________________
: ૫૮:
પંચસૂત્ર
પ્રદેશે વ્યાપ્ત થઈ જવી જોઈએ. એનાથી આત્મા ભાવિત થવો જોઈએ. એ માટે ખોટાનો બચાવ નહિ કરવાનો. જીવને બચાવ કરવાની આદત અનાદિની છે. બચાવ એ દંભ છે. બચાવ એ મોહની શિખવણી છે. હવે તો જ્ઞાનીની શિખવણી જોઈએ. જ્ઞાનીનાં વચન હૃદયે આરપાર ઊતરી જવા જોઈએ. એમના વિરાગના ઉપદેશ-બાણોથી રાગ-હૃદય વિઘાઈ જવું જોઈએ. માત્ર સાંભળતી વખતે ગળગળા થવાય એટલું જ બસ નથી. સર્વજ્ઞનાં વચન ઉપર અવિચળ શ્રદ્ધાથી એ ઉપદેશ હવે આત્મઘરમાં એવો રમતો થઈ જાય, કે એ ઘેર બજારમાં કે મિત્રોમાં, સુખમાં કે દુઃખમાં આત્માની હાજરી લે, એને જાગ્રત રાખે. બચાવ કોઈના ચાલ્યા નથી. જિનશાસનમાં તો જરાક અરુચિ કે અણગમો એ પણ દ્વેષ છે. દુનિયામાં આપણને
અનિષ્ટ લાગતા વિષયો, અનિષ્ટ જીવો, અને અનિષ્ટ સંયોગો પ્રત્યે ખેદ દ્વેષ જેટલો વખત રહે, તેટલો વખત એ આત્માને કાળો બનાવે છે. અહો ! શા સારુ આત્મા પરમાં પડતો હશે ? પરની જંજાળ કરતો હશે ? એને પોતાનું સંભાળવાનું, પોતાની ખરાબી મિટાવવાનું ક્યાં ઓછું છે ? પણ પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે; નહિતર એ સમય માત્ર પણ પરચિંતા કરવાની જરૂર નથી. પર તો આપણા ભાગ્ય મુજબ જ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં ત્યાં અતિ આવશ્યક દેખાવ રાખવા પડતા હોય તોય, જેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી નાખ્યું, પછી હુંફાડો નુકશાન કરનારો નહિ; તેમ આપણા દેખાવના હુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈએ. કષાય-ઝેરનો સમૂળગો નાશ થવો જોઈએ. નાનો સરખો પણ કષાય કરવો પડે એ સંસ્કારને પોષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, એ હરગીઝ ન ભૂલાવું જોઈએ.
ત્યારે મનુષ્ય જીવન મળ્યું એટલે ધંધો શું રાગદ્વેષ અને વેરઝેરનો કરવો ? જ્યાં સુધી જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનું દર્શન દોહ્યલું છે. મયગ્દર્શનની સુંદર સામગ્રીવાળા આ મોંધેરા માનવભવમાં દર્શનની આડે નડતી ઘાતકર્મની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તોડી નાખવી જોઈએ. તેને ખોખરી કર્યા વિના જિનોક્ત તત્ત્વનું સાચું દર્શન નહિ થાય, દર્શનાભાસ થશે. “મારે સેવક જગનાથનો બનવું છે, કિંત વિષયકષાય કે રાગદ્વેષનો નહિ. માટે જિનની વાણીના અનુસારે જ મારી વિચારસરણી હોવી જોઈએ.” આ જો નિર્ધાર રખાય, પરમાત્મા યથાસ્થિત વસ્તુવાદી છે તો તે રીતે જો એ સ્વીકારાય, તો મોહની પ્રબળતા ન રહે. પછી કદાચ મોહનું દેણું ભરવું પડે, પણ તે છૂટવા માટે, વળગવા નહિ; મોહને આધીન ન બને, પણ મોહ ઉપર પાકો તિરસ્કાર રાખે. આંતર શત્રુ જે ક્રોધ તે કદાચ મન માંહી ઉદયમાં આવે, પણ બહારથી આંખ પણ લાલ થવા ન દે. કષાયના ઉદય વખતે જાગ્રત રહે. કષાયના ઉદયને આત્મવીર્યની સહાય ન દે. મોહના પગ એ ભાંગે, પણ મોહ એના પગ ન ભાંગે.