________________
પરંતુ જ્ઞાની બંનેનો વિવેક કરે છે. એટલું જ નહીં પરંતુ વિવેક કર્યા પછી આત્માનું મૂલ્યાંકન કરે છે. આત્માનું મૂલ્યાંકન કરવું, તે જ સમ્યગ્દર્શન છે. આ બીજી ગાથામાં સમ્યગ્દર્શનનું સચોટ ભાન કરાવ્યું છે. ૪૯ મી ગાથામાં આ જ શબ્દો છે અને ૫૦ મી ગાથામાં પણ એ જ શબ્દો છે. છતાં બધા શબ્દોના ભાવાર્થ અને ગૂઢાર્થમાં અલગ અલગ પ્રકારની દ્રષ્ટિ અર્પણ કરી છે. પ્રથમ ગાથામાં મિથ્યાત્વનો ઉદ્ભવ કયા છે, તે બતાવ્યું છે. જયારે આ પછીની ગાથામાં સમ્યગ્દર્શન શું છે તે પ્રદર્શિત કર્યું છે.
આત્મા અને દેહ બંને ભિન્ન છે. કવિરાજે પણ તે શબ્દો બેવડાવ્યા છે. પ્રથમ ગાથાના ઉચ્ચારણમાં બન્નેનું ભેદજ્ઞાન બતાવ્યું છે. તે બંને જુદા છે તેમ કહ્યું છે, જયારે બીજી ગાથામાં તે બંને જુદા છે એટલું જ નહીં પણ આત્માના અપાર ગુણો છે અને દેહ અલ્પગુણી છે. તે રીતે ગુણવત્તાની દ્રષ્ટિએ પણ ભિન્ન છે. કોઈ કહે ઘઉં ને કાંકરા જુદા છે પરંતુ ફરીથી વજન મૂકીને કહે કે ઘઉં અને કાંકરા સમાન નથી પણ જુદા જ છે. એક વાકયમાં સામાન્ય ભેદ છે, જયારે બીજા વાકયમાં મૂલ્યાંકન છે. કવિરાજ પ્રથમ ગાથામાં સામાન્ય જીવને કહે છે કે આત્મા દેહ જેવો લાગે છે પણ તે બંને એક નથી. આ જ વાત ફરીથી કહે છે કે બંને ભિન્ન છે એટલું જ નહિ પરંતુ બન્ને સમાન નથી, માટે ભિન્ન છે. અર્થાત્ ત્યાં દેહ કરતાં આત્માનું મૂલ્ય અધિક પ્રદર્શિત કરવા માટે આખી ગાથાનું પુનઃ ઉચ્ચારણ કર્યું છે.
સમગ્ર આત્મસિદ્ધિમાં લગભગ આ બે ગાથા જ એવી છે, જે સમાન શબ્દોથી બેવડાવી હોય. શબ્દો સમાન હોવા છતાં અર્થગાંભીર્ય ઘણું છે, આવા મહાન તત્વવેત્તાને અર્થગાંભીર્ય શોભા આપી રહ્યું છે, એક અધ્યાત્મ કવિ તરીકે બંને ગાથાના સમાન શબ્દોથી એક અપૂર્વ ધ્વનિ ગૂંજે છે. આખું કથન અસિ-મ્યાનના દૃષ્ટાંતથી સ્પષ્ટ દ્રષ્ટિગોચર થાય છે.
આધ્યાત્મિક સંપૂટ : ગાથા ૪૯, ૫૦ – કોઈપણ અધ્યાસ એક પ્રકારે વિપરીત આભાસ ઊભો કરે છે. અધ્યાસ થવો, એ સ્વાભાવિક કમ છે. દર્પણમાં પ્રતિબિંબ દેખાય, તે આવાસ્તવિક હોવા છતાં એક પ્રકારે અધ્યાસનું ફળ છે. પ્રતિબિંબ પડવું, તે કોઈ દોષ નથી પણ આ પ્રતિબિંબ છે, તેમ ન સમજવું, તે દોષ છે. પ્રતિબિંબને પ્રતિબિંબ જાણવું અને જેનું પ્રતિબિંબ છે, તે દ્રવ્ય નિરાળું છે તેમ સમજવું, તે જ્ઞાનતત્ત્વ છે. આ રીતે જીવ જ્યારે શરીરમાં નિવાસ કરે છે અને અનંતકાળથી શરીરનો સહવાસ હોવાથી તેને દેહ જ આત્મા', જેવો પ્રતિભાસ થાય છે. અધ્યાસ તો રહેવાનો જ છે પરંતુ અધ્યાસનું જ્ઞાન મહત્ત્વપૂર્ણ છે. જ્ઞાનની તીખી તલવારથી દેહ અને આત્માની વચ્ચે તીવ્ર ભેદલાઈન કરવાની જરૂર છે. આ ભેદલાઈને જો ન હોય, તો કૂવાના કિનારે ઊભેલો માણસ એક ડગલું આગળ વધે તો કૂવામાં પડી જાય છે, તે જ રીતે જ્ઞાનની રેખા ઓળંગી જવાથી અજ્ઞાનના અંધકારમાં મનુષ્ય વિલીન થઈ જાય છે. આ રીતે દેહાધ્યાસ ખરાબ નથી પરંતુ દેહાધ્યાસ ન સમજવો, તે પરમ અહિતનું કારણ છે. ખરું પૂછો તો મનુષ્યનું અહિત પણ દેહાધ્યાસથી થાય છે અને તેનાથી વધારે દેહાધ્યાસને ન સમજવાથી થાય છે, માટે સાધનાના બધા અનુષ્ઠાનોમાં અને બધા ધાર્મિક સમાજોમાં પણ દેહાધ્યાસથી મુક્ત થવા માટેની ઊંડી ચર્ચા છે. સિંહ જેવું પ્રબળ પ્રાણી પાંજરામાં બંધ થાય, તે રીતે દેહાધ્યાસ એક ભયજનક પાંજરું છે.
\\\\\\\\\\\\\\LS (૬૪) એમ.....SS