________________
(૪૪)
વેઠવાની જેની તૈયારી હોય તેનો ઉપયોગ ઉજળો હોય. જો ઉપયોગ ઉજળો હોય તો રોગ, જરાવસ્થા, ઇન્દ્રિયોની શિથિલતા, અશક્તિ, વિપરીત સંયોગ, પ્રતિકુળ પરિસ્થિતિ વગેરે પરિબળો સાધકને મોક્ષમાર્ગે આગળ વધતા અટકાવવા સમર્થ ન બની શકે.
આથી આપણે અહોરાત્ર આપણામાં જ રહેવાનું છે. બાહ્ય ભાવોમાં રહેવું તે સંસાર પરિભ્રમણ છે. આત્મભાવમાં જ રહે તે સાધક કે મુનિ આત્મસ્થ બનવા માટે અંતર્મુખતા આવવી જોઇએ, મધ્યસ્થતા આવવી જોઇએ. કોઇપણ બાહ્ય પદાર્થ પ્રત્યેનું આકર્ષણ આપણને પુદ્ગલભાવોમાં રાચતા કરી દે છે. સાધન કે ઉપકરણ પ્રત્યે આકર્ષણ ન થવું જોઇએ, પણ તેનો માધ્યમ તરીકે ઉપયોગ કરી અંતઃકરણ નિર્મળ બનાવવાનું છે. અનુકુળ પદાર્થોની રુચિ અને બાહ્ય પદાર્થો પ્રત્યેનું આકર્ષણ જીવને વિષય તરફ લઇ જઇ તેના ભોગવટામાં ફસાવી દે છે અને મનને વિકલ્પની ખીણમાં ધકેલી દે છે. જો બાહ્યની માયાજાળમાં લપેટાઇ ગયા તો વિષાદ સિવાય કાંઈ હાથ આવવાનું નથી. માટે ઇચ્છાઓ ઊભી ન થઈ જાય તે માટે સાવધાની રાખવી. આમ જોવા જઇએ તો મોક્ષ અઘરો નથી, પણ આપણે જ તેને ઇચ્છા તૃષ્ણા, સંકલ્પ વિકલ્પના કુંડાળા ઊભા કરીને અઘરો બનાવી દીધો છે. સંકલ્પ વિકલ્પનું કાર્ય નબળા ભૂતકાળની વારંવાર સ્મૃતિ કરાવવાનું છે. નબળા ભૂતકાળને યાદ કરનારો સ્મશાનમાં જીવતો જણાય છે. માટે કોઇપણ બાહ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું ખેંચાણ રાખ્યા વિના આત્મસ્થ બનવા પ્રયત્ન કરવો.
મનના સ્તરે કોઇપણ પરિસ્થિતિને સમભાવે સહન કરવાથી સકામ નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યની કમાણી થાય. લોકોત્તર ત્યાગ-વૈરાગ્યના લીધે સતિ થાય અને છેવટે મોક્ષ પણ પ્રાપ્ત થાય.
૧. લાચારીથી સહન કરે તે સંસારી, ખુમારીથી સહન કરે તે
સાધક.
૨. વેઠ ઉતારીને સાધના કરે તે સંસારી, ખુમારીથી સહન કરે તે સાધક.