________________
મૈત્રીભાવના અમૃતના સમુદ્ર એવા પ્રભુ શ્રી વીરને એ વિષમય જ્વાળાઓ કંઈ ન કરી શકી. અમૃતની સામે વિષનું શું ચાલે? વિષ પણ અમૃત બની જાય ! સર્વે ક્રોધથી એવા ડંખ દીધા કે પ્રભુના પગમાંથી રુધિરની ધારા નીકળી. પણ, એ રુધિર (લોહી) સામાન્ય માનવીના રુધિરની જેમ રક્ત (લાલ) ન હતું. જેના હૃદયમાં સર્વ જીવો પ્રત્યે અસાધારણ વાત્સલ્ય છે, તેનું રુધિર રક્તવર્ણ શી રીતે હોય ? તે તો માતાના દૂધ જેવું સફેદ જ હોય ! સર્પને દૂધ જેવા એ રુધિરમાં મહાપુરુષનાં દર્શન થયાં ! પ્રભુના હૃદયમાં રહેલી અમર્યાદ મૈત્રીને જાણે શ્વેતવર્ણા રુધિરમાં તે ન જોતો હોય ! પ્રભુના હૃદયમાં રહેલી ભાવનાથી તેની ક્રૂરતા ઓગળી ગઈ અને હૃદયમાં ધર્મનો પ્રકાશ થયો. એમ સર્ષે પણ સાધના વડે સદ્ગતિ સાધી. લોકોત્તર મૈત્રીભાવનાથી અત્યંત ભાવિત એવા સપુરુષોના સમાગમથી પરિવર્તન કેમ ન થાય ? અર્જુનમાળી જેવો હત્યારો પણ શું મૈત્રીના પરમ નિધાન એવા પ્રભુના સમાગમમાં આવીને ધર્માત્મા નહોતો બન્યો?
શ્રી તીર્થકર ભગવંતોનાં સમવસરણમાં જન્મજાત વેરવાળાં પ્રાણીઓ (વાઘ-બકરી વગેરે) પણ સાથે બેસી શકે છે, એ તીર્થકરોએ પૂર્વે સેવેલ મૈત્રીભાવનો જ પ્રભાવ છે જેનું હૃદય મૈત્રી ભાવનારૂપ અમૃતથી છલોછલ ભરેલું હોય છે, તેની સમીપમાં આવતાં જ બીજા જીવોના કષાયો શાંત થઈ જાય છે, પુરુષો જે રસ્તે પસાર થતા હોય, ત્યાં પણ કલહો શાંત થઈ જાય છે, શ્રી તીર્થકર ભગવંતોને જે જે અતિશયોની પ્રાપ્તિ થાય છે, તેનું મૂળ કારણ મૈત્રીભાવના છે.
આ વિશ્વ પર અદશ્યપણે એક મહાસત્તા પોતાનું કાર્ય કરી રહી છે, તે સર્વનું હિત ઇચ્છે છે. જે પુરુષો મૈત્રીભાવનાથી ભાવિત થઈને બીજા જીવોનાં હિતમાં નિરંતર રત રહે છે, તે પુરુષોને તે મહાસત્તા તીર્થકરત્વ જેવી ઉચ્ચ પદવીઓ આપીને તેમની કદર કરે છે.
બીજા જીવોને આપણા સામીપ્યમાં કષાયોની શાંતિ મળે તો એ આપણામાં રહેલી મૈત્રીભાવનાને માપવાનું એક થર્મોમિટર (માપક યંત્ર) છે. બીજા જીવો આપણાથી જેટલી અધિક શાંતિ મેળવે, તેટલી આપણી મૈત્રી વિકસિત સમજવી.
શ્રી તીર્થકરોનું જીવન વાત્સલ્યરૂપ મૈત્રીભાવનાથી ભરેલું હોય છે.