________________
શુધ્ધ સ્વભાવ અને જ્ઞાનથી યુક્ત છે. જ્ઞાનની પ્રરૂપણા કરીને પોતે પોતાની સીમાનું ઉલ્લંઘન કરતા નથી. જ્ઞાનનો ધારક જીવ છે. હવે જીવ તે જ્ઞાનને અનુસરે કે ન અનુસરે, તેનું કર્તૃત્વ જીવનું છે. જો કર્તાપણું ભગવાન ઉપર મૂકવામાં આવે, તો જીવ જડ બની જાય અથવા કર્મનો જવાબદાર ન બને અને કર્મનો ભોગવાનાર પણ ન બને પરંતુ પ્રત્યક્ષ દેખાય છે કે જીવ પોતે જ કર્મ ભોગવે છે. સુખદુઃખનો ભાગી પોતે જ બને છે. માટે શાસ્ત્રકારે બુલંદીથી કહ્યું કે ‘કર્તા ઈશ્વર કોઈ નહિ’ તારા કર્મનો કર્તા તું છે, તે હકીકત ડંકો વગાડીને કહેવા માંગે છે... અસ્તુ.
આખી ગાથાનો શબ્દાર્થ કર્યા પછી આપણે તેના ગૂઢાર્થ કે ભાવાર્થમાં પ્રવેશ કરશું. દર્શનશાસ્ત્રમાં દાર્શનિક રીતે આ બધી ગંભીર ચર્ચાઓ થતી રહે છે. પરંતુ આત્મસિધ્ધિશાસ્ત્ર કોઈ દાર્શનિકશાસ્ત્ર નથી પણ અધ્યાત્મશાસ્ત્ર છે, તેથી બધા પદોનું અધ્યાત્મદૃષ્ટિએ મૂલ્યાંકન કરવું ઘટે છે. કર્તૃત્વનો પરિહાર કરવો અને જીવ અકર્તા છે. એ સમગ્ર અધ્યાત્મશાસ્ત્રોનો સાર છે અથવા લક્ષ છે, એમ કહો તો પણ ખોટું નથી. હું કરું, હું કરું, તે જ અજ્ઞાનતા' સામાન્ય સંતો કે અધ્યાત્મ ઉપાસકો છે, તે અહંકારનો ત્યાગ કરવાની વાત કરે છે. જીવ જો અકર્તા સાબિત થાય, તો જ તેનો અહંકાર જાય. કર્તૃત્વ તે અહંકારનું બીજ છે. અહીં જે કર્તૃત્વની વાત કરી છે, તે અહંકારના પક્ષમાં નથી. છેવટે તો જીવને મૂળસ્વરૂપે અકર્તા માન્યો છે અને દરેક પદાર્થો સ્વતંત્ર રીતે પોતાના પર્યાય કરે છે. અહીં જે કર્તૃત્વની સ્થાપના કરી છે, તે પણ ગૂઢ ભાવે જીવના અકર્તૃત્વની જ વ્યાખ્યા છે. કર્તૃત્વ વ્યવહારદશા છે અને વ્યવહારદશામાં જ અહંકાર ઉદ્ભવે છે. એટલે અહીં જીવને જે કર્તા કહ્યો છે, તે તેના અહંકારને પ્રદર્શિત કરે છે. હકીકતમાં આ અવસ્થા ત્યાજ્ય છે. તે ગાથાની વ્યંજના છે અર્થાત્ ગૂઢાર્થ છે. પાપ કરનાર માણસને આપણે કહીએ કે આ પાપી છે તો એ કથનનો સાર એ છે કે પાપ છોડવા જેવું છે અને પાપી નિષ્પાપ બને, તે કથનનો ઉદ્દેશ છે. વિધિ–કથન સાપેક્ષ છે અને તે વર્તમાન ક્ષણિક ભાવોને પ્રગટ કરે છે. જેમ કોઈ કહે કે આ મનુષ્ય વધારે પડતું બોલે છે, તો આ કથનનો સાર એ છે કે તેણે મૌનની ઉપાસના કરવી જોઈએ. મૌન તે તેનો સ્થાયી સાક્ષાત્ ગુણ બની શકે છે. વધારે બોલવાની ટેવ તે અસ્થાયી છે. એ જ રીતે આ ગાથામાં ઈશ્વર કર્તા નથી અને તે પ્રેરક પણ નથી એમ કહીને જીવ કર્તા છે અને પ્રેરક છે, તે કથન કર્યું છે પરંતુ હકીકતમાં જીવ સદાને માટે કર્મનો કર્તા નથી અને સદાને માટે પ્રેરક પણ નથી. અત્યારે વિભાવદશામાં જ આ બંને ક્રિયાઓ ઘટિત થાય છે. વિભાવ દશા ત્યાજ્ય છે અને જેમ ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે, તેમ જીવ પણ શુદ્ધ સ્વભાવ છે. આ રીતે જીવ અને ઈશ્વર એક જ છે, તેવી પરોક્ષ વ્યંજના છે. આ કર્તૃત્વરૂપ દોષ જેમ ઈશ્વરની સાથે લાગુ થતો નથી તેમ શુદ્ઘ જીવ સાથે પણ લાગુ થતો નથી. કેવળ અશુદ્ધ આત્માનો જ વિકાર છે અને તે જ પ્રેરક અને કર્તા રૂપે પ્રવૃત્તિ કરે છે એવું શાસ્ત્રકારનું ગૂઢ મંતવ્ય છે.
આધ્યાત્મિક સંપૂટ : સ્વાધ્યાયકર્તાએ ધ્યાન રાખવાનું છે કે સંપૂર્ણ આત્મસિધ્ધિશાસ્ત્ર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અધ્યાત્મ ભાવોને જ ઉજાગર કરે છે. હકીકતમાં કથનના આ શબ્દોને પકડવાના નથી પરંતુ કથનનું તાત્પર્ય સમજ્યા પછી તે ભાવો કંઈ દિશામાં દોરી જાય છે, તે મહત્ત્વપૂર્ણ છે. જંગલમાં હીરાની ખાણ છે. હીરાની ખાણ ક્યાં છે ? તે જંગલનો નકશો ઘણી
(૨૬૫)