________________
ખેતરમાં ભાવકર્મ રૂપ બીજ છે, તેને વીર્યના સ્ફૂરણરૂપ પાણીનું સિંચન મળતાં, દ્રવ્યકર્મ રૂપ અંકુર ઉદ્ભવ પામે છે. આ રીતે ભાવકર્મથી દ્રવ્યકર્મનો બંધ થાય છે. વાસ્તવિક રીતે આ શુદ્ધ ચૈતન્યનું કાર્ય નથી તેથી ચેતનાને ઉપકર્તા માનીએ, તો વધારે સ્પષ્ટ થાય છે.
એક ખાસ વાત : અહીં કર્મનું જે કતૃત્વ છે, તે પણ એક પ્રકારે ભોકતૃત્વની એક પર્યાય છે. અહીં કહેવાનો જે સૂક્ષ્મ આશય છે તે સમજવા માટે પ્રયાસ કરવો ઘટે છે. જેને ભાવકર્મ કહે છે, તે પણ હકીકતમાં ભૂતકાળના કોઈ કર્મનો ઉદયભાવ છે અને તે ઉદયભાવને અહીં ભોકતારૂપે જીવ ભોગવે છે અર્થાત્ જીવમાં જે કર્તુત્વ છે તે પણ એક પ્રકારના કર્મફળની પર્યાય છે. જે કર્તા તે જ ભોકતા છે. એમ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તેનો સૂક્ષ્મભાવે અર્થ સમજવો જરૂરી છે. કર્મના ઉદયથી જે શુભાશુભ ફળ મળે છે તે તો કર્મનો ભોગ છે જ, કર્મનું ફળ છે જ. પરંતુ શુભાશુભ કર્મનો કર્તા સ્વયં જે ઉદયભાવ છે, તે પણ કોઈ ભૂતકાળના કર્મનો કે કર્મફળનો પ્રભાવ છે, તેથી ઉદયભાવ સ્વયં પણ ભોકતા બને છે. આ રીતે ભોકતૃત્વ બંને રીતે સમજવું ઘટે છે. જેમ પિતા પુત્રનો જનક છે. તેમ સ્વયં તે પણ પોતાના પિતાનો જન્ય ભાવ છે. આ રીતે પિતામાં જનક જન્ય બંને ભાવનો સમાવેશ થાય છે. તે જ રીતે ઉદયભાવમાં પણ જનક-જન્યભાવ અર્થાત્ કર્તૃત્વ અને ભોકતૃત્વ બંને પર્યાય સમાવિષ્ટ છે અને આવા ઉદયભાવી પરિણામથી જે કાંઈ શુભાશુભ ફળ મળે છે કે જે કાંઈ સુખદુ:ખ થાય છે, તે તેનું આનુષંગિક પરિણામ છે. જીવ સુખ દુઃખનો ભોકતા છે, એ જ રીતે પોતાના ઉદયભાવોનો પણ ભોકતા છે. ઉદયભાવો બાહ્ય કર્મનો કર્તા છે પણ સ્વયં ભોગભાવે ભોગવાઈ પણ રહ્યા છે. આ સૂક્ષ્મ વિવરણ જીવની કર્તૃત્વ અને ભોકતૃત્વ બંને પ્રકારની ક્રિયાનું વિશ્લેષણ કરી એક ગૂઢ રહસ્ય પ્રગટ કરે છે.
આ ગાથા આગળની કડીઓમાં જે ભોકતાભાવ સિદ્ધ કરવાનો છે, તેની પૂર્વ ભૂમિકારૂપ છે. અર્થાત્ આ ગાથામાં ભોકતાભાવ માટે કશો ઉલ્લેખ નથી પરંતુ એક રીતે પૂર્વની ગાથામાં જીવને કર્મના કર્તારૂપે સિદ્ધ કર્યો છે, તેની ફરીથી પુનરાવૃત્તિ કરવામાં આવી છે અને જીવ શા માટે, કેવી રીતે, કંઈ પરિસ્થિતિમાં, વિભાવો દ્વારા કર્મને ગ્રહણ કરે છે, તે વખતે ક્ષયોપશમ ભાવરૂપી વીર્યનો જે મધ્યકાલીન સ્વભાવ છે, તે કેવી રીતે સહાયક થાય છે, તેની અભિવ્યકિત કરી છે. સારાંશ એ થયો કે પ્રથમ વિભાવ પર્યાય, ત્યારપછી બીજી પરિણતિ તે વીર્યનું સ્ફૂરણ અને ત્યારપછી ત્રીજી પરિણતિ સ્ફૂરણ અને ઉદયભાવના મિશ્ર યોગથી દ્રવ્યકર્મનું ગ્રહણ અર્થાત્ નૂતન કર્મ અવસ્થા. આ રીતે જીવ કર્મને ગ્રહણ કર્યા પછી આગળની ગાથામાં શાસ્ત્રકાર ભોગભાવની અર્થાત્ ભોકતૃત્વભાવની અભિવ્યકત કરતાં કહે છે કે ગ્રહણ કરેલાં કર્મોનું ફળ સ્વતઃ કેવી રીતે ભોગવાય છે ? જો કે આ વિવરણ હવે ૮૩ મી ગાથાના વિવેચન વખતે કરીશું, અહીં કર્મનો ગ્રહણભાવ, તેના કારણભૂત વિભાવભાવ અને તે બંનેની વચ્ચે રહેલો વીર્યનો સ્ફૂરણભાવ, આમ ભાવ ત્રિપુટીનું સંક્ષેપમાં આખ્યાન કર્યું છે.
આ ત્રિપુટી જેવી તેવી નથી, સમસ્ત જૈનદર્શન કહો કે કોઈપણ ધર્મશાસ્ત્ર કહો, તેના આધારભૂત કર્મવાદને પ્રગટ કરતી એક વ્યાપક ત્રિપુટી છે. જેનું જૈનદર્શનમાં સૂક્ષ્મ અને ગૂઢ રૂપે વાસ્તવિક બુદ્ધિગમ્ય, અનુભવગમ્ય, તર્કયુકત વિવરણ કરવામાં આવ્યું છે.
(૨૯૮).