________________
સ્વર્ગ નરકની વાત માનીએ કે ન માનીએ પરંતુ આ કર્મનું તત્ત્વજ્ઞાન તે સ્વયં આપણો પોતાનો જ અનુભવરૂપ સિદ્ધાંત છે. સ્વયં આપણી પોતાની જ પરિણતિ છે. આંતરદ્રષ્ટિ કરવાથી ચેતન તત્ત્વની પ્રક્રિયા જોઈ શકાય છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે “વિમૂઢનાનુપત્તિ પતિ જ્ઞાન વસુષઃ” અર્થાત્ વિમૂઢ આત્માઓ જે સર્વથા મોહાન્વિત છે તે ચેતનને જોઈ શકતા નથી પરંતુ જેના જ્ઞાનચક્ષુ ખૂલ્યાં છે, તે પ્રત્યક્ષરૂપે સ્વયં સ્વનો સ્વમાં અનુભવ કરે છે. પાણીના કિનારે બેઠેલો વ્યકિત પાણીમાં તરતી માછલીઓને નિહાળે છે. તે જ રીતે વૃત્તિઓથી દૂર થયેલો સાધક વૃત્તિરૂપી નદીઓમાં વાસના અને આસકિતરૂપી તરંગિત થયેલી માછલીઓને જોઈ શકે છે. અંદરમાં વહેતી વૃત્તિરૂપી સરિતમાં સ્વયં દ્રષ્ટા બનીને તેનું નિરીક્ષણ કરી શકે છે. એ જ રીતે અહીં પણ શાસ્ત્રકાર કહે છે કે આ ત્રિપુટી પણ પોતાની આધ્યાત્મિક સ્થિતિનું વિવરણ છે અને જ્ઞાનથી તે નિહાળી શકાય છે. આ ત્રિપુટીને નિહાળ્યા પછી જીવાત્મા અહંકારશૂન્ય થઈ જાય છે અને તે જીજ્ઞાસુ બનીને બીજા કેટલાક ભાવોને સમજવા માટે તત્પર થાય છે.
ભોગભાવનું મૂળ કર્તાભાવમાં છે અર્થાત્ કર્તૃત્વ અને ભોકતૃત્વની કડી પરસ્પર જોડાયેલી છે. જમવાની ક્રિયાનો જે કર્તા છે, તે જ તેના સ્વાદનો ભોકતા છે. કર્તૃત્વ અને ભોકતૃત્વને સર્વથા છૂટા પાડી શકાય તેમ નથી. કશું કર્યું જ નથી તો પામે કયાંથી ? ક્રિયા તે કર્તુત્વ કે કર્મ છે અને તેનું પરિણામ ભોકતૃત્વરૂપે તેની સાથે જોડાયેલું છે. છતાં પણ શંકારૂપે બંને ભાવને છૂટા પાડીને અત્યાર સુધી એમ કહેવામાં આવ્યું છે, તે તેના કર્મનું ફળ નથી. આમ કર્મ અને કર્મનાં ફળને વિભકત કરીને શંકાનું પ્રદર્શન કર્યું છે પરંતુ તર્કની દ્રષ્ટિએ આ શંકા નિર્મૂળ કરી શકાય, તે સ્વાભાવિક છે અને તેનો સ્પષ્ટ પ્રત્યુત્તર આગામી ગાથામાં આપવામાં આવી રહ્યો છે.
જો કે આ ગાથા ઘણી ગંભીર હોવાથી અને તેમાં તત્ત્વજ્ઞાનની પૂર્વભૂમિકા હોવાથી ઘણું વધારે વિવેચન માંગે છે અને વિવરણનો અવકાશ પણ છે પરંતુ અધિક વિસ્તાર ન કરતાં મર્યાદાનો ખ્યાલ રાખી આપણે આ ગાથાનો આધ્યાત્મિક સંપૂટ નિહાળીને ઉપસંહાર કરીશું.
આધ્યાત્મિક સંપૂટ : ગાથાના વિવરણમાં કેટલાક આધ્યાત્મિક ભાવો પ્રગટ થયા છે, શાસ્ત્રકાર પરોક્ષરૂપે આ ગાથા દ્વારા આત્માનો દૃષ્ટાભાવ પ્રગટ કરી રહ્યા છે. જીવાત્મા જયારે પોતાની આંતરચેતનાથી પણ ન્યારો થઈ આંતર ચેતના સાથે જોડાયેલી સ્વ ચેતનાનું વિભાજન કરી સ્વ ચેતનામાં રમણ કરી આંતરચેતનાનું ધ્યાન કરે છે, ત્યારે આંતરચેતનાનું પ્રતિબિંબ સ્વચેતનામાં જોઈ શકાય છે અને સ્વચેતનામાં તે પ્રતિબિંબ ઉપર ઉપયોગ કેન્દ્રિત કરી ધીરે ધીરે નિરાકાર નિર્વિકલ્પ ભાવો તરફ ઢળે છે, ત્યારે પોતે કરોડો ટનનો માયાવી બોજો લઈને જાણે ભાર તળે દબાયેલો હતો, તેનાથી નિર્ભર બની અથવા ગુરુ લઘુ ભાવમાંથી અગુરુ લઘુભાવમાં વિચરણ કરી
સ્વસ્થિતિનો પરમાનંદ માણી શકે છે. આ છે ધ્યાનનું રહસ્ય. એટલે જ ગાથામાં કહ્યું છે કે હવે ભાવકર્મ તે કલ્પના માત્ર બની જાય છે. અર્થાત્ આખી સૃષ્ટિ કાલ્પનિક હતી અને કલ્પનામાં જ સંસાર સમાયેલો હતો. પોતે કલ્પનાતીત અકથ્ય છે. તેવો શુધ્ધ ઉપયોગ જીવને ધ્યાનકેન્દ્રમાં સ્થિર કરી દે છે. આ છે ગાથાનું આધ્યાત્મિક રહસ્ય.
(૨૯૯)>