________________
ધર્મબીજ
૫૦
વહન કરનારા શ્રી સાધુ ભગવંતો છે. બાકીના જીવો પ્રજાના સ્થાને છે અને ધર્મ તેનું શાસન છે. જેમ રાજાના શરણને પામેલા માણસો આ જગતમાં સુખી મનાય છે, તેમ ભાવપૂર્વક ઉપરના ચારને શરણે જનારા જીવો ત્રણે લોકમાં સુખને પામે જ છે. એમ વિશ્વમાં ધર્મમહાસત્તાનું જે સુંદર શાસન ચાલી રહ્યું છે, તેને અનુકૂળ બનવા વડે આપણે સહાય કરવી જોઈએ. ધર્મમાં આત્માનું જોડાણ કરવાથી અનુકૂળ થવાય છે. આ રીતે આપણે અનુકૂળ બનીને તેના શરણે જઈએ એટલે આપણા ઉપરથી આપણા યોગક્ષેમની ચિંતા ઊતરી જાય છે, તે ચિંતા ધર્મમહાસત્તા કરે છે. તે શરણે આવેલાને ઇહલૌકિક અને પારલૌકિક સુખો આપીને અંતે પરમસુખમય સ્થાનમાં લઈ જાય છે. જે આ મહાસત્તાને બહુ જ અનુકૂળ બને તેને તે પોતાનો મહાપ્રતિનિધિ (શ્રી અરિહંત) પણ બનાવે છે. તાત્પર્ય એ મહાસત્તા પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરવો, એ આપણા સર્વ સુખોનું અવંધ્ય બીજ છે. એ મહાસત્તાનું ધ્યેય સૌને સુખી કરવાનું છે, તેથી જો આપણે સૌનું સુખ ઇચ્છીએ, સૌને સુખ આપવાના પ્રયત્નો કરીએ, જેમને ધર્મસત્તાને સુખ આપ્યું છે, તેમના પ્રત્યે પ્રમોદ ધારણ કરીએ અને જે સર્વનાં દુઃખને ધર્મસત્તા દૂર કરવા માગે છે, તે સર્વનાં દુ:ખ દૂર થાઓ, એવી શુભભાવનાને મનમાં ધારણ કરીએ, તો આપણે તે મહાસત્તાના સહાયક બની શકીએ. જો આપણે ‘અમુક દુઃખી થાઓ, અમુક સુખી ન થાઓ' વગેરે અશુભ વિકલ્પો કરીએ, સુખીઓનાં સુખની અને ગુણીઓના ગુણની અનુમોદના ન કરીએ, દોષષ્ટિ રાખીએ, બીજાને સુખ આપવાના પ્રયત્નો ન કરીએ, કોઈને સુખ મળતું હોય તેમાં વ્યાઘાતો ઊભા કરીએ અને સામગ્રી છતાં દુઃખને ટાળવાના પ્રયત્નો ન કરીએ, તો તે મહાસત્તાના અપરાધી બનીએ છીએ અને તેનો દંડ પણ આપણને મળે જ છે. આ દંડ પણ આપણા હિતના અર્થે હોય છે. જેમ ચોરી કરનારને જો રાજા યોગ્ય દંડ ન આપે તો તેથી તેનું અને અન્ય પ્રજાનું અહિત થાય છે, દંડ આપવાથી તેનું અને અન્ય પ્રજાનું હિત થાય છે, તેમ ધર્મ મહાસત્તાના દંડથી આપણું અને બીજાઓનું હિત થાય છે. કુકર્મો દ્વારા આત્મામાં ભેગા થયેલાં અશુભ કર્મોને દૂર કરવાના ત્રણ રસ્તાઓ છે ઃ શુભ ભાવ, શુભ આચરણ અને હર્ષપૂર્વક દંડને સહી લેવો. આ ત્રણ વિકલ્પો આચરવાથી ધર્મમહાસત્તાની કૃપા આપણા ઉપર ઊતરે છે.