________________
ડૉન કિવકસોટ! વીશીમાં ઊતરેલા કે રહેતા વીસ વીસ જણા તેમના પ્રસ્થાનની આ બધી તૈયારીઓ નવાઈ પામી આસપાસ ખડા થઈ નિહાળવા લાગ્યા. વીશીવાળાની દીકરી પણ તેમાં હાજર હતી. ડૉન કિવકસોટ તેના સામું જોતા, ઊંડો નિસાસો નખાવા લાગ્યા, – પેલીનું કુમળું પ્રેમળ હૃદય પોતાની વિદાયથી કેવું દુ:ખી દુ:ખી થઈ જતું હશે, એ વિચારીને! | ડૉન કિવકસોટે હવે ઘોડા ઉપર બેસી વીશીવાળાને આ શબ્દોમાં સંબોધન કર્યું, “લૉર્ડ ગવર્નર, આપના કિલ્લામાં મારી જે પ્રેમભરી વીશીવાળાની દીકરી સામે જોઈને એક ઊંડો નિસાસો), મમતાભરી (બીજો નિસાસો) સારવાર થઈ છે, તે બદલ હું આપનો અત્યંત આભારી છું. આપને કોઈની તરફથી પણ કદી કોઈ પ્રકારનો ત્રાસ હોય તો જરૂર મને અબઘડી કહી દો; તો પૃથ્વીના તળ ઉપરથી – ગમે ત્યાંથી – તેને શોધી કાઢી, હું તેની ઉપર વેર લઈશ. કારણ કે, હું જે નાઈટપણાની દીક્ષા લઈને નીકળ્યો છું, તેમાં દુષ્ટોને સજા કરવાનું જેમ મારે માથે છે, તેમ મિત્રોને મદદ કરવાનું પણ છે.”
વીશીવાળાએ કહ્યું, “મને કોઈ અન્યાય કરી જાય, તો તેનો બદલો. લેવાની મારા પોતામાં જ પૂરતી તાકાત છે; એટલે તમે તો બંને જણ મારી વીશીમાં જે ખાધું પીધું, તથા તમારા ઘોડા ગધેડાએ જે ખાધું પીધું તેનો હિસાબ કરીને પૈસા ચૂકવતા જાઓ, એટલે બસ.”
“હું!” ડૉન કિવકસોટ ત્રાડી ઊઠયા; “શું આ એક વીશી જ માત્ર છે? મેં તો આને એક મોટો ઉમરાવનો કે સૂબેદારનો દરબાર-ગઢ જાણી તેમાં આશરો લીધો હતો. લુચ્છ વીશીઓમાં ઊતરવા બદલ, તેના માલિકોને કંઈ પૈસા ચૂકવવા પડતા હોય, એવો અમારો નાઈટ-લોકોનો સંપ્રદાય નથી કે શિરસ્તો નથી. નાઈટો તો જનકલ્યાણ માટે જ રાત-દિવસ પ્રયત્નશીલ રહેતા હોય છે, એટલે તેમને ખાન-પાન-આરામ આપવાં, એ તો તમારા જેવા સામાન્ય લોકોનું કર્તવ્ય છે!”
આટલું કહી, તેમણે તો આ તુચ્છ વીશી આગળ વધુ ઊભા રહેવામાં પણ નામોશી માનીને રોઝિનેન્ટીને એડી મારી.