________________
(૪૦)
થાય પણ ભૂલનો બચાવ કરનારનો મોક્ષ ન થાય. માટે જે નિમિત્તના લીધે ભૂલ થઈ હોય, જે કારણે ઉત્સાહ તુટે તે નિમિત્તથી ભવિષ્યમાં ભૂલ ન થાય, તેવી સાવધાની રાખીને ભૂલ સ્વીકારવાથી, આલોચના કરવાથી આત્મશુદ્ધિ થાય છે અને સાધનામાં આગળ વધવાનો ઉત્સાહ વધે છે, જાગૃતિ કેળવવાથી ભૂલ થતી અટકે છે.
આપણે ચાર શત્રુઓ સાથે લડાઈ કરીને તેને પરાસ્ત કરવાના છે. - ૧. ઇન્દ્રિયો ૨. કષાય ૩. પ્રમાદ ૪. વિકથા.
ઇન્દ્રિયોને જીતે તે જ પરિષહને જીતે. ઇન્દ્રિયોને જીતવામાં આડા આવતા પરિબળો છે. વિભૂષા, વિજાતીય પરિચય, ભારે ખોરાક. આ ત્રણેને જે જીતી શકે તે જ ઇન્દ્રિયોને જીતી શકે. ઇન્દ્રિયોને જે જીતી લે તે વૈયાવચ્ચ તપનું આરાધન કરી શકે.
કષાય અને પ્રમાદ વિનયમાં અવરોધ ઊભો કરે છે. માન, ક્રોધ, માયા, પ્રમાદને વિનયના વિરોધી કહ્યા છે. ૧. માન-અભિમાન હોય તે વિનય કરે જ નહીં, ૨. ક્રોધી વિનય કરે પણ ગુરુ વગેરેનો ઠપકો મળતાં વિનય મૂકી દે.
૩. માયાવાળો સ્વાર્થ હોય તો વિનય કરે. તેનું ફળ તાત્ત્વિક ન હોઈ શકે.
૪. પ્રમાદ વિનયની ઓળખાણ જ પડવા ન દે. વિકથામાં રુચિ હોય તો સ્વાધ્યાયની રુચિ તૂટે; અંતર્મુખતા નાશ પામે, નિંદાદિ દોષમાં ફસાઈ જવાય; સાધનાને નિરસ બનાવી દે, અનર્થ દંડનું પાપ લગાવે, ખાધા કે ભોગવ્યા વગર ફોગટમાં કર્મ બંધાવે. માટે બિનજરૂરી બોલવાનું અને સાંભળવાનું બંધ કરવાથી વિકથાના સપાટાથી બચી શકાય અને સ્વાધ્યાયમાં રુચિ પ્રગટે.
આ ચાર શત્રુઓને જીતવાથી સાધના સફળતાને પામે. ઇચ્છાઓને કાબુમાં રાખી શકાય, તેનાથી પર થઈ શકાય તો જન્મમરણ રૂપી દુઃખને ઓળંગી જવાશે. તેમ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે.