________________
પણ પ્રકારના છે. (૧) જે સૂક્ષ્મ કર્મરજ આત્મપ્રદેશોમાં કર્મરૂપે બંધાય છે. તે પણ કર્મ છે. અને (૨) જીવાત્મા સ્થૂલ શરીરનું કે યોગનું અવલંબન લઈ જે કાંઈ શુભાશુભ ક્રિયા કરે છે, તે પણ કર્મ છે. સૂક્ષ્મ કર્મ માટે સૂક્ષ્મ પ્રેરણા આધારભૂત છે અને બાહ્ય સ્થૂલ કર્મ માટે યોગજનિત સ્થૂલ પ્રેરણા આધારભૂત છે. આ બંને સ્થળે ચેતનની હાજરી છે. જેથી આ બધી ચેતનની પ્રેરણા છે માટે કવિરાજ અહીં પ્રથમ પદમાં કહે છે કે હોય ન ચેતન પ્રેરણા કોણ ગ્રહે તો કર્મ ?’ આ પદમાં સ્થૂલ અને સૂક્ષ્મ પ્રેરણા, સ્થૂલ અને સૂક્ષ્મ કર્મ, બંનેમાં ચેતનની પ્રેરણા આવશ્યક છે, તેમ કહ્યું છે. ચેતનની પ્રેરણા વિના સૂક્ષ્મ કે સ્થૂલ કોઈપણ પ્રકારની ક્રિયા થતી નથી, માટે સ્વયં બુદ્ધિને પૂછે છે કે જો ચેતનની પ્રેરણા ન હોય, તો કર્મ કોણ ગ્રહણ કરે ? તે પ્રશ્ન પૂછીને ચેતનની પ્રેરણાની સ્થાપના કરી છે. ચારે બાજુ ચેતન પ્રેરણા છે. ચેતનની પ્રેરણા વિના કર્મ ન થાય, તે સિદ્ધાંતની અભિવ્યક્તિ કરી છે.
ચેતનની વિવિધ અવસ્થા : ચેતન શબ્દ શુદ્ધ આત્મતત્ત્વનો બોધ કરે છે અને જીવની વ્યાવહારિકદશાનો પણ બોધ કરે છે. આત્મદ્રવ્ય અનેક કક્ષામાં રૂપાંતરિત થઈ ક્રિયાયુક્ત બને છે અને ક્રિયાહીન પણ બને છે. બહુ જ પ્રારંભિક અજ્ઞાનદશામાં જેને જૈનદર્શનમાં અવ્યવહાર રાશિ કહે છે, એવા અંધકારમય યુગમાં આત્મતત્ત્વ અનંતકાળ સુધી સ્થિર રહી પોતાનું અસ્તિત્ત્વ જાળવી શક્યું છે અને ત્યાં પણ અક્ષરના અનંતમા ભાગે જે સૂક્ષ્મજ્ઞાન પર્યાય હતો, તેના આધારે તેને ચેતનદ્રવ્ય કહ્યું છે. જ્ઞાનપર્યાયના આધારે આત્મદ્રવ્ય ચેતનની કક્ષામાં આવે છે. ચેતનનું જે ચૈતન્ય છે, તે જ્ઞાનાત્મક સ્ફૂરણ છે. આ સ્ફૂરણના આધારે અર્થાત્ જ્ઞાનપર્યાયમાં વૃદ્ધિ થતાં ચેતન વ્યવહાર કક્ષામાં આવે છે અને જીવસંજ્ઞાને પ્રાપ્ત કરે છે. એક પછી એક જ્ઞાનાત્મક ઈન્દ્રિયોનાં ઉદ્ઘાટનથી જીવાત્મા ઉપરની કક્ષાને સ્પર્શ કરતો જાય છે, ત્યારે પણ તેની ચેતન અવસ્થા છે. જેમ જેમ જ્ઞાનાત્મક પર્યાયમાં વૃદ્ધિ થાય છે, તેમ તેમ તેના મોહાત્મક ભાવમાં પણ વૃદ્ધિ થાય છે અને કર્મભોગના કારણે અકામનિર્જરાના પરિણામે જીવનાં વીર્યમાં પણ વૃદ્ધિ થાય છે અર્થાત્ વીર્યંતરાય કર્મનો પણ ક્ષયોપશમ થાય છે. જ્ઞાનની સાથે સાથે વીર્ય પર્યાય, તે પણ ચેતનનું મુખ્ય લક્ષણ છે. ચેતન શબ્દ જ્ઞાનાત્મકભાવોની અને શક્તિરૂપ ભાવોની અભિવ્યક્તિ કરે છે. આગળ વધીને જીવાત્મા દેવ અને મનુષ્યની ગતિમાં પણ જન્મ ધારણ કરીને શુભાશુભ પરાક્રમ કરે છે. આ બધી ચેતનની ક્રિયા છે. ત્યારબાદ શ્રુતજ્ઞાન પર્યાયનો ઉદય થતાં ચેતન ચેતનને ઓળખે છે, અને બાહ્ય ક્રિયાઓથી નિરાળો થઈ ક્રિયાઓનું સમાપન થતાં જીવ ઉચ્ચ શ્રેણીને પ્રાપ્ત થાય છે. ત્યારે જે સાધનામય દશા છે, તે પણ ચેતનનું જ પરાક્રમ છે, છેવટે યોગાતીત બનીને ચેતન સર્વથા નિષ્ક્રિય થઈ શુધ્ધ ચૈતન્યભાવમાં રમણ કરી સિદ્ધદશાને પ્રાપ્ત થાય છે. આ બધી અવસ્થામાં શૂન્યથી લઈને સિદ્ધિ સુધી ચેતનની અસંખ્ય અવસ્થાઓ ઉદ્ભવે છે અને શમે છે. ચેતન શબ્દ ઘણો બોધદાયક છે.
કોણ ગ્રહે કર્મ ? જ્યારે ચેતનની પ્રેરણા વાસનાયુક્ત હોય છે, ત્યારે તેનો કર્મ સાથે સંબંધ જોડાય છે. કર્મની વિશદ્ વ્યાખ્યા આપણે પૂર્વમાં કરી ગયા છીએ. અહીં એટલું જ કહેશું કે ક્રિયા કરવાની ભાવના, સ્વયં ક્રિયા અને ક્રિયાનું ફળ, તે ત્રણે અવસ્થાઓ કર્મ જ ગણાય છે. અહીં
૨૪૧