________________
મૈત્રીનાં દૃષ્ટાંતો
(૧) અદ્ભુત મૈત્રી જૂના કાળની વાત છે.
કોશલદેશના રાજાની “દાનવીર' તરીકે ખ્યાતિ સર્વત્ર પ્રસરી રહી હતી. જેમાં માતાને પોતાનાં બાળકો પ્રત્યે અનન્ય વાત્સલ્ય હોય તેમ તે રાજાના મનમાં પોતાની પ્રજા પ્રત્યે અપૂર્વ પ્રેમ હતો, દુઃખમાં આવી પડેલા દુઃખી માણસો એને શરણે આવતા.
કોશલની પાસે જ કાશીનું રાજ્ય હતું. કોશલરાજની ખ્યાતિ કાશીરાજ સહી શક્યો નહીં. તેના મનમાં ઈર્ષાનો અગ્નિ સળગવા લાગ્યો.
કાશીદેશનું રાજ્ય મોટું હતું. કોશલનું નાનું. કાશીના લોકો પણ કોશલરાજના ગુણગાન કરતા પોતાની પ્રજાના મુખમાં કોશલરાજનું નામ - કાશીરાજ શી રીતે સહી શકે ?
કાશીરાજે કોશલ પર ચડાઈ કરી. હારેલો કોશલરાજ વનમાં નાસી ગયો, પ્રજામાં હાહાકાર મચી ગયો, કોશલની પ્રજા કહેવા લાગી “અમારું શિરછત્ર ચાલ્યું ગયું ! કાશીરાજને ધિક્કાર હો !”
પ્રજાના આ ધિક્કારથી કાશીરાજનો ઈર્ષ્યાગ્નિ વધુ ને વધુ ભભૂક્યો. તેણે વિચાર્યું, “જ્યાં સુધી કોશલરાજ જીવતો હશે ત્યાં સુધી લોકો એને ભૂલશે નહિ અને મારા ગુણગાન કોઈ ગાશે નહિ, માટે એને ખતમ કરાવી નાખું !” - કાશીરાજે ઢંઢેરો પિટાવ્યોઃ “જે કોઈ કોશલરાજને જીવતો કે મરેલો પકડી લાવશે, તેને એક હજાર સોનામહોરનું ઇનામ આપવામાં આવશે.
રાજાના માણસો કોશલરાજને શોધવા માટે આકાશપાતાળ એક કરવા લાગ્યા. કોશલદેશની પ્રજાની આંખોમાંથી અશ્રુધારાઓ વહી રહી હતી. કાશીરાજનો અપયશ ઠેર ઠેર ગવાતો હતો.