________________
તેને છેદતાં શું વાર લાગે ? પૂર્વપક્ષની શંકાનું નિવારણ કરી આપણે સંયોગની બંને અવસ્થાનું પર્યાલોચન કર્યું. બે દ્રવ્યનું પરસ્પર મિલન થઈ એકાત્મક ભાવ થવો, તે દ્રવ્ય સંયોગ છે અને દ્રવ્યો પોતપોતાની જગ્યાએ રહી એકબીજાને પ્રભાવિત કરે, તે ભાવ પરિણમન રૂપ સંયોગ છે. આવા સંયોગનો વિયોગ કરવો, તે સાધનાનો માર્ગ છે.
વિયોગનું સ્વરૂપ : આ સંયોગનો લય બે રીતે થાય છે. (૧) સામાન્ય કક્ષાનો ક્ષણિક વિયોગ અને (ર) ઉચ્ચ કક્ષાનો આત્યંતિક વિયોગ.
ક્ષણિક વિયોગ – દેહાદિક સંયોગનો ક્ષણિક વિયોગ થાય, તો જીવમાં ક્ષણિક શાંતિ પણ આવી શકે છે. જેને જૈન શાસ્ત્રોમાં પથમિક સાધના, જેવો શબ્દ આપવામાં આવ્યો છે અર્થાત કર્મ કે કર્મનો પ્રભાવ ક્ષય ન પામે પરંતુ ઉપશમી જાય, પાણીનો મેલ તળિયે બેસી જાય, તેમ ક્ષણિક વિયોગ પણ પ્રગટ થાય છે. આ પ્રકારનો વિયોગ સાધનાના ક્રમમાં ઓછે–વત્તે અંશે મહત્ત્વ ધરાવે છે પરંતુ તે આત્યંતિક વિયોગ નથી, તે સંપૂર્ણ શુધ્ધિનો જનક નથી, તેથી તેને શાશ્વત સાધનાની કક્ષામાં મૂકી શકાય નહીં. આવા ક્ષણિક વિયોગ પામેલા સંયોગ ફરીથી માથું ઊંચકીને જીવને ફરીથી સંસારમાં ખેંચી જાય છે.
આત્યંતિક વિયોગ : આત્યંતિક વિયોગ શું છે? સામાન્ય રીતે વિશ્વનાં કોઈપણ પદાર્થનો પર્યાય રૂપે નાશ થાય છે. દ્રવ્ય રૂપે સંપૂર્ણ નાશ થતો નથી. ઘડો ફૂટે ત્યારે પણ માટી બની રહે છે. આ રીતે સૂક્ષ્મ વિચાર કરતાં જણાય છે કે પર્યાયનો નાશ થઈ શકે છે. દ્રવ્યોનો નાશ થતો નથી. એક પર્યાય પોતાના સ્વરૂપથી નાશ પામે છે. ક્યારેક પર્યાયનો નાશ થતાં સંયોગનો નાશ થાય છે. સંયોગ એ દ્વિપક્ષીય તત્ત્વ છે અર્થાત્ બે દ્રવ્યનું એક સાથે રહેવું, તે સંયોગ છે. બે પ્રકારની પર્યાય સમાનાધિકરણમાં કે સમકાલમાં બંને રીતે સહગામી હોય, ત્યારે એ બંને પર્યાયો પણ સંયોગની બે પાંખ છે. તાત્પર્ય એ થયું કે સંયોગ માત્ર દ્વિપક્ષીય છે.
હવે આ સંયોગનો જે નાશ થાય છે, તે પણ બે પ્રકારનો છે. (૧) સદંતર નાશ થઈ જાય અને (૨) અલ્પકાલીન નાશ થઈ જાય.
અલ્પકાલીન નાશમાં પુનઃ પુનઃ તેવા પ્રકારના સંયોગો ઉત્પન્ન થતા રહે છે કારણ કે ત્યાં કાર્યનો નાશ થયો છે પણ કારણનો નાશ થયો નથી. કારણની હાજરી હોવાથી વારંવાર તેવા પ્રકારનું સંયોગરૂપ કાર્ય ઉત્પન્ન થતું રહે છે. આવા પ્રકારના સંયોગોનો જે વિયોગ થાય છે, તે અલ્પકાલીન છે. તેના વિયોગની મર્યાદા કર્માનુસાર થતી રહે છે. કર્મરૂપ કારણ હાજર હોવાથી સંયોગોમાંથી વિયોગ અને વિયોગમાંથી સંયોગ ચાલુ રહે છે પરંતુ સદંતર વિયોગ ત્યારે જ થાય છે, જ્યારે મૂળભૂત કારણનો નાશ થાય છે. કારણનો લય થવાથી કાર્ય સદાને માટે અટકી જાય છે. આવા પ્રકારના વિયોગને આત્યંતિક વિયોગ કહેવામાં આવે છે. જેને દર્શનશાસ્ત્રમાં આત્યંતિક અભાવ કહેવામાં આવે છે.
અહીં ધ્યાન રાખવું ઘટે છે કે આત્યંતિક અભાવ તે એકસાથે થનારો અભાવ નથી, ક્રમિક અભાવ છે. ક્રમિક સાધના થયા પછી જ્યારે તેનું અંતિમ ફળ આવે છે અને ક્રિયા સમૂળ બંધ થઈ
S.S.S.(૩૭૨).....