________________
ઉત્તર : આ પ્રશ્ન બાળજીવને લાગુ પડે તેવો છે. છતાં પણ તેના પર દૃષ્ટિપાત કરીએ તો સમજાશે કે આટલી વાત બોલવી સુંદર લાગે છે પણ મનુષ્ય સુખનો અભિલાષી છે અને સુખ પદાર્થમાં કે તેના સંયોગમાં નથી. પદાર્થ કે સંયોગ એક પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે એટલે જીવ તેમાં ઠગાતો રહે છે અને આવા ક્ષણિક સુખની લાલસામાં પાપકર્મ કરી વર્તમાન જીવનમાં અને આગામી જન્મોમાં તીવ્ર દુ:ખને પામે છે. એટલું જ નહીં પરંતુ અત્યારે જાણવાની જે થોડી ઘણી શક્તિ પ્રાપ્ત થઈ છે, તે પણ ગુમાવીને એકેન્દ્રિયાદિ નીચલી કક્ષાના જ્ઞાનહીન જન્મોમાં તે જ્ઞાનથી વંચિત થઈ ઘોર અજ્ઞાન સાગરમાં ડૂબી જાય છે.
ઉપરના પ્રશ્નોમાં આટલો જ ટૂંકો જવાબ છે કે ક્ષણિક માન્યતાના આધારે શાશ્વત સુખને છોડી દઈ જે જ્ઞાતા રૂપે, કે જ્ઞાનના ભંડાર રૂપે અંતરમાં બિરાજમાન છે, તેનાથી અજાણ રહીને જીવ એક પ્રકારે વિકલાંગ અથવા અપંગ બની જાય છે. ક્ષણિક જ્ઞાનની સામે અનંતજ્ઞાનીને ન જાણવો કે પ્રયાસ ન કરવો તે કેટલું બધું આશ્ચર્યજનક છે ? જે કોઈ ખેડૂત તૈયાર ભોજનની થાળીને જોઈને તેના બદલામાં આખું ખેતર જતું કરે અર્થાત્ ‘હીરા જેવો મનુષ્ય ભવ કોડી બદલે વેંચાય જાય', તે ધર્મ સાહિત્યની પ્રસિધ્ધ વાત અહીં સોળ આના લાગુ પડે છે. સિઘ્ધિકાર પણ આ ગાથામાં આવી જ આશ્ચર્યની અભિવ્યકિત કરે છે.
‘કહીએ કેવું જ્ઞાન’ : ‘ઘટપટ’ નું જ્ઞાન થાય છે, તે જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી થાય છે. તત્ત્વદૃષ્ટિએ આ નીચી કક્ષાના જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવ્યું નથી. શાસ્ત્રકાર તેને મતિ અજ્ઞાન કહે છે અને એ જ રીતે વધારે જાણનારના જ્ઞાનને શ્રુતઅજ્ઞાન કહેવાય છે. ‘ઘટપટ’ ને જાણે છે તે અજ્ઞાનભાવે જાણે છે. અહીં જાણવું શબ્દ તે અજ્ઞાનાત્મક છે. જીવને સમ્યગ્દષ્ટિ ન થાય, ત્યાં સુધીનું બધું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણભૂત હોવા છતાં અજ્ઞાન કોટિમાં સમાવિષ્ટ થાય છે. જૈનતત્ત્વ દૃષ્ટિમાં બે પ્રકારનું અજ્ઞાન છે. એક જ્ઞાનના અભાવરૂપ અજ્ઞાન અર્થાત્ અભાવાત્મક અજ્ઞાન અને બીજું વિપરીત જ્ઞાન જે અજ્ઞાન સ્વરૂપ છે. વિપરીત જ્ઞાનને પણ અજ્ઞાન કહેવાય છે. કારણ કે તે જ્ઞાન શ્રધ્ધાના સંપૂટથી રહિત, દ્રવ્યના ત્રૈકાલિક નિર્ણયથી રહિત, ક્ષણિક સુખાત્મક હોવાથી જીનેશ્વરોએ તે જ્ઞાનને અજ્ઞાન કહ્યું છે.
સિધ્ધિકારે અહીં ‘ઘટપટ આદિ જાણ તું’ એમ જે કહ્યું છે. તેનું જાણવું તે પણ અજ્ઞાન સ્વરૂપ છે, તે ભૂલવાનું નથી અને આવા અજ્ઞાનમય જ્ઞાનથી પદાર્થ પ્રત્યેની માન્યતા પણ વિવેકહીન છે. અર્થાત્ તેની માન્યતા પણ અજ્ઞાનમૂલક છે. આ પ્રથમ પદમાં એક ગૂઢ વિષય છે. જાણવું અને માનવું, જે કહ્યું છે તે ન જાણવા અને ન માનવા બરાબર છે કારણ કે આગળના પદમાં કહ્યું છે કે, ‘કહીએ આ કેવું જ્ઞાન ?' આ જ્ઞાન નથી તેમ પરોક્ષ રૂપે બોલ્યા છે. આથી ઉપરના દોહરાને આ રીતે ફેરવીને જોઈએ, તો ભાવ વધારે સ્પષ્ટ થશે.
“તું ન જાણે ઘટપટને, તો તું કયાંથી માન !
તો પછી જાણનારને જાણે કયાંથી ? આ છે કેવું ઘોર અજ્ઞાન'
સિધ્ધિકાર ઘટપટના જાણનાર ઉપર વ્યંગ કરીને એ જ કહેવા માંગે છે કે આ કેવું ઘોર અજ્ઞાન છે ? હકીકતમાં તે પદાર્થને પણ સાચી રીતે જાણતો નથી અને માનતો પણ નથી. તે
(૧૦૨).