________________
જૈસનનું આગમન અને દરેક મેજે તેને હથોડાની પેઠે ખડકના ધારદાર દાંતાઓમાં ઠોકી ઠોકીને ઘુસાડવા લાગ્યું.
સુકાનીએ બે દીવા જોયા હતા તેમાંનો એક તો પૉર્ટી-વૂલીમાં આવેલા સ્ટિફન ઓરીના ઘોલકાનો હતો. માઈકેલ સન-લૉકસને વળાવવા ગયો ત્યારે સ્ટિફન એ દીવો સળગતો મૂકીને જ ગયો હતો – રાતે પાછા ફરતાં નિશાન રહે તે માટે અને બીજો દીવો ત્રણ વણકરોના ઝૂંપડાનો હતો. તેઓ ત્યાં ચાલીસ ચાલીસ વર્ષથી રહેતા હતા – સ્ત્રી, છોકરાં કે બાળક વગર. તેમાંના બે ભાઈઓ હતા, જેઓ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના હતા; અને તેમનું ઘરકામ કરનારા સાથી જુઆન નેવું વર્ષનો હતો. તે પેલા બે ભાઈઓના બાપનો સાથી હતો. ડેમી અને જેની બંને ભાઈઓ જેમ જેમ ઘરડા થતા ચાલ્યા, તેમ તેમ તેમને સાળ ઉપર કામ કરવા માટે છેલ્લાં પાંચ વર્ષથી દરેક વર્ષે એક એક મીણબત્તી વધારવી પડતી હતી. એટલે છાપરા ઉપરથી લટકાવેલી દીપદાનીઓમાં અત્યારે આઠ મીણબત્તીઓ સળગતી હતી.
જુઆન કંઈ કામ માટે ઝુંપડી બહાર જઈને પાછો આવ્યો ત્યારે બોલ્યો, “પૉઇન્ટ ઑફ આયર ઉપરનો દીવો આજે પણ એલવાઈ ગયો છે. એક મહિનામાં આ ત્રીજી વાર બન્યું છે. હું હોડ બકવા તૈયાર છું કે આજ રાતે જરૂર કોઈ ને કોઈ જહાજ ડૂબવાનું.”
થોડી વાર પછી તે ફરીથી બહાર ગયો, ત્યારે કિનારા તરફથી આવતી બૂમ જેવું સંભળાતાં તે અંદર આવીને કહેવા લાગ્યો, “આ બધા ચોકિયાતો ને અમલદારો ફેગટનો પગાર ખાય છે. હું હોડ બકીને કહું છું કે, અત્યારે કિનારા ઉપર દાણચોરી ચાલી રહી છે.”
પેલા બે ભાઈઓ જુઆનનો બડબડિયો સ્વભાવ જાણતા હતા એટલે તેઓ કશું બોલ્યા નહિ.
પણ ત્રીજી વાર જુઆન બહાર ગયો ત્યારે તેને ચોખું સંભળાયું કે, ઘણા લોકો આફતમાં સપડાયા હોય અને મદદ માટે બૂમ પાડતા હોય એવો અવાજ કિનારા તરફથી આવતો હતો.