________________
૧૧૮
આત્મ-બલિદાન શોધ ચલાવવા માંડી, જેથી પોતાની પાછલી જિંદગી કંઈક હળવી થાય. તે શોધ દરમ્યાન જ અચાનક અમે બંને ભેગા થઈ ગયા. પણ તે જ વખતે પેલા જુવાનનું મડદું તણાઈ આવવાની વાત મળતાં, ગવર્નર-જનરલે પોતે જ પહેલપ્રથમ એ પોતાની પુત્રીના સંતાનનું જ મડદું છે એમ સ્વીકારી લીધું. પણ દરમ્યાન ગવર્નર-જનરલને મારામાં કોઈ વિચિત્ર રસ ઊભો થવા લાગ્યો હતો. તેણે મને પૂછ્યું કે હું કોણ છે? એટલે મેં સાચી હકીકત તેને કહી દીધી. જ્યારે તેણે જાણ્યું કે હું સ્ટિફન ઓરીનો જ પુત્ર છું, ત્યારે સ્ટિફન ઓરીએ તેના પિતાના જીવનમાં તથા તેની પુત્રીના જીવનમાં મચાવેલા ઉત્પાતન વાત ભૂલી, તે મને તેની પુત્રીના પુત્રને સ્થાને સ્વીકારવા તૈયાર થઈ ગયો.
મને એ માણસની નિયત ઉપર ભરોસો પડતો ન હતો, છતાં પરદેશમાં અજાણ્યા સ્થળે કાંઈ કામકાજ બાકી ન રહ્યું હતું તે વખતે તેના આ આમંત્રણનો હું અસ્વીકાર કરી ન શકયો. જોર્ગન જૉર્ગન્સન, અલબત્ત, બહુ વિચિત્ર પ્રકૃતિનો માણસ હતો – કદીક રાજી રાજીનો રેડ થઈ જાય, તો કદીક છેક જ ખફા! છતાં હું તો તેના એક વફાદાર સેવક તરીકે તેની નોકરી બજાવતો તેને ઘેર રહેવા લાગ્યો.
તે નર્યો સ્વાર્થી માણસ હતો, પણ તેના સ્વાર્થનાં કેટલાંક પાસાં મારો વિકાસ સધાય એ માર્ગે જ ઢળતાં હતાં; – તેણે મને તેની પાછળ ગવર્નર-જનરલ બનાવવા ધાર્યું હતું. અથવા કંઈ નહિ તો હું સ્પીકર – અધ્યક્ષ બને એવી તેની ઇચ્છા હતી જ. એટલે તેણે આ ટાપુની આથિગ – અર્થાત્ ધારાસભામાં મને ચૂંટાવરાવ્યો. મારી ઉંમર, મારી રાષ્ટ્રીયતા, તેમજ આઇસલૅન્ડમાં મારા વસવાટનો સમય – એ બધું ધારાસભાના સભ્ય તરીકેની મારી ચૂંટણીની વિરુદ્ધ હતું, છતાં તેણે ખટપટ કરીને મને ચૂંટાવરાવ્યા તો ખરા જ.
પણ એ ચૂંટણીને કારણે અમારા સંબંધોમાં નહિ ધારેલો તફાવત પડી ગયો : અત્યાર સુધી હું તેના ઘરમાં નોકર હતો, એટલે