________________
૭૩
પિતાનું ઋણ મમતાનો વિચાર. તેણે હવે માઈકલના બાપ પ્રત્યેની પોતાની ફરજનો વિચાર કરીને, માઇકેલને સંબોધીને તેના બાપે નાનપણમાં તેને માટે શું શું કર્યું હતું તેની વાત કહી સંભળાવી : સ્ટિફન જાતે કર્કશ સ્વભાવનો જડસુ માણસ હોવા છતાં, પોતાના પુત્રને દુરાચારી માતાની બેકાળજીમાંથી બચાવી લેવા કેવી રીતે તેણે જાતે એને ઉછેર્યો હતો; માની પેઠે એની માવજત કરી હતી; છેવટે પેલીની ભૂંડી અસરમાંથી એને બચાવી લેવા એને લઈ પરદેશ ચાલ્યા જવાનો તેણે કેવો પ્રયત્ન કર્યો હતો, પણ પરવાનો ન મળતાં તેને એ ઈચ્છા તજી દેવી પડી હતી; છેવટે, બીજો કશો ચારો ન રહેતાં, છોકરો બગડી જાય તે પહેલાં એને ડુબાડી દેવાનો વિચાર કરી, તે એને હોડીમાં બેસાડી સમુદ્રમાં દૂર કેવી રીતે લઈ ગયો હતો, પણ છેવટની ઘડીએ અંતરાત્માના અવાજથી ડરીને અને છોકરાની કાલી બેલીથી એના ઉપર દયા લાવીને, એને કેવી રીતે પાછો લઈ આવ્યો હતો, અને અંતે પોતાની સાથે રાખી રડાવ્યા કરતાં, એના હિતનો વિચાર કરી, હૈયું કબૂલ કરતું ન હોવા છતાં અહીં (આદમને) સે પી ગયો હતો, – એ બધું જ.
અલબત્ત, સ્ટિફન ઓરી પ્રત્યે માઇકેલનું મન આકર્ષાય એ માટે આ બધું કહેતી વેળા ભલા આદમનું પોતાનું અંતર એનાથી છૂટા પડવાના વિચારમાત્રાથી ચિરાઈ જતું હતું, છતાં તેણે એક સજજન તરીકે પોતાનું કર્તવ્ય બજાવવાની ભાવનાથી બધી વાત ખુલ્લંખુલ્લા માઇકેલને કહી સંભળાવી. જોકે, તેના મનમાં ઊંડી ઊંડી આશા હતી કે, માઇકેલ તેમ છતાં જવાની ના જ પાડશે; પરંતુ માઇકેલ તો આ બધી વાત સાંભળતાં સાંભળતાં પોતાના બાપુની પોતા પ્રત્યેની મમતાની વાત જાણી રડવા જ લાગ્યો હતો; અને આદમે વાત પૂરી કરતાં તરત જ બોલી ઊઠયો, “હું જરૂર જઈશ; એવા બાપ માટે તો આખી દુનિયા વીંધીને જવું પડે તોય જવું જોઈએ !”