________________
સર્વ જીવો પ્રત્યે માતા તુલ્ય વાત્સલ્યભાવ રાખવો કે સ્વ-આત્મતુલ્ય યા તેથી પણ અધિક સ્નેહભાવ રાખવો એ વિધેયાત્મક મૈત્રીભાવ છે.
મારો કોઈ આત્મબંધુ દુઃખી ન થાય, પાપનું આચરણ ન કરે, કર્મના બંધનથી ન બંધાય, પણ તે સર્વ કર્મ-બંધનોથી મુક્ત બને. આ નિષેધાત્મક મૈત્રીભાવ છે.
નાના-મોટા કોઈ પણ જીવને મારાં મન, વચન અને કાયાથી કોઈ પણ પ્રકારની લેશ પણ પીડા, તકલીફ, દુઃખ થાય એવું વર્તન કદી ન કરવું. . . આ પરમ મૈત્રીભાવ છે, ઉત્કૃષ્ટ પ્રેમભાવ છે.
સામાયિકમાં બન્ને પ્રકારની મૈત્રીનું પાલન થાય છે. સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રૂપ સમતાનો લાભ, સમતાની પ્રાપ્તિ તે “સામાયિક' કહેવાય છે.
ક્ષમા એ મૈત્રીનું ફળ છે. કહ્યું પણ છે -
હું સર્વ જીવોને ખમાવું છું, સર્વ જીવો પાસે હું મારા અપરાધોની ક્ષમા માગું છું. સર્વ જીવો ઉદાર ભાવે મને ક્ષમા આપે, મારે સર્વ જીવો સાથે મૈત્રી છે, કોઈ એક પણ જીવ સાથે મારે વૈર કે વિરોધ નથી. *
જીવ-મૈત્રીની જીવનમાં અત્યંત આવશ્યકતા છે. જેમ પવન વિના દ્રવ્ય પ્રાણો નાશ પામે છે. તેમ મૈત્રીભાવ વિના ભાવપ્રાણોનો પણ નાશ થાય છે.
ક્ષમ ભાવપ્રાણ છે. મૈત્રી વગેરે ભાવનાઓના અભ્યાસથી જ ક્ષમાગુણ વૃદ્ધિ પામે છે, પુષ્ટ બને છે, અને ક્રોધાદિ કષાયો નિવૃત્ત થાય છે. ૨. પ્રમોદ ભાવના ગુણી પુરુષોના ગુણો જોઈ સાંભળીને હૈયું હર્ષથી નૃત્ય કરવા લાગે, નેત્રોમાં આનંદનું પૂર વહે, અહોભાવથી મસ્તક નમી પડે, ધન્ય ધન્યની ધ્વનિનો નાદ ગુંજતો થાય, તે પ્રમોદભાવના છે.
પરમગુણી પરમાત્માની શાંતમુદ્રાના દર્શન માત્રથી નેત્રો આનંદથી પુલકિત બને, શરીર રોમાંચિત થાય, મન પ્રમોદથી પૂર્ણ ભરાઈ જાય, પ્રભુના ગુણગાન કરવા રસના હર્ષિત બને, તથા સદ્ગુરુ-ભગવંતોના દર્શનથી પણ અતિ આનંદ થાય. તેમને નમસ્કાર કરી, સેવા-ભક્તિનો લાભ લેવાનું મન થાય, સંતોના મુખે ધર્મક્રિયા, જીવાદિ તત્ત્વોનું સ્વરૂપ જાણી હૈયું હર્ષિત બને - એ સર્વ પ્રમોદ ભાવનાના સૂચક છે.