________________
નવકારમંત્ર (ચાલુ)
૩૧૮
આંગળીઓનાં બાર ટેરવાં થાય છે; અને એથી એ ગુણોનું ચિંતવન કરવાની યોજના હોવાથી બારને નવે ગુણતાં ૧૦૮ થાય છે. એટલે નવકાર એમ કહેવામાં સાથે એવું સૂચવન રહ્યું જણાય છે કે, હે ભવ્ય ! તારાં એ આંગળીનાં ટેરવાથી નવકારમંત્ર નવ વાર ગણ. – ‘કાર’ એટલે ‘કરનાર’ એમ પણ થાય છે. બારને નવે ગુણતાં જેટલા થાય એટલા ગુણનો ભરેલો મંત્ર એમ નવકારમંત્ર તરીકે એનો અર્થ થઇ શકે છે; અને પંચપરમેષ્ઠી એટલે આ સકળ જગતમાં પાંચ વસ્તુઓ પરમોત્કૃષ્ટ છે તે કઇ કઇ ? તો કહી બતાવી કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને નમસ્કાર કરવાનો જે મંત્ર તે પરમેષ્ઠીમંત્ર; અને પાંચ પરમેષ્ઠીને સાથે નમસ્કાર હોવાથી પંચપરમેષ્ઠીમંત્ર એવો શબ્દ થયો.
આ મંત્ર અનાદિ સિદ્ધ મનાય છે, કારણ પંચ પરમેષ્ઠી અનાદિ સિદ્ધ છે. એટલે એ પાંચ પાત્રો આદ્યરૂપ નથી, પ્રવાહથી અનાદિ છે, અને તેના જપનાર પણ અનાદિ સિદ્ધ છે, એથી એ જાપ પણ અનાદિ સિદ્ધ ઠરે છે.
પ્ર0 એ પંચપરમેષ્ઠીમંત્ર પરિપૂર્ણ જાણવાથી મનુષ્ય ઉત્તમ ગતિને પામે છે, એમ સત્પુરુષો કહે છે એ માટે તમારું શું મત છે?
ઉ૦ એ કહેવું ન્યાયપૂર્વક છે, એમ હું માનું છું.
પ્ર૦ એને ક્યા કારણથી ન્યાયપૂર્વક કહી શકાય?
ઉ હા, એ તમને હું સમજાવું : મનની નિગ્રહતા અર્થે એક તો સર્વોત્તમ જગદ્ભૂષણના સત્ય ગુણનું એ ચિંતવન છે. તત્ત્વથી જોતાં વળી અર્હતસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ, આચાર્યસ્વરૂપ, ઉપાધ્યાયસ્વરૂપ અને સાધુસ્વરૂપ એનો વિવેકથી વિચાર કરવાનું પણ એ સૂચવન છે. કારણ કે પૂજવા યોગ્ય એઓ શાથી છે ? એમ વિચારતાં એઓનાં સ્વરૂપ, ગુણ ઇત્યાદિ માટે વિચા૨ ક૨વાની સત્પુરુષને તો ખરી અગત્ય છે. હવે કહો કે એ મંત્ર એથી કેટલો કલ્યાણકારક થાય?
પ્રશ્નકાર – સત્પુરુષો મોક્ષનું કારણ નવકારમંત્રને કહે છે, એ આ વ્યાખ્યાનથી હું પણ માન્ય રાખું છું. અર્હત ભગવંત, સિદ્ધ ભગવંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એઓનો અકેકો પ્રથમ અક્ષર લેતાં ‘અસિઆઉસા' એવું મહદ્ભૂત વાક્ય નીકળે છે. જેનું ૐ એવું યોગબિંદુનું સ્વરૂપ થાય છે; માટે આપણે એ મંત્રનો અવશ્ય કરીને વિમળ ભાવથી જાપ કરવો. (પૃ. ૮૩-૪)
નવતત્ત્વ
જીવાજીવ જાણવાની પ્રકારાંતરે સર્વજ્ઞ સર્વદર્શીએ નવ શ્રેણિરૂપ નવતત્ત્વ કહ્યાં છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ. એમાંનાં કેટલાંક ગ્રાહ્યરૂપ, કેટલાંક જાણવારૂપ, કેટલાંક ત્યાગવારૂપ છે. સઘળાં એ તત્ત્વો જાણવારૂપ તો છે જ. (પૃ. ૧૧૭) સ્યાદ્વાદશૈલી અનુપમ અને અનંત ભેદભાવથી ભરેલી છે; એ શૈલીને પરિપૂર્ણ તો સર્વજ્ઞ અને સર્વદર્શી જ જાણી શકે; છતાં એઓનાં વચનામૃતાનુસાર આગમ ઉપયોગથી યથામતિ નવતત્ત્વનું સ્વરૂપ જાણવું અવશ્યનું છે. એ નવતત્ત્વ પ્રિય શ્રદ્ધાભાવે જાણવાથી પરમ વિવેકબુદ્ધિ, શુદ્ધ સમ્યક્ત્વ અને પ્રભાવિક આત્મજ્ઞાનનો ઉદય થાય છે. નવતત્ત્વમાં લોકાલોકનું સંપૂર્ણ સ્વરૂપ આવી જાય છે. જે પ્રમાણે જેની બુદ્ધિની ગતિ છે, તે પ્રમાણે તેઓ તત્ત્વજ્ઞાન સંબંધી સૃષ્ટિ પહોંચાડે છે; અને ભાવાનુસાર તેઓના આત્માની ઉજ્જલતા થાય છે. તે વડે કરીને તેઓ આત્મજ્ઞાનનો નિર્મળ રસ અનુભવે છે. જેનું