________________
જ્ઞાનનો પ્રભાવ છે.
જડ થી ચેતન ઉપજે આ પદના બંને ભાવ સમજવાના છે.
(૧) જડમાં ચેતન ઉપજે અર્થાત્ જડના સંયોગોમાં ચેતન ઉપજે છે. (૨) જડતત્ત્વ દ્વારા ચેતન તત્ત્વ નિર્માણ પામે છે.
જો સામાન્ય રીતે પ્રથમ વ્યાખ્યા ગ્રહણ કરે, તો જડથી ચેતન ઉપજે, તે હકીકત બની જાય છે. અર્થાત્ જડમાં જીવોની ઉત્પત્તિ થાય છે. જડનો સંયોગ ન હોય ત્યાં સુધી દેહધારી જીવો જન્મ ધારણ કરતા નથી, આ સામાન્ય વ્યાખ્યા છે. પરંતુ શાસ્ત્રકાર તો જે બીજી નિશ્ચય વ્યાખ્યા છે, તેનો ઘટસ્ફોટ કરી રહ્યા છે. અર્થાત્ જડથી ચેતન ઉપજે એટલે જડદ્રવ્ય ચેતનદ્રવ્યનું નિર્માણ કરે છે. આ બીજા ભાવનો પરિહાર કરવા માટે અહીં ઉલ્લેખ કર્યો છે. જડતત્ત્વ સ્વયં જ્ઞાનહીન અચેતન છે. જડના બધા લક્ષણો સંવેદન રહિત છે. જેમાં સંવેદન નથી, તે જડ છે અને આ જડની વ્યાખ્યાના આધારે સિદ્ધિકાર કહે છે કે જડથી ચેતન ઉપજે, તેવો અનુભવ થતો નથી.
ચેતનથી જડ ઉપજે આપણે જેમ જડની વ્યાખ્યા કરી, તેમ ચેતનની પણ થોડી વિવેચના કરીએ. ચેતન તત્ત્વ સંપૂર્ણ સંવેદનશીલ તત્ત્વ છે, જ્ઞાનાત્મક દ્રવ્ય છે. એટલે શાસ્ત્રોમાં તેને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. જે જીવે છે, તે જીવ છે. જેમાં ચેતના છે, તે ચૈતન્ય છે અને જે ચિત્તવૃત્તિનું સંચાલન કરી જ્ઞાનસર્જન કરે છે, તે જ્ઞાનનો આધાર પણ ચેતન છે, એટલે શાસ્ત્રમાં તેને જ્ઞાનચેતના કહેવામાં આવે છે. જ્ઞાનચેતના તે જીવની સ્વતંત્ર સંપત્તિ છે. ચેતન તે જ્ઞાનનું અધિષ્ઠાન છે. જ્ઞાનની બંને પ્રક્રિયા અથવા દ્વિવિધ અવસ્થા જાણી લેવી જોઈએ. જ્ઞાનની પૂર્વ અવસ્થા સામાન્ય હોય છે અને ઉત્તર અવસ્થા વિશેષ હોય છે. જેમ દૂધ તે દૂધ રૂપે હોય, ત્યારે તેની પૂર્વ અવસ્થા છે પણ એ દૂધ પરિણામ પામીને ખીર ઈત્યાદિ બને છે, ત્યારે તેની ઉત્તર અવસ્થા એક વિશેષ અવસ્થા બની જાય છે.
જ્ઞાન તે જીવનો સામાન્ય ગુણ છે અર્થાત્ જીવ સ્વયં જ્ઞાનનો પિંડ છે. જ્ઞાન સ્વયં આત્મા રૂપ છે. જે આત્મા છે, તે જ ચેતન છે. આ ચેતન જયારે જ્ઞાનનો ઉપયોગ કરતું નથી, ત્યારે તેની સામાન્ય અવસ્થા, તે નિર્વિકલ્પ અવસ્થા અર્થાત્ દર્શન અવસ્થા છે. વિકલ્પાત્મક જ્ઞાન, તે જ્ઞાનની ઉત્તર અવસ્થા અર્થાત્ વિશેષ અવસ્થા છે. તેવી જ રીતે કહ્યું છે કે જ્ઞાનના વિકલ્પોથી પાછું વળવું, તે ધ્યાન છે. સામાન્ય નિર્વિકલ્પ જ્ઞાનપિંડમાં સ્થિર થવું, તે ધ્યાન છે. ધ્યાન એક પ્રકારે જ્ઞાનની મૂળ અવસ્થા છે. બંને અવસ્થામાં ચેતન દ્રવ્ય ચેતના રૂપે પરિણામ પામે છે. ચેતન દ્રવ્યની પોતાની ક્રિયા સર્વથા અછૂતી છે, અસ્પષ્ટ છે. આત્માને છોડીને બીજા કોઈ દ્રવ્ય જ્ઞાનચેતનાને પ્રવાહિત કરી શકતા નથી અને ખૂબીની વાત તો એ છે કે આ ચેતન દ્રવ્ય જેમ બીજા દ્રવ્યોથી અસ્પષ્ટ છે, તેમ બીજા દ્રવ્યો પણ ચેતનદ્રવ્યથી નિરાળા છે અર્થાત્ ચેતન જડ દ્રવ્યોમાં કોઈ પણ ક્રિયાત્મક સૃષ્ટિ કરતું નથી. આ નિશ્ચય હકીકતને લક્ષમાં લઈ સિદ્ધિકાર કહે છે કે ચેતનથી જડ ઉપજે, તે પણ અનુભવગમ્ય નથી. આમ ચેતનદ્રવ્યની અને જડદ્રવ્યની બંનેની મૌલિક અવસ્થા, અંતરંગ પર્યાયો સર્વથા સ્વતંત્ર છે, બંને દ્રવ્યોમાં કેવળ સંયોગાત્મક ભાવ છે