________________
૧૭૨
આત્મ-બલિદાન મારો પત્ર લખાઈ ગયા પછી પણ દરિયાઈ તોફાનને લીધે સાત દિવસ સુધી વહાણ ઊપડી ન શકવાને કારણે અહીં જ રોકાઈ રહ્યો. એ દરમ્યાન મેં મેલેલી હોડી પછી આવી ગઈ છે – તેને તારા બાપુની કશી ભાળ ન મળી. વહેલના શિકારે ગયેલા એક આઇરિશ જહાજ મારફતે માત્ર એટલા સમાચાર મળ્યા કે એક જગાએ ખડકાળ કિનારા આગળ એક જહાજ અથડાઈને ભૂકા થઈ ગયું છે – પણ તેના બધા ખલાસીઓ અને મુસાફરો સહીસલામત જમીન ઉપર ઊતર્યા છે, અને જમીનમાર્ગે રાજધાની તરફ આવવા નીકળ્યા છે. કદાચ તારા બાપુ એ લોકોની મંડળીમાં જ હોય ! પણ રસ્તાના અજાણ્યા એ લોકો આ ખડકાળ વિષમ ભૂમિ ઉપર પગપાળા સહીસલામત આવી શકે એવો સંભવ ઓછો હોવાથી, હું તેમને અહીં લઈ આવવા એક ટુકડી સામે મોકલવાની ઉતાવળે જોગવાઈ કરું છું. પણ હવે તો તારે અહીં તારા બાપુની શોધમાં મદદ કરવા આવી પગવું જોઈએ. પણ તને અહીં બોલાવું છું તેની પાછળનો મારા અંતરનો ગૂઢ આશય તને સ્પષ્ટ કહી બતાવું – તને હું મારી પત્ની બનવા અહીં બોલાવું છું. જો તું આવીશ તે દરમ્યાન તારા બાપુ સુખરૂપ આવી ગયા હશે, તો તેમને તું મળવા પામીશ; અને નહીં મળ્યા હોય, તો તેમની લાંબી શોધમાં મારી ભાગીદાર બનીશ. – તો વહાલી ઝીબા, આવી પહોંચ – આવી પહોંચ – આવી પહોંચ – જલદી આવી પહોંચ.”