________________
- આત્મબલિદાન હતો કે, જોઈ રહેવાનું જ મન થાય. પણ લિઝાને એ બાળક પોતાના સ્વાતંત્ર્ય ઉપર અને શકિત ઉપર તરાપ મારનારો જ લાગ્યો, એટલે તેણે તેના પ્રત્યે કેવળ દુર્લક્ષ્ય જ દાખવ્યું. સ્ટિફનને પણ એ છોકરાને જોઈ જોઈ યાદ આવતું કે, પોતે નાસી આવ્યો તે વખતે રાશેલને પણ બાળક જન્મવાની તૈયારી જ હતી – પોતાની રાશેલને – જેને તેણે દૂભવ્યા જ કરી હતી અને દુ:ખ જ દીધું હતું. એટલે તેણેય લિઝાના બાળક પ્રત્યેથી મોં ફેરવી લીધું.
આમ ત્રણ વરસ વીતી ગયાં, અને સ્ટિફન ઓરીમાંથી માણસાઈનો રહ્યો સહ્યો અંશ પણ લુપ્ત થઈ ગયો. પહેલાં તે પ્રમાદી અને સુસ્ત તો હતો જ, પણ કદી હલકટતા નહોતો દાખવતો. તે સ્વભાવે સાચાબોલો હતો; પરંતુ અધમ પ્રકૃતિની લિઝા તેને જઠો જ માન્યા કરતી, એટલે છેવટે તે ખરેખર જૂઠો જ બની રહ્યો. તેને આ તરફની ભાષા આવડતી ન હોવાથી તે લિઝા સિવાય બીજા કોઈની સાથે વાતચીત કરીને પણ મન હલકું કરી શકતો ન હતો. રોજના ખાવાપીવાની પ્રવૃત્તિ સિવાય તેનામાં બીજું કશું જીવન બાકી રહ્યું ન હતું. બદચલન લિઝાનું રાતના વખતનું ગુપ્ત ભટકેલપણું વિફળ બનાવ્યા કરવામાં તે અલબત્ત પૂરી સાવચેતી દાખવતો.
એક વખત આખો દિવસ માછલાં પકડવાનું કામ કર્યા બાદ રાત પડ્યો ભૂખ્યો થઈને તે ઘેર આવ્યો, ત્યારે તેણે જોયું કે, લિઝા પથારીમાં દારૂ પીને ટૅ થઈને ચત્તાપાટ પડી હતી - ઘરમાં ચૂલો જ સળગેલો નહિ. બાળક બિચારું રડતું રડતું તેના માથાની પાસે અટવાયા કરતું હતું.
પહેલાં તો સ્ટિફને પોતાના કમરપટ્ટાની છરી ઉપર હાથ નાખ્યો; પણ એટલામાં પેલા બાળકના કરુણ ચહેરા ઉપર નજર પડતાં સ્ટિફને તેને જ પ્રથમ ઉપાડી લીધું. તેણે ઝટપટ ચૂલો સળગાવ્યો અને રાંધીને તેણે બાળકને ખવરાવ્યું અને પોતે પણ ખાધું.