથી આપણા ઉપર કૂદી પડે કે કઈ બાજુથી આપણા ઉપર પથરો ગબડાવી આપણું કામ તમામ કરી નાખે, તેનું શું ઠેકાણું?”
ડૉન કિવકસોટે હવે તેને પોતાના અંતરની વાત કહી દીધી: “જો ભાઈ, હું આ વનવગડામાં આથડું છું, તે કંઈ એ ગાંડા માણસને શોધવા માટે જ નહિ, પરંતુ મારે પોતાને પણ એક એવી દુર્ગમ જગા શોધી કાઢવી છે, જ્યાં રહી હું કોઈએ ન કર્યું હોય તેવું પ્રેમ-તપ આદર. એ