________________
૨૪
ધર્મબીજ કોશલરાજ ફાટ્યાં તૂટ્યાં વસ્ત્રો પહેરી જંગલમાં રખડતો હતો. એક દિવસ એક વટેમાર્ગ એ રસ્તે જતાં તેને પૂછ્યું, “ભાઈ ! કોશલનો રસ્તો કયો?'
કોશલરાજે તેને પૂછ્યું, “શું કામ છે એ અભાગિયા દેશનું, તેનું નામ હવે શા માટે લે છે ?”
- વટેમાર્ગુએ કહ્યું, “મને વેપારમાં મોટી ખોટ ગઈ છે, હવે ભીખ માગીને જીવવું પડે તેમ છે, કોશલરાજ દાનેશ્વરી છે. તેને બારણેથી કોઈ ખાલી હાથે પાછું ફરતું નથી, મારું દુઃખ એના વિના કોઈ ભાંગે તેમ નથી’.
કોશલરાજનું હૃદય મૈત્રીથી દ્રવિત થઈ ગયું. તેણે પોતાની આંખમાં આવતાં આંસુ જરા હસીને છુપાવી દીધો અને કહ્યું. “ભાઈ ! તું પણ દુઃખી છે. ચાલ, તને તારી આશા પૂર્ણ થાય તેવો માર્ગ બતાવું.” ત્યાંથી બંને જણે કાશીરાજના દરબારમાં આવ્યા, કાશીરાજે પૂછ્યું, “કયા કારણે તમારું આવવું થયું છે ? ખુશીથી કહો, તમારી મનઃકામના કાશીરાજ અવશ્ય પૂર્ણ કરશે.”
તદ્દન ફાટ્યાંતૂટ્યાં વસ્ત્રોમાં રહેલ કોશલરાજે અત્યંત સ્વસ્થતાપૂર્વક મૈત્રીથી છલકાતા હૃદયે કહ્યું, “કાશીરાજ ! હું કોશલરાજ છું, મને પકડી લાવવા માટે આપે જે મોટું નામ જાહેર કર્યું છે તે આ વેપારીને આપો. અત્યારે એ ભારે મુશ્કેલીમાં છે. મારી પાસેથી કાંઈ મળશે, એ આશાએ તે મારો રસ્તો પૂછતો જતો હતો, તેવામાં વચ્ચે મને મળ્યો. લ્યો આ મારું માથું, અને તેને સહસ્ત્ર દીનાર આપો!”
પરમ મૈત્રીભાવરૂપ અમૃતથી સિંચાયેલા આ કોશલરાજાનાં વચનો સાંભળી આખો દરબાર સ્તબ્ધ બની ગયો. કાશીરાજનું પથ્થર જેવું હૃદય પણ પીગળી ગયું. મૈત્રીભાવના અમૃતપ્રવાહે કોશલરાજના હૃદયમાંથી નીકળી કાશીરાજના હૃદયમાં પ્રવેશ કર્યો.
“રાજભંડારમાંથી આ વણિકને જોઈએ તેટલું ધન ગણી આપો.' રાજાએ ભંડારીને આજ્ઞા કરી અને કોશલરાજને પોતાના રાજસિંહાસન પરઅરે ! હદય-સિંહાસન પર પણ-બેસાડી દીધો ! કોશલરાજના માથા ઉપર કાશીરાજે રાજમુગટ પહેરાવી દીધો !