________________
૫૦૭
વિચારવાન
અમર છું, દેહપ્રેમ રાખવા યોગ્ય નથી; માટે હે જીવ ! અહીં જ ઊભો રહે. સિંહનો ભય છે તે જ અજ્ઞાન છે. દેહમાં મૂર્છાને લઇને ભય છે.’ આવી ભાવના ભાવતાં બે ઘડી સુધી ઊભા રહ્યા તો કેવળજ્ઞાન પ્રગટ થયું. માટે વિચારદશા, વિચારદશા વચ્ચે ઘણો જ ફેર છે. (પૃ. ૭૦૫)
વિચારવાન|
જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહીએ. (પૃ. ૭૧૩)
તે (મૃત્યુ) પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું અને અસારપણું વિશેષ દૃઢ થાય છે.
વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂર્છાભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે.
મૂર્છાભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂર્છા થાય છે તે પણ અવિચા૨દશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂર્છાભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી. કોઇ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેવે અવસરે વિચા૨વાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે.
સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું, અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઇ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂર્છા વર્તતી કે હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂર્છાનું કંઇ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારીપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઇ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઇ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે. (પૃ.
૫૦૧-૨)
દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઇ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે. (પૃ. ૫૬૨)
... વિચારવાન પુરુષો તો કૈવલ્યદશા થતાં સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. ઘણું કરીને ઉત્પન્ન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઇ શકે.
સદ્વિચારે યથાર્થ આત્મદૃષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતાં કોઇક વિરલ જીવને ક્વચિત્ ક્વચિત્ હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાયે સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યે તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી દઇ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે. (પૃ. ૫૧૦-૧)