________________
છે. જયારે આ અક્ષરોની પર્યાયો ખીલે છે, ત્યારે બીજા દ્રવ્યોની જેમ ઉપકરણ રૂપે ભાષા વર્ગણાનો ઉપયોગ કરે છે. પાઠકને સ્પષ્ટ થવું જોઈએ કે ભાષાના પુદ્ગલો જડ સ્વરૂપ છે પરંતુ તેને બોલનારો, વ્યવહારમાં લાવનારો અક્ષરપુરુષ ચૈતન્ય સ્વરૂપ છે.
એ જાણીને વદનાર – વદનાર એટલે બોલનાર, કથન કરનાર, વસ્તુને જાણ્યા પછી કથન કરે છે. આ રીતે જાણીને કથન કરનાર કે વદનારનો એક પ્રકાર થયો, જયારે વગર જાણ્યું કે કોઈ પણ પ્રકારની જ્ઞાનાત્મક પ્રેરણા મળ્યા વિના ભાષાના ઉદયભાવથી કર્મના પ્રભાવે પણ વદનાર માણસો જોવામાં આવે છે, એથી જ શાસ્ત્રકારે અહીં જાણીને, એટલે ભાન કરીને જે બોલનારો છે તેને લક્ષમાં લીધો છે.
વગર જાણે ભાષાના ઉદયમાન પ્રવાહોથી બોલનારો પ્રાણી સમૂહ ઘણો વિશાળ છે. તિર્યંચમાં પણ પ્રાણીઓ જે અવાજ કરે છે, તેમાં કેટલાક પ્રાણીઓ કોઈ સંજ્ઞાના આધારે બોલે છે, જયારે કેટલાક પ્રાણીઓ સ્વભાવથી જ બોલતાં હોય છે. મનુષ્યમાં પણ આવા બે પ્રકાર જોવામાં આવે છે. જે વદનાર છે, તે અમુક ભાવોને જાણ્યા પછી ભાષામાં ઉતારે છે, જયારે કેટલાક મનુષ્યો કશું ય જાણ્યા વિના પણ કર્માધીન ભાવે બોલતાં હોય છે. બીજા પ્રકારના બોલનારા જીવોમાં મોહનો અતિરેક હોય છે, જયારે પ્રથમ પ્રકારમાં જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ વધારે છે. આમ આંતરિક પરિસ્થિતિના કારણે વદનાર યોગ્ય અને અયોગ્ય બંને રીતે ભાવ પ્રગટ કરે છે. શાસ્ત્રકારે અહીં “જાણીને વદનાર' એમ લખ્યું છે અર્થાત્ જે જીવે ક્ષણિક તત્ત્વનું જ્ઞાન કર્યું છે. ક્ષણિક તત્ત્વોને જાણ્યા છે અને ત્યારપછી આ બધા ભાવો ક્ષણિક છે, તેમ બોલે છે. આ પરિસ્થિતિમાં સિદ્ધિકારનું મંતવ્ય છે કે ક્ષણિક પદાર્થને જાણીને બોલનાર વ્યકિત પોતે નિરાળો સ્વતંત્ર છે, તેવું તેને ભાન હોવું જોઈએ કારણ કે બોલનાર તો ક્ષણિક નથી. અહીં સ્વયં પોતે સમજાવવા પ્રયાસ કર્યો છે કે ભાઈ? જે ક્ષણિકનું જ્ઞાન કરે છે અને તેની વાત કરે છે, તે વાત કરનારો ક્ષણિક અવસ્થાને જાણ્યા પછી બોલે છે પરંતુ તે પોતે ક્ષણિક નથી તે સહેજે સ્પષ્ટ થાય છે.
ભાષાનો ઉદયભાવ – જેના આધારે જીવ વદનાર બને છે, બોલનાર બને છે, બોલી શકે છે. અક્ષર અને અનક્ષર ગમે તેવી ભાષા ઉચ્ચારે છે, તે ભાષાનો ઉદયભાવ શું છે? જૈનદર્શનમાં જીવ જયારે ઉત્પન્ન થાય છે, ત્યારે જેમ બીજા અંગોપાંગ બને છે, તેમ ભાષા પર્યાપ્તિ પણ બાંધે છે. ભાષા પર્યાપ્તિ તે એક શક્તિ છે. તેનાથી શબ્દનું કે અવાજનું નિર્માણ કરવાની શક્તિ પ્રગટ થાય છે. જૈનદર્શનમાં ભાષા સબંધી ઊંડું અધ્યયન છે. જીવ જયારે ભાષાપર્યાપ્તિરૂપ શક્તિ દ્વારા કાયયોગનો પ્રયોગ કરે છે, ત્યારે વિશ્વમાં સ્વતઃ નિર્માણ થયેલા ભાષા વર્ગણાના સૂક્ષ્મ સ્કંધો ખેચાય છે. તેનું ગ્રહણ અને વિમોચન, તે બંને ક્રિયા ભાષાપર્યાપ્તિ અને ભાષા વર્ગણાના પુગલના આધારે ચાલુ થાય છે. એ વખતે શબ્દની ઉત્પત્તિ થાય છે. શબ્દ એક પૌદ્ગલિક ધર્મ છે પણ તેનું સંચાલન કરનારો જીવાત્મા છે. અહીં સમજવાનું એ છે કે બોલનારો જીવાત્મા છે પરંતુ જે બોલાય છે, તે બધા ક્ષણિક ભાવો છે. આપણા શાસ્ત્રકાર અહીં કહે છે કે જે બોલનારો જીવાત્મા છે, તે સ્વયં પોતે બોલવાનું કર્મ નથી અથવા જે ક્ષણિક ક્રિયા કરે છે, તે ક્ષણિક ક્રિયાથી પોતે નિરાળો છે અને સ્વયં અક્ષણિક છે એટલે પોતે પ્રેરણા આપે છે કે હે ભાઈ ? સૂક્ષ્મ દ્રષ્ટિથી તું પોતે આ બંને