________________
માઈકેલ સન-હૉસને ઉદય માછીમારોમાંના ઘણાએ એ શબનું કદ અને કપડાં જોઈને કહ્યું કે, હું જેને શોધતો હતો તે છોકરાનું જ એ શબ હતું. અને આમ મારી શોધખોળનું બીજું પ્રકરણ પણ કબર આગળ જ પૂરું થયું.
જોકે, મને મનમાં અંદેશો તો રહી જ ગયો કે, એ મડદું ખરેખર હું જેને શોધતો હતો તેનું ન પણ હોય : કારણકે, મને જે વર્ણન સાંભળવા મળ્યું હતું તે ઉપરથી પેલો જુવાન આત્મહત્યા કરે એવી પ્રકૃતિનો હરગિજ લાગતો ન હતો. અને જે લ્યુથરન પાદરી તે છોકરાની માની મરણપથારીએ હાજર હતો, તેણે પણ એમ જ કહ્યું. પરંતુ મારો ઉત્સાહ હવે ઓસરવા લાગ્યો હતો અને તેથી મેં સામાન્ય લોક-અભિપ્રાયને સ્વીકારી લીધો અને પેલા જુવાનની વધુ શોધ કરવાનું માંડી વાળ્યું.
“વહાલી ઝીબા, હું કોઈક દિવસ તને કહીશ કે, એ બે જણની શોધ કરવા અને કોણે મોકલ્યો હતો; કદાચ તેં કંઈક કંઈક તો કલ્પી પણ લીધું હશે. પરંતુ ત્યાર પછી એક એવો બનાવ બન્યો, જેને કારણે આ ટાપુમાં મારા નિવાસનો હેતુ છેક જ પલટાઈ ગયો.
મેં ઉપર જણાવ્યું જ છે કે, જે ભલી બાઈને હું શોધવા આવ્યો હતો, તે ભલી બાઈ આ ટાપુના ગવર્નર-જનરલની પુત્રી હતી. તે ગવર્નર-જનરલનું નામ જોંગન જોન્સન હતું. તેણે એકની એક પુત્રીનો ત્યાગ એટલા માટે કર્યો હતો કે તે પુત્રીએ બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરવાની હિંમત બતાવી હતી. લગ્ન પછીનાં બધાં વર્ષો દરમ્યાન કાં તો બાપે તેની ગરીબાઈની પરવા કરી ન હતી, અથવા તો પુત્રીના સ્વાભિમાને તેની કંગાલિયતની વાત બાપ સુધી પહોંચવા દીધી ન હતી. પણ પછી જ્યારે બાપને પુત્રીના મૃત્યુની ખબર પડી, ત્યારે દરમ્યાનમાં બાપનું ઘમંડ પોતાના એકમાત્ર સંતાનના વિજોગમાં ઓસરવા લાગ્યું હતું, અને તેને પોતાની પાછલી ઉંમરમાં પોતાની એકલતા સાલવા લાગી હતી. એટલે તેણે હવે પોતાની પુત્રીના સંતાનની