________________
ગધકની ખાણે
૨૮૫ કેદીઓ સાંજે આઠ વાગ્યે બરાકોમાં દાખલ થતા અને સવારના પાંચ વાગ્યે તેમાંથી નીકળી જતા. દરેક બરાકમાં ૨૫ માણસો ગોંધવામાં આવતાં.
પહેલેથી એવો ધારો પડી ગયેલો હતો કે, જે નવો કેદી આવે, તે આ દરેક બરાકમાં ત્રણ મહિના ભંગીનું કામ કરે. તે દરમ્યાન તેને ગળામાં કડું પહેરાવવામાં આવતું, જેના ઉપરથી કપાળ ઉપર વળતા વાંકિયાને છેડે એક દાંટડી લટકાવવામાં આવતી. આમ જૈસન દરિયા-કિનારાવાળી બરાકનો ભંગી બન્યો હતો, અને માઇકેલ સનલોકસ સરોવર-કિનારાવાળી બરાકનો. જેસન તો પોતાનું કામ જડની પેઠે કરી લેતો, પણ માઇકલ સન-લોકસનાં આંતરડાં તો એ બધું સાફ કરતાં જાણે ઊછળીને મોઢામાં આવી જતાં.
આમ બે મહિના વીતી ગયા.
ગરમ પાણીના ઝરાઓને કાંઠેથી ખેલો ગંધક, કોથળાઓમાં ભરી, ટટવાં ઉપર બે પડખે ગૂણે રહે તે રીતે લાદી, નજીકના બંદર હાફને ફૉર્ડ પહોંચાડી, ત્યાંથી ડેન્માર્ક ચડાવી દેવામાં આવતા. સ્વાભાવિક રીતે જ કોથળા મોટા હતા, ટટવાં નાનાં હોતાં, અને ખીણનો રસ્તો નરમ માટી તથા મોટાં લાવાનાં ગચિયાંને કારણે દુર્ગમ જેવો જ હતો.
એક દિવસ એ ટટવાની લંગાર પર્વતના ઢાળ ઉપરથી નીચે ઊતરતી હતી. હાંકનારો દરેક પગલે તેમને નાહક લાંબા ચાબખાથી ટકાર્યા કરતો હતો. એવામાં ગધેડા જેટલા કદનું એક નાનું ટટવું તેનો પગ એક ચીલા જેવા ખાડામાં પડતાં ગબડી પડયું. પેલો હાંકનારો એને ઊભું કરવા, ગાળો ભાંડતો એના ઉપર ચાબખા સાથે તૂટી પડ્યો.
હરામજાદા, ઊભું થા, નહિ તો તારી ચામડી જતાં જ ઊતરડી લઈશ !”