________________
S
આપવા પડે તો પછી તેનું ઈશ્વરપણું કયાં રહ્યું ? કારણ કે ફળદાતા પણ સ્વતંત્ર નથી. કોઈ નિયમાનુસાર તેને ફળભોગ કરાવવો પડે છે. તેથી ઈશ્વરનું ઐશ્વર્ય અબાધિત રહેતું નથી. ઐશ્વર્ય તો ત્યારે જ ગણાય અથવા ઈશ્વરસત્તા તેને જ કહી શકાય કે સત્તા સર્વથા સ્વતંત્ર હોય, અબાધિત હોય, તેથી ઈશ્વર તરીકે જે શકિતનો આપણે સ્વીકાર કરીએ છીએ, તેને ફળદાતાના નિયામક ન કહી શકાય. ફળદાતા જો માનીએ તો ઈશ્વર કહેવામાં સંકોચ કરવો પડે, એટલે અહીં હાસ્યભાવે કહ્યું છે કે ભાઈ ! આમ કહેવામાં તો ઈશ્વરપણું જ ચાલ્યું જશે.
સરવાળે શંકાના બંને પક્ષ પ્રગટ કર્યા છે કે જીવ પણ કર્મનું ફળ ભોગવતો નથી અને ઈશ્વર પણ ફળદાતા નથી અર્થાત્ જીવ અને ઈશ્વર, બંનેને કર્મના ફળથી નિરાળા રાખવામાં આવ્યા છે. મૂળ પ્રશ્ન અધ્યાર્થ રાખ્યો છે તો જીવ કયા આધારે ફળ ભોગવે છે ? શંકાકારે સ્વયં પૂર્વમાં કહ્યું છે, તે પ્રમાણે ભોગ સ્વપરિણામી છે અર્થાત્ સંયોગે સ્વતઃ ભોગ થાય છે, તે કોઈ વિશેષ કર્મનું ફળ નથી. હકીકતમાં ભોકતાપણાનો નિષેધ કર્યો નથી પરંતુ જીવ કર્માનુસાર કર્મફળનો ભોકતા છે, તે વાતનો વિરોધ કર્યો છે, કારણ કે ભોકતૃત્વ તો પ્રત્યક્ષ છે. તેના બાહ્ય કારણો હોઈ શકે છે. તેમાં જીવ કે ઈશ્વરને વચમાં લાવી શકાય તેમ નથી. આ છે શંકાકારની મૂળભૂત શંકા.
આ શંકાનો ક્રમ : આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, આ રીતે ક્રમશઃ છ ભાવ પર શંકા ચાલી આવી છે અને તેના એક એક બોલની સિદ્ધિ પણ કરવામાં આવી છે. તે રીતે “છે ભોકતા વળી” આ ચોથા પદ ઉપર આ શંકાને પ્રગટ કરી છે અને શંકાકાર ભોકતાભાવનો નિષેધ કરે છે. જીવને કર્મનો કર્તા માની લીધો છે પરંતુ ભોકતા નથી, તેમ કહેવામાં હકીકતમાં પાપ-પુણ્યનું ફળ નથી, તેમ કહેવા માંગે છે. સુખ દુઃખ રૂપી ભોગ તો છે જ અને તે પ્રત્યક્ષ પણ છે પરંતુ આ ભોગફળ તે પુણ્ય-પાપનું પરિણામ નથી. તે રીતે જીવ કર્મનો ભોકતા બની શકતો નથી. આ રીતે શંકાનું મૂળ તાત્પર્ય કર્મફળનો નિષેધ છે. ભોગ ભાવનો તો નિષેધ કરી શકાય તેમ નથી પરંતુ જો ભોગભાવને કર્મનું ફળ માનવામાં ન આવે, તો આખી ધર્મની શૃંખલા, ઉપાસનાનો ક્રમ કે દ્રવ્યાનુયોગી પરિણામ તૂટી જાય છે, ધર્મની માન્યતાનો કોઈ અર્થ રહેતો નથી. જીવના ભોગનો તેના કર્મ સાથે સંબંધ જોડાય, તે જ પ્રમાણિત સિદ્ધાંતને આ ગાળામાં સ્વીકૃત ન કરતા શંકારૂપે તેનો નિષેધ પ્રદર્શિત કર્યો છે.
છ બોલ ઉપર આત્મસિદ્ધિનું નિર્માણ છે. તેમાં આ ચોથા બોલ ઉપર પ્રશ્નનું ઉદ્ભાવન કરવામાં આવ્યું છે. વસ્તુતઃ જીવને પણ જેમ કર્મથી મુકત કરવાનો છે, તેમ ભોગભાવથી પણ મુકત કરવાનો છે. જો જીવ ભોગવનાર સિદ્ધ થાય તો જ ભોગમુકિતની કથા કહી શકાય. પરંતુ જો તે પોતાનાં કર્મફળ ભોગવે છે તેમ સાબિત ન થાય, તો કર્મ કરવાની કે ભોગવવાની ચાવી જીવના હાથમાં રહેતી નથી. જો કર્મ અને કર્મના ભોગની ચાવી જીવના હાથમાં ન હોય, તો તેને સાધનાની પણ જરૂર નથી. તે સદાકાળ માટે ભોગાત્મક ક્રિયાનો શિકાર બની રહે છે, તે માટે શંકાકાર મૂળભૂત પ્રશ્ન ઉપર મંતવ્ય રજૂ કરીને એમ કહેવા માંગે છે કે જીવને ભોકતા ગણવાની જરૂર નથી.