________________
૨૭૬
આત્મબલિદાન આમ આ પ્રસંગ સૌના હાસ્ય-વિનોદમાં પૂરો તો થયો, પણ એનાં બે માઠાં પરિણામ આવ્યાં જ : એક તો આ જેલખાના સુધી આવવા માટે તેમને રાજધાની તરફના રસ્તામાંથી ત્રણ ડેનિશ માઈલ જેટલા આડા ફંટાવાનું થતાં માઈકેલ સન-લોકસે તેમને તેડવા માટે સામા મોકલેલા ઓસ્કર વગેરેનો તેમને ભેટ ન થયો; અને બીજું, તેમનો ભોમિયો આદમને શેરીફ પાસે ધરપકડ માટે પહોંચાડીને તરત પલાયન થઈ ગયો. કારણકે તેને તેનો રોજનો પગાર રોજ આપવાની શરત હતી, પરંતુ મંડળીના આગેવાન આદમને જેલ જતો જોઈ, તેણે એમ માની લીધું કે મંડળીના પૈસા પણ તેની પાસે જ રહેવાના, એટલે બાકીના લોકો તેને રોજનો પગાર આપી શકશે નહિ.
પણ બીજે દિવસે ઈશ્વરકૃપાએ તેમને ભોમિયા તરીકે એ તરફનો એક પાદરી મળી ગયો. તે ભણેલોગણેલો પંડિત હતો પણ એ તરફના લોકો જેવો જ કંગાળ – ગરીબ હતો. તે લૅટિનમાં જ બોલતો અને આદમ પોતાની અધૂરી-પધૂરી લૅટિનમાં તેને જવાબ વાળનો.
એના માર્ગદર્શન નીચે તેઓએ બે દિવસ મુસાફરી કરી ત્યારે તેઓ એક એવા ગામ પાસે આવી પહોંચ્યા, જ્યાંથી તેઓએ કિનારો છોડી થિંગ્વલિરને રસ્તે રેકજાવિક સીધા પહોંચી જવાનું હતું. પણ અચાનક બરફનું તોફાન ચડી આવવાને કારણે તેઓને એક ફાર્મમાં રોકાઈ જવું પડયું; કારણકે, ત્યાંથી આગળ પૂર્વ તથા પશ્ચિમમાં પચાસ-પચાસ માઈલ સુધી બીજો કોઇ ફાર્મ ન હતો. એ જ બરફના તોફાનને કારણે જેસનને રેશ્નાવિકની જેલમાંથી ગંધકની ખાણો તરફ લઈ જવાનું મુલતવી રાખવામાં આવ્યું હતું, અને તે દરમ્યાન જ માઇકેલ સન-લૉકસ દરિયામાર્ગે તેમની તપાસમાં નીકળ્યો હતો.
પણ તેમનો પાદરી-ભોમિયો આ દરમ્યાન પિતાને મળેલા ક્રાઉન ખરચી એટલો બધો દારૂ પીને ટૅ થઈ ગયો હતો કે એક અઠવાડિયા સુધી તે પૂરો સ્વસ્થ થઈ શકે તેમ ન હતું. એટલે બરફનું તોફાન શાંત પડતાં આદમની મંડળીને એના વિના જ આગળ વધવું પડ્યું.