________________
છૂટકારો પણ નથી અને કર્મફળથી પણ છૂટકારો નથી. આ રીતે શુભાશુભનું તંત્ર ચાલુ જ રહેશે, તેથી કર્મહીન અવસ્થાની કલ્પના કરી શકાય તેમ નથી.
અહીં શંકામાં શુભ અને અશુભનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ શુભ કોને કહેવું અને અશુભ કોને કહેવું, તેનો કોઈ નિર્ણય આપવામાં આવ્યો નથી. વ્યવહાર દ્રષ્ટિએ શુભ-અશુભ ભાવનો ઉલ્લેખ કર્યો છે, જેને આપણે પાછળ વિવેચન કર્યું છે. હવે આપણે તાત્ત્વિક દૃષ્ટિએ થોડું ધ્યાન આપીએ.
તાત્ત્વિક દૃષ્ટિએ શુભાશુભતા : શાસ્ત્રમાં યોગની પ્રવૃત્તિને કર્મનું કારણ માનવામાં આવ્યું છે. મન-વચન-કાયાના યોગ સંચાલિત કે ક્રિયાશીલ હોય છે. યોગની સાથે જીવાત્માની ભાવક્રિયા પણ ચાલુ હોય છે અને ભાવક્રિયામાં કષાય અને કષાયનો અભાવ, એવા બે પરિણામ ચાલતા રહે છે. મોક્ષશાસ્ત્રમાં કહ્યું છે કે કષાયયુકત યોગની પ્રવૃતિ અશુભ એટલે પાપનું બંધન કરે છે અને અકષાયયુકત યોગની પ્રવૃતિથી પુણ્યબંધ થાય છે. આમ ઘાતિ કર્મના ઉદયમાન પરિણામો ઉદિતયોગો સાથે જોડાય છે. યોગ તે નામકર્મનું પરિણામ છે. યોગ એક નિષ્પન સંપત્તિ છે અને જીવાત્માના વીર્યથી તે ચંચળ બને છે અર્થાત્ ક્રિયાશીલ બને છે. તે એક પ્રકારે નિરંતર ક્રિયાશીલ રહે છે. મોહનો પ્રવાહ ભળે, તો તે પ્રવૃત્તિ પાપનું કારણ બને છે. મોહથી મુકત રહે, ત્યારે પુણ્યનું કારણ બને છે. જેમ પાણીનું ઝરણું સ્વચ્છ પાણીથી પ્રવાહિત હોય, તો તે તેની શુકલ પર્યાય છે પણ તેમાં રંગ ભેળવવામાં આવે, તો પાણીનો પ્રવાહ રંગમય બની શુકલ પર્યાયનો ત્યાગ કરે છે અને તે બેરંગી બને છે. તે જ રીતે યોગની પ્રવૃતિમાં કષાયનો રંગ ભળે, તો યોગ અશુભ થઈ જાય છે પરંતુ કષાયથી દૂર રહે, તો યોગ શુભ બને છે. આ છે શુભ અને અશુભનું તાત્ત્વિક વિવેચન. હજુ આગળની ગાથામાં પણ સ્વયં સિધ્ધિકાર શુભ અશુભ ભાવને સ્પર્શ કરે છે, તેથી આ શંકાપક્ષમાં આટલું વિવેચન કરી શકાકારની શંકા પુષ્ટ કરવામાં આવી છે કે શુભાશુભ ભાવોનો નિત્ય સંયોગ છે. જીવ માત્ર નિરંતર શુભાશુભ ભાવ ભોગવતા રહે છે, માટે કર્મરહિત એવું કોઈ સ્થાન નથી અને એવો કોઈ અવસર નથી કે જીવ કર્મ જંજાળમાંથી મુકત થઈ અકર્મ અવસ્થામાં આવી શકે. કર્મ એ પ્રબળશકિત છે અને તેનાથી છૂટકારો થવો, તે સંભવ નથી. જીવ પણ કર્મથી છૂટો થવા માંગતો નથી. જીવ અને કર્મ એકાકાર દેખાય છે, માટે કર્મમુકિતની કલ્પના કરવી, તે સંભવ નથી. આમ કહી શકાકાર શ્વાસ લે છે અને ઉત્તરની પ્રતીક્ષા સેવે છે.
શુભ કરે ફળ ભોગવે' આ વાકય ઘણું સરલ અને સીધુ દેખાય છે પરંતુ તે ઘણું જ ગંભીર વાકય છે. જીવ જે શુભ કરે છે તે ઈચ્છાપૂર્વક કરે છે કે સહેજે થાય છે? અને અશુભ પણ શા માટે કરે છે ? તેના કારણોમાં આદિકાળના સંસ્કારો કારણભૂત છે અને જીવની વર્તમાન સુખ ભોગવવાની ઈચ્છા કે દુઃખની વ્યાવૃત્તિ તે પ્રબળ નિમિત્ત છે. આર્તધ્યાનમાં પણ શાસ્ત્રકારે ચૌભંગી મૂકી છે. (૧) ઈષ્ટ સંયોગ (ર) અનિષ્ટ વિયોગ (૩) ઈષ્ટ વિયોગ (૪) અનિષ્ટ સંયોગ.
જીવ માટે આ ચાર ઘણા જ પ્રબળ ભાવો છે અને જે કાંઈ શુભાશુભ ક્રિયા થાય છે, તેના મૂળમાં આ ચૌભંગીમાં બતાવેલી આસક્તિ જ કારણભૂત છે. મૂળ વાત એ છે કે આસક્તિભાવે કરેલા કર્મો શું શુભ બની શકે? શાસ્ત્રકાર ત્યાં પણ નિર્ણય આપે છે કે આસક્તિપૂર્વક કરેલા કર્મો આર્તધ્યાન યુક્ત હોવાથી પાપબંધનું નિમિત્ત બને છે. જ્યારે બીજો પ્રશ્ન એ છે કે અનાસક્ત ભાવે
SS(૩૪૯) SS