________________
મૅમ્બ્રિનોનો સુવર્ણ-ટોપ
૮૩
કરે છે. તે વખતે પેલી રાજકુમારીના આનંદનો પાર રહેતો નથી. અને ભોજન-સમારંભને અંતે ગુપ્ત સ્થાનમાં મળ્યા બાદ તે રાજકુંવરી તે નાઈટને પોતાની સાથે લગ્ન કરવા આપેલા વચનની યાદ દેવરાવે છે. રાજા પોતાની કુંવરીને કોઈ રાજ-પુત્ર સાથે જ પરણાવવા ઇચ્છતો હોય છે, અને નાઈટ રાજાનો પુત્ર છે કે નહિ તે કોઈ જાણતું હોતું નથી. રાજકુંવરી નિરાશ થઈ જાય છે: પણ પછી તેનો પ્રેમ વિજયી નીવડે છે અને નાઈટ તેનું હરણ કરી જઈ છૂપી રીતે તેને પરણી જાય છે. પછી રાજા તેમનો સ્વીકાર કરે છે.
,,
“ પણ માલિક, આ તો તમારા ખુશનસીબની બધી વાત થઈ; પણ તમારા ગરીબડા સ્કવાયરનું આ બધામાં શું રુંધાયું?”
“લે, પેલી રાજકુંવરીના ગુપ્ત સંદેશા લાવતી લઈ જતી તેની કુમારિકા સખીને પણ સાથે જ ઉપાડી જવાની અને તેની સાથે તારાં લગ્ન કરાવી દેવાનાં. અને હું તને ઉમરાવ-પદ બધું એટલે તારી સાથે લગ્ન કરવાનો પેલી કુમારિકાને વાંધો પણ ન રહે. પણ એટલું યાદ રાખજે કે, પછી તું આવી દાઢી-બાઢી ગાલ ઉપર ઊગવા દઈશ એ નહિ ચાલે; કારણકે, અમીર-ઉમરાવોના ગાલ ઉપર વાળનો એક તાંતણો પણ ઊગેલો રહેવો ન જોઈએ.”
“માલિક, એની ફિકર ન કરશો; હું એક હજામને મારા તહેનાતદાર તરીકે જ રાખી લઈશ; તથા બહાર જઈશ ત્યારે પણ તેને મારા ઘોડા ઉપર જ પાછળ બેસાડીને લઈ જઈશ, એટલે કશો વાંધો જ નહિ આવે: નોકરનો નોકર, અને હજામનો હજામ !”
“પણ અમીર-ઉમરાવો પોતાના જ ઘોડા ઉપર પાછળ કોઈને બેસાડીને લઈ જાય, એવું મેં જાણ્યું નથી; પોતાના સેવકોને તો બીજા ઘોડા ઉપર પાછળ આવવા કહેવું જોઈએ.’
“માલિક, એ બધી હજામ-ફજામની પંચાત તમે મૂકોને! પહેલાં તમે રાજા થઈ જાઓ અને મને ઉમરાવ બનાવી દો, એટલે બસ!”
ડૉન કિવકસોટને એ સામે કશું કહેવાનું ન હતું; અને કશું કહે તે પહેલાં તો તેમની નજરે એવું એક દૃશ્ય પડયું કે જે તેમની આ વિજ્યયાત્રામાં એક વિચિત્ર ભાગ ભજવનારું બનવાનું હતું.