________________
આ માધ્યશ્યભાવ જેમ અસાધ્યદોષવાળાં પ્રાણીઓ પ્રત્યે કેળવવાનો છે, તેમ સુખ આપવા માટે સર્વથા અસમર્થ એવાં વિષયનાં સુખો પ્રત્યે પણ કેળવવાનો છે. ચાર ગતિમાં વિવિધ પ્રકારનાં દુઃખોને અનુભવતો જીવ ક્વચિત્ મનુષ્ય અને દેવાદિ ગતિઓને વિષે સર્વ ઇન્દ્રિયોને ઉત્સવ કરાવનારાં તથા મનને આહ્વાદ આપનારાં વિષયસુખોને પામે છે, પરંતુ તે વખતે તેની અસારતા અને ક્ષણવિનશ્વરતાને નહિ જાણતો તે તેના ભાગમાં આસક્ત બની જાય છે અને પરિણામે અનંત દુઃખનો અધિકારી થાય છે. માધ્યશ્ય ભાવનાના મર્મને પામેલો આત્મા તે વખતે વિષયસુખોની અસારતાને અને કદાચિત્કતાને (તેનું કોઈક જ વાર મળવાપણું અને મળ્યા પછી તુરત જ ચાલી જવાપણું) જાણતો હોવાથી તેના પ્રત્યે ઉદાસીન ભાવને ધારણ કરી શકે છે અને તેથી મોટી આપત્તિઓથી તે બચી જવા પામે છે. માધ્યશ્મભાવનાને ભાવનારો એમ જાણે છે કે દુનિયાની કોઈ પણ સચેતન કે અચેતન વસ્તુ સુખ-દુઃખની ઉત્પાદક નથી, પરંતુ જીવનો તે વસ્તુ ઉપર રહેલો રાગદ્વેષ સુખ-દુઃખની કલ્પના કરાવે છે. સુખદુઃખનું કારણ અન્ય પદાર્થ નથી પણ મોહાદિકના વિકારથી પોતાના આત્મામાં ઉત્પન્ન થતો રાગદ્વેષનો પરિણામ જ છે. પદાર્થો તો પોતાના સ્વરૂપમાં રહેવાને વ્યવસ્થિત થયેલા છે, પણ પોતે જ પોતાનો સ્વભાવ છોડીને રાગદ્વેષ રૂપી વિભાવમાં પડે છે અને તેથી સુખી અથવા દુઃખી થાય છે. એ રીતે સુખનો આશ્રય પદાર્થોને નહિ, પણ પોતાના આત્માને જ માનતો જ્ઞાની જીવ જગતના તમામ સચેતન કે અચેતન પદાર્થો ઉપર માધ્યશ્યભાવ ધારણ કરી શકે છે અને તે જ માધ્યશ્મભાવનાની પરાકાષ્ઠા ગણાય છે. આ ચાર ભાવનાઓ મહાપુરુષોને પણ વારંવાર અભ્યાસથી પ્રાપ્ત થાય છે. અનેક જન્મોમાં અભ્યાસ દૃઢ થયા બાદ આ ભાવનાઓ આત્મસાત્ થાય છે. કારણ કે એની પ્રતિપક્ષી અશુદ્ધ વૃત્તિઓ જીવને અનાદિ કાળથી લાગેલી હોય છે. ક્રોધ, દ્રોહ, ઈર્ષ્યા, અસૂયા આદિ વૃત્તિઓ મૈત્રી-પ્રમોદ-કારુણ્ય આદિ ભાવનાની પ્રતિપક્ષી છે અને તે અનાદિ કાળથી જીવને લાગેલી હોય છે. મૈત્રી અસૂયાભાવ, કરુણાભાવના દૃઢ થવાથી દ્રોહભાવ અને માધ્યશ્મભાવના પરિણામ પ્રાપ્ત થવાથી ક્રોધભાવ ચાલ્યો જાય છે. આ ચાર સુંદર ભાવનાઓથી સહુ કોઈ આત્માઓ પોતાના - જીવનને નિર્મળ બનાવો !