________________
ગાથા-૬૯
ઉપોદ્ઘાત સિદ્ધિકાર ૬૮મી ગાથાના વિષયની ચર્ચાથી સંતુષ્ટ થયા નથી. તે વિષયને વધારે સ્પષ્ટ કરવા અને તે વિષયના આંતરિક ગર્ભમાં બીજા પણ કેટલાક ક્ષણિક ભાવો ભરેલા છે, તેનું વિવેચન કરવા માટે આ ૬૯ મી ગાથા પોતાનું એક નેત્ર ખોલે છે અને સિદ્ધિકાર તે નેત્રમાંથી નીકળતી દૃષ્ટિ દ્વારા સૂક્ષ્મ તત્ત્વભાવોનો આભાસ આપે છે. ખરું પૂછો તો આ ગાથા પૂર્વમાં કહેલા ભાવોનું મૂલ્યાંકન કરે છે, એટલું નહિ પરંતુ સાથે સાથે બીજા પણ કેટલાક ભાવોને ઉજાગર કરે છે. જેમ કોઈ ઝવેરી કહે છે કે આ મોતી દસ લાખની કિમતનું છે, ત્યારે સાંભળીને મોતી પ્રત્યે અહોભાવ થાય છે પંરતુ ફરીથી ઝવેરી એમ કહે છે કે આ મોતી ફકત મૂલ્યવાન છે એટલું નહિ પરંતુ તેમાં બીજા કેટલાક ચમત્કારો પણ છે. આ મોતીને ધારણ કરવાથી કોઈ અમંગળ તત્ત્વ પ્રહાર કરી શકતું નથી. આ સાંભળતા મોતી પ્રત્યે બીજો અહોભાવ જાગે છે. અત્ર મોતીની કેટલીક અમૂલ્ય ખૂબીઓ પ્રગટ થાય છે, એ જ રીતે આ ગાથા પૂર્વમાં સ્થાપેલા સિદ્ધાંતનું મૂલ્ય તો ગણે જ છે પરંતુ સાથે સાથે બીજા પણ સૂક્ષ્મ ભાવોનું કથન કરીને પુનઃ જીવાત્માને એક નવું બિરૂદ આપે છે. આટલો ઉપોદ્ઘાત કરી ગાથાના એક એક પ્રસ્તરને અને તેના ભાવોને જાણવા કોશિષ કરશું.
અથવા જ્ઞાન ક્ષણિકનું,
જાણી વદનાર,
વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર | ૬૯
અહીં શાસ્ત્રકારે પદાર્થનું જે ક્ષણિક રૂપ છે, તેને વિષય તરીકે ગ્રહણ કર્યું છે. જો કે પદાર્થનું ક્ષણિક રૂપ પણ છે અને અક્ષણિક રૂપ પણ છે પરંતુ તે ચર્ચા અહીં આવશ્યક નથી. આપણે અત્યારે પદાર્થના ક્ષણિક રૂપને ધ્યાનમાં રાખીને આ ગાથાનું વિશ્લેષણ કરશું. ક્ષણિકનો સામાન્ય અર્થ નાશવાન થાય છે પરંતુ શાસ્ત્રીય ભાષામાં ક્ષણિકના બે રૂપ છે. (૧) જે સ્થિતિવાળા પદાર્થો છે, તે પણ ક્ષણિક કહેવાય છે અને (૨) ક્ષણે ક્ષણે જે પર્યાય ઉદ્ભવીને લય પામે છે, તેને પણ ક્ષણિક કહેવાય છે. સામાન્ય સ્થિતિની અપેક્ષાએ ક્ષણિક અને તત્ત્વ દૃષ્ટિએ ક્ષણિક, આ બંને ક્ષણિક નાશવંત સ્થિતિના દ્યોતક છે. આપણે બંને ભાવે તેનું વિવેચન કરવા કોશિષ કરશું.
‘અથવા' શબ્દની મીમાંસા : અહીં શાસ્ત્રકાર ‘અથવા' કહીને જે સિદ્ધાંતનો આરંભ કરે છે, તેનો અર્થ એ છે કે પૂર્વમાં કરેલું કથન જે વિષયને સ્પર્શે છે, તે જ વિષયનો શાસ્ત્રકાર બીજી રીતે પણ સ્પર્શ કરે છે. પૂર્વમાં કહ્યું છે કે બાળાદિ વય ત્રણનું' કહી તેના અનુભવકર્તાનો ઉલ્લેખ કરીને તે એક જ છે, એમ કહ્યું છે. તે જ ભાવને ‘અથવા' કહીને વદનારો પણ એક જ છે અને તે વિષય રૂપ નથી, તેમ કહીને અનુભવકર્તાને વિષયથી છૂટો પાડયો છે. પૂર્વની ગાથામાં અવસ્થાનો અનુભવ કરનારને છૂટો પાડયો છે. જયારે અહીં ક્ષણિક જ્ઞાન કરનારને વદનારો કહીને છૂટો પાડયો છે. આ રીતે કવિરાજે સ્વયં ‘અથવા' કહીને આ બંને વાત એક રૂપ છે, તેમ સિદ્ધ કરવા પ્રયાસ કર્યો છે. રામ જાય અથવા કૃષ્ણ જાય, તેમાં જનાર કરતા જવાની ક્રિયાની પ્રધાનતા
(૨૦૪).