________________
ગાથા-૩
ઉપોદ્ઘાત : આ ગાથામાં પ્રતિપક્ષી છેવટે પોતાનું સંપૂર્ણ મંતવ્ય રજૂ કરે છે. પૂર્વની ગાથાઓમાં જે કાંઈ કુતર્કો આપ્યા છે, તે તર્કના આધારે પ્રતિપક્ષી મોક્ષના મંદિરને જમીનદોસ્ત કરવા માંગે છે. અર્થાત્ મોક્ષની કોઈ આવશ્યકતા નથી, મોક્ષ તે કાલ્પનિક વસ્તુ છે, તે પ્રતિપક્ષીનું અંતિમ લક્ષ છે. મોક્ષ નથી તો સાધના નથી અને સાધનાના સાધનરૂપ ધર્મ પણ નથી એમ કલ્પનાથી રચાયેલો આ ધર્મનો રાજમહેલ કલ્પનામાં સમાય જાય છે. મોક્ષની પ્રાપ્તિ માટે કોઈ કર્તવ્ય કરવાની આવશ્યકતા જ નથી. ખેતર વાવ્યું જ નથી તો લણવાનું કયાંથી ? આમ પ્રતિપક્ષી મોક્ષ અને ધર્મ પ્રત્યે પરિહાસ કરે છે, આખી ધર્મ ઉપાસનાને હાસ્યપાત્ર માને છે. ગુજરાતી ભાષાના આ મહાયોગીરાજે બહુ થોડા શબ્દોમાં પ્રતિપક્ષીનું અંતિમ લક્ષ પ્રગટ કરીને નાસ્તિક મનુષ્યોમાં પ્રવર્તમાન એક પ્રવાહનું ચિત્ર પ્રગટ કર્યું છે. હવે આપણે તે ચિત્રના દર્શન કરીએ.
માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય । કર્મતણું કતપિણું, કાં નહિ, કાં નહિ જાય ॥ ૩ ॥
ભારતવર્ષમાં લગભગ બધા સંપ્રદાયો કે સાધકોનું અંતિમ લક્ષ મોક્ષ છે. મુકિત કહો કે મોક્ષ કહો, બંને એક જ છે. સંસારથી સર્વથા નિરાળું, જન્મ મૃત્યુથી પરે, એવું કોઈ દિવ્ય કેન્દ્રસ્થાન છે, મુકત થયેલા જીવો ત્યાં જાય છે અને ત્યાં ગયા પછી પુનઃ સંસારચક્રમાં આવતા નથી. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે,
ततः पदं तत्परिमार्गितव्यं, यस्मिन्गता न निवर्तन्ति भूयः । तमेव चाद्यं पुरुषं प्रपद्ये यतः प्रवृत्तिः प्रसृता पुराणी ॥
(અધ્યાય-૧૫/૪)
અર્થાત્ એવું પદ છે કે જે મનુષ્ય જાણવું જોઈએ, સમજવું જોઈએ અને તેનું આરાધન પણ કરવું જોઈએ. જે પદને પામ્યા પછી જીવ ત્યાંથી પુનઃ પાછો સંસારમાં આવતો નથી. મોક્ષ વિષે આપણે ઘણી જ ચર્ચા કરી ચૂકયા છીએ. અહીં એટલું જ કહેવાનું છે કે મોક્ષ તે ભારતીય સંસ્કૃતિનું ખાસ કરીને જૈનદર્શનનું ધ્રુવ લક્ષ છે. મોક્ષને લક્ષ કરીને સમસ્ત સાધનાનું ઘડતર થયું છે.
માટે મોક્ષ ઉપાયનો – જો મોક્ષને ન માનવામાં આવે તો જ ધર્મ સંસ્કૃતિ પર ઊંડો પ્રહાર થઈ શકે. મોક્ષ એ એક અદૃશ્ય તત્ત્વ છે. મનુષ્યની જ્ઞાનચેતનામાં તેનું સ્વરૂપ સમાયેલું છે. આ સ્વરૂપના આધારે મોક્ષના ઉપાયની અથવા આરાધનાના માર્ગોની રચના કરવામાં આવી છે. ૭૨મી ગાથામાં જીવને અબંધ કહ્યો છે. તો જે જીવ અબંધ છે, તેને મોક્ષની જરૂર નથી અને મોક્ષ નથી તો મોક્ષના ઉપાયની પણ જરૂર નથી. વાંસ ન હોય તો વાંસળી કયાંથી વાગે ? વ્યકિત નથી તો પડછાયો પડે ક્યાંથી ? પહાડ નથી તો ચડવાના ઉપાયની રચના શા માટે કરવી ? મોક્ષ નથી, તો મોક્ષના ઉપાયની જરૂર નથી. એટલે શંકાકાર મોક્ષનો અભાવ અધ્યાહાર રાખીને સીધી રીતે
૨૩૪