________________
જાય છે, ત્યારે અભાવની નિષ્પતિ થાય છે. જેમ એક પત્થર ઉપર વીસ વખત ઘણનો પ્રહાર કર્યા પછી પત્થર સર્વથા ચૂર ચૂર થઈ જાય છે અને પત્થરરૂપી પર્યાયનો પૂરો નાશ થાય છે. પરંતુ ત્યાં એમ સમજવાનું નથી કે અંતિમ વીસમા પ્રહારથી જ પત્થરનો નાશ થયો છે. આગળના ઓગણીશ પ્રહારે પત્થરને જર્જરિત કર્યો છે, ત્યારે અંતિમ પ્રહાર સફળ થયો છે, તેમ આત્યંતિક વિયોગમાં પણ ઘણા અલ્પકાલીન પ્રયોગો આંશિક કાર્ય કરતાં કરતાં અંતિમ પ્રયોગ જ્યારે કાર્ય પૂર્ણ કરે છે, ત્યારે આત્યંતિક વિયોગ ઉત્પન્ન થાય છે. કર્મ અને જીવનો આદિકાળનો જે સંયોગ છે, તે સંયોગના આત્યંતિક નાશની આ કથા છે. કોઈપણ પ્રકારનો નાશ થવામાં કાં તો બંને દ્રવ્યો પરસ્પર વિખૂટા થાય અને પુનઃ મળવાની સંભાવના ન રહે, તે પણ આત્યંતિક વિયોગ છે અથવા બે પક્ષમાં એક પક્ષનો લય થાય, તો પણ સંયોગનો વિયોગ થાય છે. બંને પક્ષનો લય થાય તો શૂન્યનું સર્જન થાય છે. જ્યારે કર્મ અને જીવના સંયોગમાં એકપક્ષીય વિયોગ છે. આત્મા અજર અમર અવિનાશી બની રહે છે પરંતુ કર્મરૂપ એક પક્ષનો નાશ થતાં અર્થાત્ કર્મનો સર્વનાશ થતાં આત્યંતિક વિયોગ પ્રગટ થાય છે. અહીં વિયોગ શબ્દ વાપર્યો છે તે અભાવાત્મક છે. અર્થાત્ યોગનો વિશેષ પ્રકારે નાશ થાય, ત્યારે તેને વિયોગ કહેવામાં આવે છે. ‘સર્વથા વિગતઃ યોગો વિયો ।' અર્થાત્ યોગનું સર્વથા ચાલ્યું જવું, તે વિયોગ છે. અહીં સિદ્ધિકારે આત્યંતિક અભાવને વિયોગ કહ્યો છે. અહીં આપણે એક ચૌભંગી જોઈએ.
(૧) બે દ્રવ્યોની હાજરી અને પરસ્પર મિલન, તે દ્વિપક્ષીય સંયોગ. (૨) એક દ્રવ્યનો વિલય થતાં એકપક્ષીય વિયોગ. (૩) બંને દ્રવ્યનો વિલય થતાં દ્વિપક્ષીય વિયોગ. (૪) બંને દ્રવ્યોનું પરસ્પર ન મળવું તે સદંતર વિયોગ.
આ સંયોગ–વિયોગની લીલા એક પ્રકારની દ્રવ્યોની પરિણતિ છે. બે દ્રવ્યો પરસ્પર નિમિત્ત બને છે, ત્યારે સંયોગની રચના થાય છે અને બંને દ્રવ્યો પરસ્પર છૂટા પડે, ત્યારે વિયોગ થાય છે. જ્યારે વિયોગ થાય, ત્યારે પણ જો બંને દ્રવ્યોના સંયોગના કારણભૂત આસક્તિ બીજ રૂપે અસ્તિત્વ ધરાવતી હોય તો બંને દ્રવ્યો પુનઃ સંયોગને જન્મ આપે છે પરંતુ જ્યારે દ્રવ્યમાં મૂળભૂત શક્તિનો ક્ષય થઈ જાય, તો પુનર્મિલનનો અવકાશ રહેતો નથી. આવા વિયોગને આત્યંતિક વિયોગ કહ્યો છે. આ રીતે વિયોગના બે વિકલ્પ થાય છે.
(૧) કારણનો લય અને કાર્યનો લય થાય, તે સદંતર વિયોગ. (૨) કારણની હાજરી હોય અને કાર્યનો લય થાય તો અલ્પકાલીન વિયોગ.
હવે આપણે જીવ અને કર્મનો વિચાર કરીએ.
જીવ-કર્મનો આત્યંતિક વિયોગ જીવ અને કર્મનો આદિકાળનો જે સંયોગ છે, તે સ્થિર સંયોગ નથી. અલ્પકાલીન સંયોગ-વિયોગનો ક્રમ ચાલે છે. કર્મ ભોગવાઈ જાય છે, ત્યારે એક સંયોગનો નાશ થાય છે અને નવા સંયોગના બીજ વવાય છે કારણ કે જીવ જ્યાં સુધી મોહાદિક પરિણામોથી નિવૃત્ત ન થાય અને તેની જ્ઞાનદશાનો ઉઘાડ ન થાય, ત્યાં સુધી કર્મનો સંયોગ નિરંતર બની રહે છે. કર્મનો અલ્પકાલીન જે વિયોગ થાય છે, તે પણ ક્ષણિક હોય છે. એટલે ખરી રીતે
(૩૭૩)
-