________________
ઉદાહરણથી ભિન્નતાનું ભાન થાય, તે રીતે પુનઃ આ ૫૦ મી ગાથામાં ઉદ્ઘોષ કર્યો છે. આત્મ કલ્યાણની આ પહેલી સીડી છે. દેહથી આત્માને છૂટો માન્યા પછી સાધક આત્મા સંબંધી વિચાર કરી શકે છે. વરના તે દેહ વિષે જ વધારે આકિત ધરાવે છે. આખી ગાથાના બધા શબ્દો ઉપર ઊંડું વિવેચન કર્યા પછી આ ગાથામાં ફકત એટલું જ કહેવાનું રહે છે કે મૂલ્યાંકનની દૃષ્ટિએ રૂપી જડ દ્રવ્યો કરતાં ચેતન દ્રવ્યોનું મૂલ્ય વધારે છે. અશાશ્વતમાંથી શાશ્વતને ઓળખવા માટે, અનિત્ય ભાવોમાંથી નીકળીને નિત્ય ભાવોને પામવા માટે અને દેહાદિના ક્ષણિક સુખોનો વિચાર છોડીને શાશ્વત અનંત સુખનો વિચાર કરવા માટે, આ બંને દ્રવ્યોનો સ્વભાવ તત્ત્વ દૃષ્ટિએ જાણી લેવો, એ સાધકને માટે જરૂરી છે. જેમ સ્વર્ણકાર માટી અને સોનાના ભેદને ઓળખે છે, તેમ સાધક અહીં હેમ અને કથીરનો ભેદ કરીને દેહરૂપી કથીરમાં રહેલું આત્મતત્ત્વરૂપી હેમ પારખે, કથીરને કથીર જાણે, હેમને હેમ જાણે, એ જ રીતે દેહને દેહ જાણે અને આત્માને આત્મા જાણે, ત્યારે તે જ્ઞાનની પહેલી સીડી અથવા સાધનાનું પ્રથમ પગથિયું પ્રાપ્ત કરે છે. બંને ગાથામાં દેહાધ્યાસ શબ્દ મૂકવામાં આવ્યો છે. દેહાધ્યાસની બે અવસ્થા છે. એક અજ્ઞાનમૂલક દેહાધ્યાસ અને બીજો આસકિત રૂપ દેહાધ્યાસ. અજ્ઞાનમૂલક દેહાધ્યાસમાં દેહ કે આત્મા વિષયક કશું જાણપણું નથી, આ દેહાધ્યાસ અજ્ઞાનરૂપે પરિણામ પામ્યો છે, તેથી દેહ તે હું છું, એમ સમજે છે. આ દેહાધ્યાસમાં અજ્ઞાનની સાથે મિથ્યાત્ત્વનો અંશ સમાયેલો છે. જયારે બીજા પ્રકારનો દેહાધ્યાસ તે આસકિત પૂર્ણ દેહાધ્યાસ છે. દેહ તે સર્વસ્વ નથી તેવું ભાન થાય છે. દેહ કાયમી પ્રોપર્ટી નથી, મૃત્યુ અવયંભાવી છે અને મૃત્યુ થતાં દેહનો વિલય થશે, તે સામાન્ય માનવી પણ જાણે છે છતાં દેહાધ્યાસના કારણે તેની આસકિત દેહમાં સીમિત રહે છે અને તેને સ્વતંત્ર ચૈતન્ય તત્ત્વનું ભાન થવા દેતી નથી. આ રીતે બંને ગાથામાં બે વખત દેહાધ્યાસનો ઉલ્લેખ કર્યો છે. તો પણ તે વ્યર્થ નથી, સાર્થક છે. તેમાં દ્વિરુકિત દોષ નથી. બે વખત ઉકિત કરવામાં અથવા બેવડું કથન કરવામાં સિદ્ધિકાર બંને પ્રકારના દેહાધ્યાસનું સૂચન કરી ગયા છે.
દેહાધ્યાસ બે પ્રકારનો છે તો પણ તેનો પ્રતિભાસ બંનેની એકતામાં પરિણમે છે અર્થાત્ દેહ અને આત્માને ભિન્ન ન માનતા આત્મા દેહ સમાન ભાસે છે. આ પ્રતિભાસને સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારીએ તો બે પ્રકારનો પ્રતિભાસ સમજાય તેમ છે. પ્રથમ અવસ્થામાં પ્રતિભાસ આત્માનો વિલય સૂચવે છે, જયારે બીજા પ્રતિભાસમાં આત્માને દેહ સમાન માને છે. પ્રથમ પ્રતિભાસમાં આત્માનો વિલય છે, જયારે બીજા પ્રતિભાસમાં બંનેનું અસ્તિત્વ સ્વીકાર્યા પછી પણ બંનેને સમાન કોટિના માને છે અર્થાત્ આ પ્રતિભાસના કારણે દેહ કરતાં આત્માનું મૂલ્ય અધિક છે, તેમ ભાન થતું નથી. એટલે જ કવિરાજે અહીં કહ્યું છે કે “ભાસ્યો દેહ સમાન’ કદાચ આત્મા ભાસ્યો પણ હોય, તો પણ દેહની સમાન જ ભાસ્યો છે. આત્માનું મૂલ્યાંકન વધારે કર્યું નથી, બંનેને સમાન ગણવાથી મિથ્યાત્ત્વ લય પામતું નથી. આ દૃષ્ટિએ બીજી ગાથામાં દ્વિરુકિત દોષ આવતો નથી. આ આખી ગાથા મૂલ્યાંકનની દૃષ્ટિએ સ્થાપિત કરી છે કે આત્માની સરખામણી દેહ સાથે ન થાય. આ વાત સમજવા માટે જ અસિ અને મ્યાનનું ઉદાહરણ મૂકયું છે. અજ્ઞાનીને તો ફકત મ્યાનનો જ પ્રતિભાસ થાય છે, જયારે વિકૃત જ્ઞાનીને અસિ અને મ્યાન બંને સમાન મૂલ્યવાળા જ લાગે છે.
(૬૩)