________________
૧ ૩
મૈત્રીભાવના
આપણે જોઈએ છીએ કે આપણને જોઈને કાંઈ બધા જીવો આનંદ પામતા નથી. એ જ બતાવે છે કે પૂર્વના ભવોમાં આપણે બધા સાથે સ્નેહ કેળવ્યો નથી. આ જીવનમાં તો આપણે મૈત્રીભાવનાની એવી સુંદર સાધના કરીએ કે જેથી ભવાંતરમાં પ્રત્યેક જીવ આપણો મિત્ર બને ! જે જે આપણા પરિચયમાં આવે તેના કષાયો શાંત થઈ જાય !
જેમના માથા પર અસહ્ય તાપમાં લીલી વાધર વીંટવામાં આવી હતી, તે શ્રી મેતાર્થ મહાશ્રમણને સ્મૃતિપટ પર લાવીને આપણે પવિત્ર બનીએ. એક પક્ષીને બચાવવા ખાતર તે પક્ષીએ કરેલા અપરાધને પોતાના માથે વહોરી લેનાર એ મહામુનિની મૈત્રીભાવનાની જેટલી પ્રશંસા કરીએ તેટલી થોડી જ છે. “મારું ગમે તે થાઓ, પણ બીજા જીવને કષ્ટ ન જ થાઓ,' એવી ઉદાત્ત મૈત્રીથી શ્રમણોનાં હૃદય ચૌદ રાજલોક-સમગ્ર જીવરાશિ જેટલાં વિશાળ બનેલાં હોય છે. તેમને બીજાનો આત્મા પોતાના આત્મા કરતાં પણ અધિક પ્રિય લાગે છે. બીજાનાં કલ્યાણની ખાતર તેઓ પોતાનું સર્વસ્વ હોમી દેતા હોય છે.
માથા ઉપર ધગધગતી સગડી મૂકનાર સોમિલ સસરા પ્રત્યે અનન્ય મૈત્રીને ધારણ કરનાર શ્રમણરત્ન ગજસુકુમાલને પણ કેમ ભુલાય? દ્વેષાગ્નિની
જ્વાલાઓથી પ્રજ્વલિત બનીને પોતાના જમાઈને (ગજસુકુમાલને) બાળી નાખવા માટે ઉદ્યત બનેલ સોમિલ પ્રત્યે મૈત્રીભાવરૂપ પરમ શીતલ જલપ્રવાહને વહેવડાવનાર એ મહામુનિનું હૃદય કેવું અને કેટલું વિશાળ હશે?
ધ્યાનસ્થ દશામાં જેમના પર ભૂખ્યાં શિયાળિયાં તૂટી પડ્યાં અને શરીરે બચકાં ભરી માંસ ખાવા લાગ્યાં, તે ક્ષમાશ્રમણ શ્રી અવંતિસુકુમાલની ' મૈત્રીભાવના કેટલી ઉચ્ચ હશે ?
બીજા પ્રસંગોમાં મૈત્રીને ટકાવવી સરળ છે. કિન્તુ મરણાંત ઉપસર્ગોમાં તેને ટકાવવી એ લોઢાના ચણા ચાવવા કરતાં પણ કઠિન છે. જૈન શાસ્ત્રકારો સર્વ સંસારી જીવોના શત્રુ તરીકે કર્મને ઓળખાવે છે, જેમનો શત્રુ સમાન હોય તે બધા મિત્ર કહેવાય, એ અપેક્ષાએ સર્વ સંસારી જીવો પરસ્પર મિત્ર છે. કર્મને ખપાવવામાં જે જે સહાય કરે, તેને તેને મહામુનિઓ ઉપકારમિત્ર માને છે. જીવલેણ શિયાળિયાંઓને પણ ઉપકારક (કર્મને ખપાવવામાં સહાયક) માનનાર મહામુનિ અવંતિસુકુમાલને મૈત્રીભાવનાનો સાધક શી રીતે ભૂલી શકે?