________________
૬૪
ડૉન કિવકસોટ!
તેને પાણીનો કૂજો લાવી આપ્યો. સાન્કોએ એક ઘૂંટડો ભર્યો; પણ સાદુ પાણી જાણી તેનો પાછો કોગળો કરી નાખ્યો, અને ટટાર થવાય તે માટે કંઈક દારૂ જેવું જલદ પીણું પોતાને આપવા વિનંતી કરી. પેલીએ પોતાના ખીસાના પૈસાનો એક પ્યાલો વીશીમાંથી ભરી આણ્યો. તે પ્યાલો ગટગટાવી સાન્કો જલદીથી પોતાનું ગધેડું દૂર ઊભેલા માલિક તરફ દોડાવી ગયો. પણ ઉતાવળમાં તેનો ઝોયણો વીશીમાં પાછળ રહી ગયો. વીશીવાળાએ પોતાના હિસાબ પેટે તેને રાખી લીધો; તથા દરવાજો જલદી જલદી બંધ કરી દેવા વિચાર્યું. પણ સાન્કોને ઉછાળનારાઓને ડૉન કિવકસોટની તણખલા જેટલી પણ બીક ન હતી; એટલે તેઓએ દરવાજા બંધ કરવા ન દીધો. તેઓએ ઊલટા બહાર નીકળી, બંને જણનો ખૂબ હૂરિયો બોલાવ્યો. પણ નાઈટ લોકોથી સામાન્ય માણસો ઉપર હુમલો થઈ શકે નહિ, અને સાન્કો પોતે હવે જલદી જલદી દૂર ભાગવાના જ વિચારનો હતો, એટલે તેઓ બંને પાછું જોયા વિના આગળ જ ચાલતા થયા.
બે અદ્ભુત પરાક્રમા!
૧
ડૉન કિવકસોટે રસ્તે જતાં હવે સાન્કોને પોતાનો નિશ્ચિત અભિપ્રાય જણાવી દીધો કે, “ એ વીશી કોઈ માયાવી કિલ્લો જ હતો; અને તેમાંના સૌ મહામાયાવી દાનવો હતા. નહિ તો હું ગમે તેમ કરી ભીંત કૂદીને પણ અંદર આવી શકયો હોત; તથા તને બચાવી લઈ, અંદરથી પેલી રૂપસુંદરીનું હરણ કરી ચાલતો થયો હોત. પરંતુ તે ભીંત આગળ આવીને ઊભવા છતાં મારાથી કે રોઝિનૅન્ટીથી ઠેકીને અંદર અવાયું જ નહિ — એટલે મારી ખાતરી થઈ ગઈ છે કે, એ બધી પેલી રૂપસુંદરીનું હરણ કરી આવેલા દાનવોની માયાજાળ જ હતી.”
સાન્કોને પોતાના માલિકની આવી વાતો ઉપર હવે વિશ્વાસ બેસે તેમ રહ્યું નહોતું.