________________
જીવાત્મા સંયોગથી મુક્ત થતો નથી. જેમ કોઈ કરજદાર બીજી અન્ય વ્યક્તિ પાસેથી કરજો લઈ પ્રથમ વ્યક્તિનો કરજો પૂરો કરે, તો તેણે કરજ આપનારને બદલ્યો છે પણ સ્વયં કરજાથી મુક્ત થયો નથી. તે કરજારૂપી કર્મ કરતો રહે છે. એ જ રીતે જીવાત્મા સંયોગોને બદલે છે પણ સંયોગોથી મુક્ત થતો નથી. તો આવા સંયોગ અને વિયોગની ક્રિયાથી મુક્ત થવું, તે હકીકતમાં સાચી મુક્તિ નથી. જે કર્મનો સર્વથા અંત કરવામાં આવ્યો હોય, તેને આત્યંતિક કહેવાય છે. આ શબ્દમાં અતિ + અંત + અંતિક, તેવા ત્રણ ભાવોની સંધિ થયેલી છે. અતિ એટલે છેવટનું, અંત એટલે નાશ અને આવો નાશ કરનારી જે ક્રિયા છે, તે અંતિમ ક્રિયા છે અથવા જેમાં સર્વથા અભાવ નિષ્પન્ન થયેલો છે, એનો અંત આવી ગયો છે કે હવે ફરીથી તેનો અંત કરવાપણું રહેતું નથી, તે આત્યંતિક કહેવાય છે.
કથા પ્રચલિત છે કે રામ રાવણને જ્યારે મારે છે, ત્યારે રાવણ ફરી ફરીથી જીવતો થઈ જાય છે, તેનો અંત આવતો નથી. એક જ જગ્યા એવી હતી કે જ્યાં પ્રહાર કરવાથી રાવણનો સંપૂર્ણ અંત થાય અને પુનઃ જીવતો ન થઈ શકે. છેવટે વિભીષણે રામને ઈશારો કર્યો અને તેની જંઘા ઉપર પ્રહાર થતાં તે મર્યો, ફરીથી જીવી શક્યો નહીં. આ તો એક દ્રવ્ય કથાનક છે. અહીં સાધારણ ઉપચારો કરવાથી કે તેને ભોગવી લેવાથી કર્મરૂપ અસુર સંપૂર્ણ લય પામતો નથી પરંતુ જ્યારે સમ્યગ્દર્શનરૂપી સુદર્શન ચક્રથી કર્મના મૂળ છેદાય અને જીવાત્મા પોતે કર્મ અને આત્મા વચ્ચેની રેખાને સમજીને કર્મનો પરિહાર કરે, ત્યારે કર્મનો અંતિમ વિયોગ થાય છે. ત્યારપછી પુનઃ આ કર્મરૂપી બીજ અંકુરિત થઈ શકતા નથી, સર્વથા લય પામે છે. આને આત્યંતિક વિયોગ કહેવામાં આવે છે. સાચા સાધનોનો સાચી રીતે ઉપયોગ કરી જ્ઞાનપૂર્વક કર્મ ઉપર પ્રહાર કરવામાં ન આવે, ત્યાં સુધી કર્મ અચેતન બનીને પણ પુનઃ ચેતન બની રહે છે. મૂર્છિત થયેલાં સર્પ જાગૃત થતાં પુનઃ ડંખ મારે છે. જ્યાં સુધી તેનું ઝેર અને ડંખ મારવાની શક્તિ મોજૂદ છે, ત્યાં સુધી તે મૂર્છિત હોવા છતાં જીવતો જ છે. તેમ અજ્ઞાન અવસ્થામાં કર્મો શાંત થાય અથવા મંદરૂપ ધારણ કરે, છતાં પણ તે કર્મ જીવાત્માને પોતાના સારા-નરસા ફળ ચખાડતો જ રહે છે પરંતુ કર્મના કડવા-મીઠા ફળથી દૂર થઈ શુધ્ધ સ્વભાવમાં પ્રવેશ કરતાં શુભ અને અશુભ બંને કર્મો નિવૃત્ત થાય છે અને જીવાત્મા જ્યારે ક્ષપકશ્રેણીનું અવલંબન કરી ક્ષાયિક ભાવોમાં રમણ કરે છે, શુક્લધ્યાનમાં સ્થિર થઈ બાકીના ધ્યાનનો પરિહાર કરે છે, ત્યારે યોગ હોવા છતાં યોગાતીત અવસ્થાનો જન્મ થાય છે અને તે અવસ્થાની સ્થિતિ પૂરી થતાં, શેષ રહેલા આયુષ્ય કર્મના દલિકોનો ક્ષય થતાં યોગની નિવૃત્તિ સાથે શુભ અને અશુભ, પુણ્ય-પાપ બંનેનો લય થતાં જીવાત્મા કર્મનો આત્યંતિક ક્ષય કે વિયોગને પ્રાપ્ત કરી મોક્ષભાવમાં રમણ કરે છે. મોક્ષભાવ તે જ તેનો શુદ્ધ સ્વભાવ છે, આવી શુદ્ધ સ્થિતિ કર્મનો આત્યંતિક નાશ કરવામાં કારણભૂત છે, તેથી સૂક્ષ્મ અને સ્થૂલ તેજસ-કાર્પણ, ઔદારિક, વૈક્રિય ઈત્યાદિ જે સંયોગી શરીર હતા તે બધા સંયોગો છૂટા પડે તેવા કેન્દ્રબિંદુ ઉપર જીવ જ્યારે સ્થિર થયો છે, ત્યારે બધા સંયોગના પ્રભાવથી મુક્ત થઈ અકર્તા, અભોક્તા બની કર્મલીલાથી મુક્ત થઈ મોક્ષપદને પામે છે, માટે અહીં ગાથાકાર કહે છે કે “સિદ્ધ મોક્ષ શાશ્વત પદે' આ પદમાં પહોંચી જતાં હવે પોતે પોતાના સ્વરૂપનો જ આનંદ લઈ શકે. સ્વયં પોતે
૩૭૪