________________
મંદાકિનીના પાવન પ્રવાહમાં અભિનાન
- ગુણવંત બરવાળિયા આત્મસિદ્ધિ શાસ્ત્ર યુગપુરુષ શ્રીમદ્જીની અનુપમ કૃતિ છે જેમાં મુખ્યત્વે આત્મલક્ષી ચિંતન છે. એ રીતે વિચારતા આ કાવ્યગ્રંથને જૈન શાસ્ત્રના ચાર અનુયોગ દ્રવ્ય અનુયોગ, ગણિત અનુયોગ ચરણાનુયોગ અને ધર્મકથાનુ યોગમાંના, દ્રવ્યાનુયોગનો ગ્રંથ કહી શકાય.
આત્મસિદ્ધિ શાસ્ત્ર નિર્વિવાદ મોક્ષમાર્ગનું સાધન છે. ૧૪ર ગાથાઓ પર હજારો શ્લોકની ટીકાઓ લખાઈ શકે તેવી આ નાનકડી કૃતિમાં આત્માને લગતું સંપૂર્ણ રહસ્ય દર્શાવાયુ છે. જેમાં શ્રીમદ્જીની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાના દર્શન થાય છે.
શ્રીમદ્જીના આત્મલક્ષી ચિંતન અને વિચાર મંથન પછી તેઓની આંતરછીપમાં આત્મસિદ્ધિ નામનું મોતી પાક્ય પૂજય બ્રહ્મચારીજીએ આત્મસિદ્ધિને સુર-સરિતા રૂપ ગંગાની ઉપમા આપી છે. પરમ દાર્શનિક પૂજ્ય જયંતમુનિ મ.સા. એ શ્રી આત્મસિદ્ધિ મહાભાષ્ય લખીને આ ગંગા-મંદાકિનીના પાવન પ્રવાહમાં આપણને અભિસ્નાન કરાવવાનો પરમ ઉપકાર કર્યો છે.
ગુરુભગવંત પૂ. જયંતમુનિ પરમદાર્શનિક છે દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી છે. આત્મસિદ્ધિના વિવિધભાવો પ્રગટ કરતાં અનેક ગ્રંથો પ્રકાશિત થયા છે. કેટલાક વિદ્વાનોએ આ કાવ્ય પર સંશોધન કરી શોધ પ્રબંધ Ph.D. માટે મહાનિબંધ પણ લખ્યા છે.
અત્યાર સુધી પ્રગટ થયેલી કૃતિઓમાં આત્મસિદ્ધિ પર ભકિતપ્રધાન વિવેચન કે Academic Career શૈક્ષણિક કારકિર્દી અંતગર્ત શોધપ્રધાન વિવરણો વિશેષ લખાયા છે.
જયારે અહીં ગુરૂભગવંત પૂ. જયંતમુનિની દાર્શનિક વિવૃતિ અધ્યાત્મ સંપદાને સમૃદ્ધ કરી ભાષ્ય સાહિત્યમાં નવી કેડી કંડારે
આત્મસિદ્ધિમાં જ્યાં જ્યાં શબ્દની અપૂર્ણતા કે દાર્શનિક દ્રષ્ટિએ વ્યાપ્તદોષ જોવામાં આવ્યાં ત્યાં ત્યાં તર્કદષ્ટિએ ઉલ્લેખ કર્યો છે. પરંતુ સમગ્ર ભાષ્યમાં કોઈપણ પ્રકારે ખંડાત્મકટિકા કેવિવેચન કરેલ નથી. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ નિરાકરણ કરી મૂલ્યાંકન કરવામાં આવેલ છે.
ભાષ્ય ભા.ન. પૃષ્ઠ પર પરનું લખાણ તપાસીએ “અહીં શાસ્ત્રકારે શુષ્કશાની એવો શબ્દ વાપર્યો છે પરંતુ તર્કદ્રષ્ટિએ શુષ્કજ્ઞાની સંભવતો નથી. ખરો શબ્દ શુષ્કઅજ્ઞાની મૂકવો જોઈતો હતો. કારણ કે આવા કોરા બૌદ્ધિક જીવોને જ્ઞાની કહીને સંબોધી શકાય નહી. વાસ્તવિક રીતે તે શુષ્ક અજ્ઞાની છે અને આ અજ્ઞાન કે ભ્રમ મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન પુરતું સીમિત નથી પરંતુ અવધિજ્ઞાનમાં પ્રવેશ કરી વિભંગ જ્ઞાનરૂપે પણ પરિણમે છે, ત્યાં પણ શાસ્ત્રકારે તેને વિર્ભાગજ્ઞાની કહ્યો છે. પરંતુ તે પણ ખરેખર વિભંગ અજ્ઞાની છે. આ તો કટાક્ષ વાકય છે, જેમ કોઈ નિર્ધન પોતાને ધની માનતો હોય અને મોટી વાતો કરતો હોય, તે વ્યકિત સભામાં આવે ત્યારે વ્યંગ ભાષામાં એમ કહેવાય કે મોટા શેઠ પધાર્યા. (આવો આવો મોટા શેઠ) પરંતુ આ શેઠ શબ્દ તેને માટે કટાક્ષ છે. વસ્તુતઃ પહેલો શેઠ તે મોટો નિર્ધની છે અને આ મોટો વિદ્વાન તે મૂરખ છે. એવો અર્થ કરવામાં આવે છે તેમ અહીં શુષ્ક અજ્ઞાનીને જ્ઞાની કહીને વ્યંગ કરવામાં આવ્યો છે. અસ્તુ.
ઉપરનું વિવેચન તપાસતાં ભાષ્યકારમાં આપણને દાર્શનિક દષ્ટાના દર્શન થાય છે.
આત્માર્થીની પૂર્વભૂમિકા સહ વિવેચન અપૂર્વકરણની વ્યાખ્યા, અગોયનું અર્થઘટન અને દર્શનની મીમાંસા સરળ ભાષામાં સમજાવી પૂ. જયંત ગુરુવરે આપણા પર ઉપકાર કર્યો છે. - પંદરમી ગાથા સમજાવતા પૂજ્યશ્રીએ સ્વચ્છંદને સુક્ષ્મ આસકિત રૂપે સમજાવતાં કહ્યું કે અહીં મતિના આગ્રહનો એવો એક લેપ લાગે છે જેમ પિતળના અલંકાર ઉપર ચાંદીનો લેપ લાગે અને તે ચમકવા લાગે છે તેમ પોતાની સમજમાં જીવને ચળકાટ દેખાય છે અહીં એક આદર્શ ભાષ્યકારના આપણને દર્શન થાય છે.
એક–એક ગાથાનું રસદર્શન આત્મસાત કરતાં મુમુક્ષ, સાધકો અને વિદ્વાનોના બત્રીસે કોઠે દીવા ઝળહળશે એવી શ્રદ્ધા છે.
જે વિચાર ચિંતનસભર બને એ વિચાર મંથનમાંથી અનુભૂતિ અને પછી દર્શન પ્રગટે. તે વિચાર જ શાસ્ત્ર બને અને તે વિચાર અમર બની જાય છે. યુગપુરુષ શ્રીમદ્જીના વિચાર મંથનમાંથી રચાયેલ કાવ્ય ગ્રંથમાં આત્માના રહસ્યો પામવાનું નવનીત પ્રગટયું તેથી જ એક કાવ્ય આત્મસિદ્ધિશાસ્ત્ર રૂપે અમર બની ગયું. શતાબ્દી પૂર્વે થયેલું આ સર્જન દર્શન બની ગયું સર્જક, સર્જન અને ભાષ્યકારને ભાવપૂર્વક વંદન.