________________
૧૮૭
સદ્ગુરુ (ચાલુ) કર્યાવરણની વૃદ્ધિ કરનાર છે. આપણે બધા ઉત્તમ વસ્તુને ચાહીએ છીએ; અને ઉત્તમથી ઉત્તમ મળી શકે છે. ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઇ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં.
એવા ગુરુનાં લક્ષણ કયાં કયાં ? તે કહું છું. જિનેશ્વર ભગવાનની ભાખેલી આજ્ઞા જાણે, તેને યથાતથ્ય પાળે, અને બીજાને બોધે, કંચનકામિનીથી સર્વભાવથી ત્યાગી હોય, વિશુદ્ધ આહારજળ લેતા હોય, બાવીશ પ્રકારના પરિષહ સહન કરતા હોય, ક્ષાંત, દાંત, નિરારંભી અને જિતેન્દ્રિય હોય, સિદ્ધાંતિક જ્ઞાનમાં નિમગ્ન હોય, ધર્મ માટે થઇને માત્ર શરીરનો નિર્વાહ કરતા હોય, નિગ્રંથ પંથ પાળતાં કાયર ન હોય, સળીમાત્ર પણ અદત્ત લેતા ન હોય, સર્વ પ્રકારના આહાર રાત્રિએ ત્યાગ્યા હોય, સમભાવી હોય, અને નિરાગતાથી સત્યોપદેશક હોય.
ટૂંકામાં તેઓને કાષ્ઠસ્વરૂપ સદ્ગુરુ જાણવા. ગુરુના આચાર, જ્ઞાન એ સંબંધી આગમમાં બહુ વિવેકપૂર્વક વર્ણન કર્યું છે. (પૃ. ૬૫)
શ્રીમાન પુરુષોત્તમ, શ્રી સદ્ગુરુ અને સંત એ વિષે અમને ભેદબુદ્ધિ છે જ નહીં. ત્રણે એકરૂપ જ છે. (પૃ. ૨૩૭)
તરવાના કામી હોય, અને સદ્ગુરુ મળે, તો કર્મ ટળે. સદ્ગુરુ કર્મ ટાળવાનું કારણ છે. કર્મો બાંધવાનાં કારણો મળે તો કર્મ બંધાય, અને કર્મ ટાળવાનાં કારણો મળે તો કર્મ ટળે. (પૃ. ૭૧૯-૨૦)
D કોઇ પણ પ્રકારે સદ્ગુરુનો શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું. (પૃ. ૨૪૬)
D પોતાની મેળે અનાદિથી ભ્રાંત એવા જીવને સદ્ગુરુના યોગ વિના નિજસ્વરૂપનું ભાન થવું અશક્ય છે, એમાં સંશય કેમ હોય ? નિજસ્વરૂપનો દૃઢ નિશ્ચય વર્તે છે તેવા પુરુષને પ્રત્યક્ષ જગવ્યવહાર વારંવાર ચૂકવી દે એવા પ્રસંગ પ્રાપ્ત કરાવે છે, તો પછી તેથી ન્યૂનદશામાં ચૂકી જવાય એમાં આશ્ચર્ય શું છે ? પોતાના વિચારના બળે કરી, સત્સંગ-સશાસ્ત્રનો આધાર ન હોય તેવા પ્રસંગમાં આ જગવ્યવહાર વિશેષ બળ કરે છે, અને ત્યારે વારંવાર શ્રી સદ્ગુરુનું માહાત્મ્ય અને આશ્રયનું સ્વરૂપ તથા સાર્થકપણું અત્યંત અપરોક્ષ સત્ય દેખાય છે. (પૃ. ૪૫૫)
D જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઇ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મસ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોનાં વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન ન થાય. (પૃ. ૫૩૩)
જે જિનાગમાદિ આત્માના હોવાપણાનો તથા પરલોકાદિના હોવાપણાનો ઉપદેશ કરવાવાળાં શાસ્ત્રો છે તે પણ જ્યાં પ્રત્યક્ષ સદ્ગુરુનો જોગ ન હોય ત્યાં સુપાત્ર જીવને આધારરૂપ છે; પણ સદ્ગુરુ સમાન તે ભ્રાંતિના છેદક કહી ન શકાય. અથવા જો સદ્ગુરુએ તે શાસ્ત્રો વિચારવાની આજ્ઞા દીધી હોય, તો તે શાસ્ત્રો મતાંતર એટલે કુળધર્મને સાર્થક કરવાનો હેતુ આદિ ભ્રાંતિ છોડીને માત્ર આત્માર્થે નિત્ય વિચારવાં. (પૃ. ૫૩૪)