________________
બુદ્દા આદમ ફેંરધરની દાસ્તાં
૨૭૯ આદમે તેણે બતાવેલી દિશામાં નજર કરીએ તો બે ડેનિશ ગાર્ડસંરક્ષકની વચ્ચે માઇકેલ સન-લૉકસ હાથપગે બાંધેલી સ્થિતિમાં કેદી તરીકે ચાલ્યો આવતો હતો.
આદમ જાણે અચાનક ઊંઘમાં પડી જાગી ઊઠતાં બધું બદલાઈ ગયેલું – અવનવું જોતો હોય તેમ બાઘો બની ગયો. તેણે થોડી વારે પૂરા ભાનમાં આવી બૂમ પાડી, “બેટા! મારા દીકરા!”
બાપુ! બાપુ !” માઇકેલ સન-લોકસે પણ આદમને જોઈને અને ઓળખીને બૂમ પાડી.
તરત જ પેલા ગાર્ડ-સંરક્ષકો તેને ઘેરી વળ્યા અને તેને આગળ ધકેલી ચાલ્યા. તેમની બૂમાબૂમમાં કઈ કોઈનો અવાજ સાંભળે તેમ ન રહ્યું.
આદમ થોડી વાર શૂનમૂન થઈને ઊભો રહ્યો, પણ પછી માઈકેલ સન-લૉકસ દૂર ચાલ્યો જતાં, પિતાની મંડળીનાં માણસોને સંબોધીને બેલ્યો, “મિત્રો અને સાથીઓ, હવે હું તમારાથી છૂટો પડીશ. હું આ દેશમાં મારા પુત્રને મળવા અને શોધવા જ આવ્યો હતો. તે મારો સગે પુત્ર નથી, પણ એ મારી વૃદ્ધાવસ્થામાં મારો ટેકો બનશે, એવી મને આશા હતી. પણ અત્યારે જે જોયું તે ઉપરથી મને લાગે છે કે, તે કાંઈ આફતમાં આવી પડયો છે, અને હું તેને આમ છોડીને તમારી સાથે આવી શકીશ નહિ. ભગવાન તમને સૌને સહીસલામત તમારે ઘેર પહોંચાડે.”
પણ એ બધા દિલેર દિલના ખલાસીઓ એને પાછળ એકલો છોડી આગળ જવા તૈયાર ન થયા, અને જેકે તો એક બાજુએ તંબૂ જ ઠોકવા માંડ્યો.
તે રાતે આદમ એ ખીણ તરફ આંટાફેરા મારીને આ બધું શું થયું છે તેની માહિતી મેળવવા પ્રયત્ન કરતો હતો, તેવામાં અણધારી રીતે જ તેને બધી માહિતી મળી ગઈ.