________________
૧૪
ધર્મબીજ ગુરુ મહારાજની આજ્ઞાથી કડવા તુંબડાનું શાક પરઠવવા માટે તૈયાર થયેલા મહામુનિ ધર્મઘોષને જ્યારે તે શાકમાંથી તેલનું એક ટીપું પરઠવતાં અનેક જીવોની વિરાધના (હિંસા) દેખાઈ, ત્યારે મૈત્રીભાવનાથી કોમળ બનેલું તેમનું હૃદય રડી ઊડ્યું! ઝેરી શાકના કારણે અનેક જીવો મરે, તેને બચાવવા પોતે જ તે શાકનું અશન કરીને મૃત્યુને ભેટ્યા !
પાંચ મહાવ્રતો મૈત્રીભાવનાની સિદ્ધિ માટે જ છે. પાંચ મહાવ્રતોમાં વિધેયાત્મક અને નિષેધાત્મક ઉભય પ્રકારની મૈત્રી રહેલી છે. વિધેયાત્મક મૈત્રીની ચરમ સીમા શ્રી તીર્થકર ભગવંતોમાં અને નિષેધાત્મક મૈત્રીની પરાકાષ્ઠા ચતુર્દશ ગુણસ્થાને સર્વસંવર પામેલામાં હોય છે. અહિંસામાં મૈત્રીભાવનાનાં સાક્ષાત્ દર્શન થાય છે. કોઈ પણ જીવને પીડા ન પહોંચાડવી એ અહિંસા છે અને તે નિષેધાત્મક મૈત્રી જ છે. સત્યાદિ મહાવ્રતોના ગર્ભમાં પણ તે જ આશય રહેલો છે. જૈનોની સૂક્ષ્મ અહિંસા તો જગપ્રસિદ્ધ છે. જૈન શ્રમણોનું જીવન સંપૂર્ણ અહિંસામય હોવાથી તે જીવનસ્પર્શી આત્મા (Practical) મૈત્રીમય હોય છે.
જેનોનો સ્યાદ્વાદ સિદ્ધાંત એ તો મૈત્રીભાવનાનું પરમોચ્ચ શિખર છે. તેમનાં શાસ્ત્રો, વિચારો, વચનો અને સર્વપ્રવૃત્તિઓમાં સ્યાદ્વાદ ઝળકતો દેખાય છે. તત્ત્વજ્ઞાનની ચરમ સીમારૂપ સ્યાદ્વાદને અહીં થોડા જ શબ્દોમાં શી રીતે વર્ણવી શકાય? પ્રત્યેક વસ્તુને અનેક દૃષ્ટિકોણથી જોવી તે સ્યાદ્વાદ છે. પ્રત્યેક દૃષ્ટિકોણ તે વસ્તુના જુદા જુદા ધર્મોને આગળ કરે છે. વસ્તુના સર્વ ધર્મો પરસ્પર સાપેક્ષ હોય છે. ધર્મોની સાપેક્ષતાને સામે રાખીને સર્વદૃષ્ટિકોણોને ઉચિત સ્થાન આપીને તેમના પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ મૈત્રી છે. એમ સ્યાદ્વાદ કોઈ પણ દૃષ્ટિને અસત્ય, નિરુપયોગી કહીને તેના પ્રત્યે અન્યાય કરતાં નથી. પણ તે દૃષ્ટિને ઉચિત સ્થાન આપીને તેના પ્રત્યે તાત્વિક મૈત્રીભાવને કેળવે છે. આ જગતનું સૌથી મોટું અકલ્યાણ કોઈએ કર્યું હોય તો તે એકાંત દષ્ટિઓના પરસ્પર સંઘર્ષે. તે સંઘર્ષને સમાવીને જગતમાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપનાર સ્યાદ્વાદ એ જીવોનો પરમ મિત્ર છે અને તે સ્યાદ્વાદને બતાવનાર શ્રી તીર્થંકરભગવંતો એ સર્વ જીવોના પરમથી પણ પરમમિત્ર છે!
જૈનોનું કર્મસાહિત્ય પણ વિશ્વમાં અજોડ છે. કર્મસાહિત્ય વિધેયાત્મક તેમ જ નિષેધાત્મક બંને જાતની મૈત્રીને ઉત્તેજન આપનારું છે. એ