________________
મૈત્રીની સાધનાનો ક્રમ (૧) “જેમનો મારા પર ઉપકાર છે તેમની સાથે હું મિત્રની જેમ જ રહીશ,
તેમનો દ્રોહ હું કદી પણ કરીશ નહિ', એવી ભાવના પ્રારમ્ભમાં કેળવવી જોઈએ. આ ભાવનાથી કૃતજ્ઞતા ગુણની સિદ્ધિ થાય છે. કૃતજ્ઞનું કામ કરવા માટે સહુ કોઈ પ્રેરાય છે. ઉપરનું પહેલું પગથિયું સિદ્ધ થયા પછી બધા જ સ્વજનોને આપણી મૈત્રીભાવનાનો વિષય બનાવવા જોઈએ. આ ભાવનાથી સ્વજનોમાં સંપ થાય છે અને તત્સંબંધી અનેક ક્લેશોનો અંત આવે છે. પછી, આપણી નિશ્રામાં રહેલા (નોકર વર્ગ વગેરે) પ્રત્યે મિત્રતા કેળવવી જોઈએ. પશ્ચાત, આપણા સંબંધમાં આવતી સર્વ વ્યક્તિઓને મિત્રની આંખે જોવું જોઈએ, આવી ભાવનાથી સહુ કોઈ આપણી મિત્રતાને ઇચ્છવા
લાગે છે. (૫) તદનંતર, આપણી મૈત્રીભાવનામાં અનુક્રમે સાધર્મિક, ગ્રામીય,
પ્રાંતીય, દેશીય અને સમગ્ર માનવજાતનો સમાવેશ કરવો જોઈએ. (૬) અંતમાં, આપણે સર્વ જીવોના મિત્ર બનવું જોઈએ.
મૈત્રીભાવનાને અનુકૂળ કેટલીક વિચારણાઓ જીવો પરસ્પર ઉપકારક છે, અર્થાત્ “એક બીજા પર ઉપકાર કરવો એ જીવોનો સ્વભાવ છે. કોઈ પણ જીવ બીજા ઉપર સ્વભાવથી અપકાર કરતો નથી, કિન્તુ કર્મને પરાધીન બનવાથી તે બીજા પર અપકાર કરવા માટે પ્રેરાય છે. આ સંયોગમાં તેને અપરાધી કે શત્રુ શા માટે માનવો? ક્ષમા, ઔદાર્ય, સજ્જનતા વગેરે અનેક સદ્ગણોને કેળવવા માટે આ દુર્લભ માનવ જન્મ છે, એમાં વળી ક્રોધ, ઈર્ષ્યા, અસૂયા, વૈર
વગેરેને સ્થાન શા માટે ? ૧. “પરસ્પરોપગ્રહો નીવાનામ્ તત્ત્વાર્થાધિગમ સૂત્ર' અ. ૫, સૂત્ર-૨૧.