________________
છે. ‘અથવા' શબ્દ સમતુલનાત્મક છે. અહીં પણ સિદ્ધિકારે ‘અથવા' શબ્દ મૂકીને ગાથાની સમતુલા અપનાવી છે અને આ સમતુલાનું આખ્યાન બન્ને અલગ અલગ આલંબન લઈને કર્યું છે. ‘અથવા' શબ્દ બંને ગાથાના ભાવને જોડનાર હોવાથી સહેજે મહત્ત્વ ધરાવે છે. ‘અથવા' શબ્દમાં બે શબ્દ છે, અથવા. સંસ્કૃત સાહિત્યમાં કોઈપણ નવા પ્રકરણનો કે નવા ગ્રંથનો આરંભ થાય, ત્યારે ‘અથ’નો ઉપયોગ થાય છે. જેમકે 'અથ યોગો પ્રરૂપયતે' હવે યોગશાસ્ત્રનું વર્ણન કરશું. આ અર્થમાં ગુજરાતીમાં ‘હવે’ વપરાય છે. તેમ સંસ્કૃતમાં અથ અવ્યય વપરાય છે અને ‘વા’ નો અર્થ વિકલ્પ થાય છે. એક જ ચીજ બે રીતે કામમાં આવતી હોય તો ત્યાં વિકલ્પ શબ્દ કહેવામાં આવે છે. વ્યાકરણમાં વિકલ્પનો અર્થ આમ પણ થઈ શકે અને તેમ પણ થઈ શકે. અધ્યાત્મશાસ્ત્રમાં વિકલ્પનો અર્થ ક્ષણિક કલ્પના અથવા વિચારને વિકલ્પ કહેવામાં આવે છે. જયારે ભાષાશાસ્ત્રમાં વિકલ્પનો અર્થ બે પ્રકારની યોગ્યતાને પ્રગટ કરે છે. આમ વિકલ્પ શબ્દોનો પ્રયોગ એક જ વાતને બીજી રીતે પ્રગટ કરવા માટે પ્રયુકત છે. 'અથવા' શબ્દનો આખો અર્થ એ થયો કે જે વાત અમે કહી ગયા છીએ, તે વાતને હવે પુનઃ ફરીથી બીજી રીતે કહીએ છીએ. વાત એક જ છે પણ બંને ગાથામાં તર્ક જુદા જુદા છે, માટે કવિરાજ અહીં ‘અથવા’ કહીને આ ગાથાનો આરંભ કરે છે.
પૂર્વની ગાથામાં કહ્યું હતું કે જે ક્ષણિક અવસ્થાઓ છે, તે અવસ્થાને જે જાણે છે, તે એક વ્યકિત છે. આ ગાથામાં કહે છે કે ક્ષણિકનું જે જ્ઞાન કરે છે, તે બોલનારો જ્ઞાનનો અનુભવ લઈને તેનું કથન કરે છે, તેથી તે સ્વયં ક્ષણિક નથી. અહીં વદનારની ભિન્નતા બતાવી છે. જયારે આગલી ગાથામાં જાણનારની એકતા બતાવી છે. આમ જ્ઞાતાને અખંડ બતાવીને વિષયથી તે વિભકત છે, તેમ ફરીથી બતાવવા માટે આ પદનો ઉલ્લેખ કર્યો છે અર્થાત્ જ્ઞાતા અને જ્ઞેય દ્રવ્યની દૃષ્ટિએ અલગ અલગ છે. અહીં પ્રશ્ન એ થાય છે કે સિદ્ધિકારે વદનારો કહીને જ્ઞાતાનો ઉલ્લેખ કર્યો છે પરંતુ પદાર્થ જેમ ક્ષણિક છે, તેમ તેનું જ્ઞાન પણ ક્ષણિક છે, તે વાત પ્રદર્શિત કરી નથી. જયારે આધ્યાત્મજ્ઞાનમાં આ બિંદુ ઘણું જ મહત્ત્વપૂર્ણ છે, માટે આપણે તેમાં થોડુ ઊંડાઈથી નિરીક્ષણ કરી ઘટસ્ફોટ કરીશું.
આખા પદમાં સામાન્ય રીતે બે આલંબન દેખાય છે. (૧) ક્ષણિકનું જ્ઞાન અને (૨) વદનાર. જયારે હકીકતમાં આ પદમાં ત્રણ આલંબન છે.
(૧) ક્ષણિક પદાર્થ (૨) ક્ષણિકનું જ્ઞાન (૩) શાતા અર્થાત્ બોલનાર વકતા
બીજુ આલંબન તે અધ્યાહાર રહી જાય છે, કારણ કે સિદ્વિકારે ‘જ્ઞાન ક્ષણિક’નું એમ કહ્યું છે પરંતુ ક્ષણિકનું જ્ઞાન કેવું છે, તે વાત પ્રકાશિત કરી નથી પરંતુ સીધો જ્ઞાતાને જ ગ્રહણ કર્યો છે અને તે પણ "વદનારો" કહીને ગ્રહણ કર્યો છે. બીજુ આલંબન તે એક બહુ જ મોટી ભૂમિકા ભજવે છે. અહીં આપણે એક ચૌભંગી બનાવીએ.
(૧) પદાર્થ ક્ષણિક અને જ્ઞાન પણ ક્ષણિક
(૨) પદાર્થ પણ અક્ષણિક અને જ્ઞાન પણ અક્ષણિક.
(૨૦૫)