________________
(૩૬)
કર્મસત્તાનો કોઈ અધિકાર આપણા ઉપર ચાલતો નથી. કર્મસત્તાથી ઊંઘ આવે પરંતુ તેમાં આસક્તિ કે મમતા આપણે કરવી કે નહિ ? તેનો નિર્ણય કર્મ-સત્તાના હાથમાં નહિ પણ આપણા હાથમાં છે.
અત્યંતર લંક પૂર્વે કરેલા કર્મના કારણે ઉદયમાં આવે છે. તે ઉદય વખતે જો આપણે અસાવધપણે રહીએ તો નવા કર્મનું બંધન થઈ જાય. અઘાતિ કર્મના ઉદયને અટકાવવા ભલે આપણે સમર્થ ન બની શકીએ પણ ઘાતી કર્મના ઉદય વખતે તે પ્રમાણે વર્તવું કે નહિ તે આપણા હાથની વાત છે. માટે બાહ્ય કલંકને જીતવા માટે પ્રયત્ન કરવાનો છે અને અત્યંતર કલંક ઊભા ન થાય તે માટે સતત જાગૃતિ રાખવા પ્રયત્ન કરવાનો છે. બાહ્ય કલંકને જીતવા પરિષહ, ઉપસર્ગોને સહન કરતાં શીખવું પડશે અને તે માટે સ્વાધ્યાય, તપ-ત્યાગમાં રત રહેવા પ્રયત્ન કરવો. અભ્યતર કલંકને જીતવા માટે આલોચના, વૈરાગ્ય, ગુણાનુવાદ, ગુણાનુરાગ, ઉપબૃહણા, વિનય, વિવેક, વૈયાવચ્ચ, સ્થિરીકરણ, વાત્સલ્ય, મનની જાગૃતિ વગેરે ગુણો કેળવવા તત્પર બનવું પડશે.
દા.ત. (૧) બાહ્ય કલંકથી હારે તો કાયાના બંધન ઊભા થાય. જેમકે શ્રી પાર્શ્વનાથ ભગવાનના જીવને આગલા ભવોમાં મુનિના ભવમાંથી હાથીના ભાવમાં જન્મવું પડ્યું.
(૨) મનના સ્તરે હારે તેને આત્માના-મનના બંધન ઊભા થાય. અગ્નિશર્મા આનું ઉદાહરણ છે.
કાયાના સ્તરે હારેલો ઠેકાણે આવે પણ મનના સ્તરે હારેલાનું અનંતકાળે પણ કદાચ ઠેકાણું ન પડે.
માટે સાવધાની રાખી સાધનામાં આગળ વધવા પુરૂષાર્થી બની બાહ્ય તેમજ અત્યંતર કલંકથી છૂટવા પ્રયત્ન કરીને મોક્ષમાર્ગે આગળ વધીએ.