________________
એમ બોલે છે અને હું અને મારું કહીને વાત પણ કરે છે છતાં પણ તે હું છું કે નહીં ? તેવી શંકા કરે છે જે સ્વલક્ષી સંશય છે.
સિદ્ધિકાર આ ભૂમિકા ઉપર જ ઉપહાસ કરે છે કે આ કેવી નવાઈની વાત છે કે જે પોતે છે અને હું છું એવો અનુભવ કરે છે છતાં પોતા વિષે શંકા કરે છે અને ગાથાની પ્રથમ પંક્તિમાં આ ઉપહાસને કે આ વિચિત્ર કથાને પ્રગટ કરી છે. ‘આત્માની શંકા કરે, આત્મા પોતે આપ.'
શંકા શું છે ? તેનું થોડું વિવેચન કરીએ ? તત્ત્વગ્રંથોમાં જેને પ્રજ્ઞા કહેવાય છે, તે એક બુદ્ધિનો પ્રભાવશાળી અંશ છે. સામાન્ય બુદ્ધિને મતિ કહેવાય છે. અનુભવરહિત બુદ્ધિને અલ્પમતિ કહે છે. જ્યારે શ્રેષ્ઠ બુદ્ધિને નિર્ણયાત્મક પ્રમાણ કહેવામાં આવે છે. બુદ્ધિ અને જ્ઞાન પરસ્પર જોડાયેલા ભાવ છે. જ્ઞાન તે આત્માનો એક શાશ્વત ખજાનો છે. જ્યારે બુદ્ધિ તે જ્ઞાન રૂપી વૃક્ષના પાંદડા છે. પદાર્થના સંયોગમાં આવ્યા પછી બુદ્ધિ પલ્લવલિત થઈ ભિન્ન ભિન્ન પ્રકારનું ભાન કરાવે છે. બુદ્ધિના આ પ્રકારમાં જેને શાસ્ત્ર અનુસાર જ્ઞાનાવરણીય કર્મનો તેમાં ખાસ કરીને મતિ-શ્રુત જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ મુખ્ય ભાગ ભજવે છે. ક્ષયોપશમ નિર્મળ હોય તો બુદ્ધિ સહજભાવે, શુદ્ધભાવે પલ્લવલિત થઈ શંકાના બધા ક્ષેત્રોને પાર કરી સ્થિર ભાવને સ્પર્શ કરે છે પરંતુ જો આ ક્ષયોપશમ કલુષિત હોય, તો બુદ્ઘિ નિર્ણયાત્મક ન રહેતા સંશયાત્મક બની રહે છે, જેમ ઝૂલા પર ચડેલો માણસ અસ્થિર ભાવને ભજે છે, તેમ સંશયાત્મક બુદ્ધિના ઝૂલા પર ચડેલો માણસ અસ્થિર ભાવોમાં જ રમણ કરે છે. શંકા એ બુદ્ધિનો એક તરંગ છે. જ્ઞાનની પ્રક્રિયામાં જે સંશય થાય છે, તે ક્ષણિક છે, જેને મતિજ્ઞાનના પ્રકારમાં અવગ્રહ અને ઈહાની વચ્ચેની સ્થિતિ બતાવી છે પરંતુ આ સંશય, તે બુદ્ધિનો ક્રમિક વિકાસ છે. જ્યારે સદાને માટે શંકાશીલ બની રહેવું અથવા શંકા કરવી, તે પાપનો ઉદય છે, તે એક પ્રકારે ઉદયમાન કલુષિત પરિણામ છે. શંકામાં કદાચ ક્ષયોપશમ હોય, તો પણ તે અજ્ઞાનાત્મક ક્ષયોપશમ હોવાથી શાસ્ત્રોમાં તેને અજ્ઞાન જ કહ્યું છે. જ્ઞાનનો અભાવ તે પણ અજ્ઞાન છે અને જ્ઞાનની વિપરીત સ્થિતિ અથવા વિપરીત જાણવું કે સંશય કરવો,તે પણ અજ્ઞાન છે. અજ્ઞાન બે પ્રકારનું છે. (૧) ઉદયભાવી અજ્ઞાન અને (૨) ક્ષયોપશમ ભાવી અજ્ઞાન. સંશય, તે ક્ષયોપશમ ભાવી અજ્ઞાનનો ખાસ પ્રકાર છે. તેને જ શંકા કહેવામાં આવે છે. આટલા વિવરણથી જાણી શકાય કે શંકા શું છે ? શંકા એ જ્ઞાનનું બિભત્સ પરિણમન છે. જો આ શંકા લાંબો ટાઈમ રહે, તો બધા પુણ્યનો વિનાશ કરે છે. ભગવદ્ગીતામાં પણ કહ્યું છે કે, સંશયાત્મા વિનશ્યતિ । અર્થાત્ શંકા અને સંશયમાં રહેલો જીવ વિનાશ પામે છે. બધા ગુણોથી ભ્રષ્ટ થઈ જાય છે. બિછાનામાં રહેતો કાંટો જેમ શાંતિપૂર્વક શયન કરવા દેતો નથી. આંખમાં પડેલું કણું ભારે ખટકારો ઊભો કરે છે, સરખી રીતે જોઈ શકાતું નથી, તેમ જૈનદર્શનમાં શંકા પણ શલ્યનો એક પ્રકાર છે.... અસ્તુ.
શંકા વિષે આટલું જાણ્યા પછી તે જીવ કેવી શંકા કરે છે અને જ્યારે જીવ મૂળભૂત દ્રવ્ય વિષે કે સ્વયં આત્મા કે પરમાત્મા વિષે શંકા કરે, ત્યારે તે મોટી દુર્ગતિમાં ધકેલાય છે, તે સમજવાનું છે. જ્યારે મનુષ્ય સ્વયં આત્મા વિષે શંકા કરે છે, ત્યારે પોતે પોતાને એક નાશવાન પૌદ્ગલિક હાડપિંજરનો ઢાંચો માનીને પોતાનું સ્વરૂપ કુરૂપ કરે છે અને એક હાસ્યપ્રધાન દૃષ્ટાંત ઊભું કરે
(૧૨૩)