________________
વીશી કે કિલો? પરંતુ સાન્કોએ વિજ્યપ્રસ્થાન કરતા પહેલાં એ જાદુઈ ઔષધ પીવા માગ્યું, જેથી તે પણ મુસાફરી માટે “લાયક” થઈ જાય! ડૉન કિવસોટે તેને વાસણમાં વધેલી દવામાંથી થોડીક પી લેવાની ખુશીથી પરવાનગી આપી.
- સાન્કો તો ભારે શ્રદ્ધાપૂર્વક એ વાસણમાં વધેલી બધી દવા ગટગટાવી ગયો. પરંતુ તેનું પેટ તેના માલિક જેવું તાકાતવાળું ન હોવાથી કે કોણ જાણે શાથી, તેને ઊલટી થવાને બદલે પેટમાં ને પેટમાં એવી સખત ચૂંક ઊપડી કે, તેને એમ જ લાગ્યું કે તેનો આખરકાળ આવી લાગ્યો છે. આખા ઓરડામાં બરાડતો, કરાંજતો અને શાપ દેતો તે પેટ દબાવીને આળોટવા માંડયો– ગબડવા લાગ્યો.
સાન્કોને આમ થવાનું ‘કારણ’ ડૉન કિવકસોટને તરત સમજાઈ ગયું. તેમણે કહ્યું, “તને ભાઈ હજુ નાઈટની દીક્ષા ન મળી હોવાથી, નાઈટો માટેની આ જાદુઈ દવા સદી નહિ.”
સાન્કોએ તરત બૂમ પાડીને કહ્યું, “તો પછી શા માટે તમે મને એ દવા પીવા દીધી?” પણ આટલું બોલતાં બોલતાંમાં તો તેને મોંએથી અને પૂંછડેથી એવાં સખત ઝાડા-ઊલટી એકી સાથે શરૂ થયાં, કે તેનાં કપડાં અને તેનો બિસ્તર બધું ખરડાઈ ગયું અને પાસે ઊભેલાં સૌને લાગ્યું કે, આ માણસ ભાગ્યે જીવે.”
બે કલાક આ રમખાણ ચાલ્યું. તેને અંતે પણ સાન્કો કંઈક સ્વસ્થ થવાને બદલે એવો નંખાઈ ગયો કે, ન પૂછો વાત.
પણ ડૉન ક્વિકસોટને હવે ઉતાવળ આવી ગઈ હતી; લોકોનાં દુ:ખનો ઉદ્ધાર કરવામાંથી અને પરાક્રમો કરવામાંથી આરામનો જેટલો સમય બાકાત થાય, તે તેમને મન વ્યર્થ ગયેલો જ લાગતો. ઉપરાંત, પોતાની જાદુઈ દવાનો હવે એમને એવો ભારે સહારો લાગ્યો હતો કે, તે તરત ગમે તેવાં સાહસો કરવા માટે ધસી જવા તૈયાર થઈ ગયા. તેમણે જાતે રોઝિનૅન્ટીને તૈયાર કર્યો તથા સાન્કોના ગધેડા ઉપર પણ ખોગીર નાખી આપ્યું. તેમણે પોતાના સૂવાના કમરાના ખૂણામાં એક જ ભાલોડ પડી રહેલું જોયું હતું તે તેમણે જતી વખતે સાથે લઈ લીધું; કારણ કે તેમની પાસે તેમનો પોતાનો જંગી ભાલો રહ્યો ન હતો.