________________
ગાથા-૯૦
ઉપોદ્ઘાત : પૂર્વે આપણે કહી ગયા છીએ કે આ છેલ્લી ત્રણ ગાથા એક સૂત્રમાં બંધાયેલી છે છતાં પણ વિવેચનથી વૃષ્ટિએ વિસ્તાર કરવામાં આવ્યો છે. આ ગાથામાં શુભાશુભ કર્મના અંત રહિત નાટકનું વર્ણન કર્યું છે. સમયસારમાં પણ કહ્યું છે કે જીવ જીવનનાં ક્ષેત્રમાં મોહ અને મોહજન્ય શુભાશુભ રૂપ લઈને નાચી રહ્યો છે. શુભાશુભ કર્મ એટલે મૂળમાં મોહનીય કર્મનું નૃત્ય છે. શુભ અને અશુભ કર્મ તે મોહનીય કર્મના બાહ્ય પરિણામો છે અને જીવને તે સાક્ષાત્ ફળ આપનારા દેખાય છે, તેથી તેણે શુભાશુભ કર્મના ફળની આસક્તિમાં અનંત કાળ પસાર કર્યો છે. કર્મના ફળોમાં કાળ સાક્ષીભૂત છે અને કાળ જ કર્મની સ્થિતિનું નિર્માણ કરે છે, તેથી જીવનું કતૃત્વ હોવા છતાં દિવ્યવૃષ્ટિએ કાળ પ્રધાન છે. આ ગાથામાં શાસ્ત્રકારે કર્મની સાથે કાળનો પણ ઉલ્લેખ કર્યો છે અને શુભાશુભ કર્મને ભાવકર્મ કહીને દ્રવ્યકર્મનો પરોક્ષરૂપે ઉલ્લેખ કર્યો છે, જેનું આપણે સૂક્ષ્મ વિવેચન કરશું. આ ગાથા આ નાટકનો અંત કરવાની પણ વાત કરે છે અને ગાથામાં કર્મછેદન કે કર્મભેદન શબ્દ મૂકીને પુનઃ મુક્તિકાળનો ઉલ્લેખ કર્યો છે. આમ કાળનો અને કર્મનો સંબંધ અને ત્યાર પછી કાળ અને કર્મના સંબંધનો વિચ્છેદ, બંને વસ્તુ સંસાર અને મોક્ષ રૂપ છે. તે રહસ્ય પ્રગટ કર્યું છે. આખી ગાથા ઘણી જ સાર ભૂત છે. હવે આપણે ગાથામાં ગોથું મારીએ.
વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ;
તેહ શુભાશુભ છેદતા, ઉપજે મોક્ષ સ્વભાવાભા વીત્યો કાળ અનંત : ગાથાના પ્રારંભમાં જ અનંતકાળના નાટકમાં શુભ અને અશુભ એ બે મુખ્ય પાત્ર છે, એમ બતાવ્યું છે પણ આ બે પાત્રોએ ક્યારે નાટક શરૂ કર્યું, તેનો કોઈ ઉલ્લેખ નથી અથવા જીવે શા માટે શુભાશુભ કર્મને પોતાના મિત્ર બનાવ્યા ? તેનું રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું નથી. શાસ્ત્રકાર સ્વયં કહે છે કે અનંતકાળથી આ કોયડો ચાલતો આવ્યો છે. જે કાર્ય અનંતકાળથી ચાલતું હોય તેની ઉત્પત્તિનો કોઈ સમય નિશ્ચિત કરી શકાય નહીં તો તે અંત રહિત ન કહી શકાય, માટે આ કર્મનો પ્રભાવ અને તેની સાથે જીવનો સંબંધ, એ બધાનો ક્રમ અનંતકાળ થી ચાલી રહ્યો છે, એક રીતે અનંતકાળ વીતી ગયો છે. વર્તમાનકાળની અપેક્ષાએ બધા કર્મભોગ ભૂતકાળની કથા બની ગઈ છે. એટલે શાસ્ત્રકાર “વીત્યો' એમ કહીને ભૂતકાળનો ઉલ્લેખ કરે છે. આગળ શું થશે કે એ જ રીતે વીતતો રહેશે, એવો કોઈ નિયમ નથી પરંતુ વર્તમાન સ્થિતિ જોતાં તે સ્થિતિ તેના અનંત ભૂતકાળની સાક્ષી આપે છે. જેમ કોઈ નવો ચોર ન હોય અને પેઢી દર પેઢી તેની પરંપરામાં બધા ચોરીની કળામાં પ્રવીણ હોય, તો વ્યવહારદશામાં એમ કહેવાય કે આ લોકોના સાત પેઢીની જીંદગી ચોરીમાં જ વીતી છે. તેમ વર્તમાન પરિસ્થિતિ એક ભૂતકાલીન પરંપરાની અભિવ્યક્તિ કરે છે. અહીં શાસ્ત્રકાર કહે છે કે ભાઈ ! આ શુભાશુભ કર્મનો ખેલ ખેલતાં ખેલતાં જીવનો અનંતકાળ વીતી ગયો છે અર્થાત્ અનંતકાળથી જ આ નાટક ચાલ્યું આવે છે. જે વર્તમાનમાં ચાલી રહેલું છે, તેના આધારે અનંત કાળ વીત્યો છે તેવો ભાવ પ્રગટ કરીને